Sun Jul 12 2026

Logo

ચર્ની રોડ સ્ટેશન પર એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી ગઈ, મોટો અકસ્માત ટળ્યો

2026-07-12 16:00:00
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક અઠવાડિયાં પછી મુંબઈમાં વરસાદે વિરામ લીધા પછી મુંબઈ લોકલ ટ્રેન રેગ્યુલર ચાલવાને કારણે પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પશ્ચિમ રેલવે પણ ગયા અઠવાડિયે જ ચર્ચગેટથી વિરાર દહાણુ વચ્ચે વિના રુકાવટ લોકલ ટ્રેન દોડાવે છે પણ શનિવારે ચર્ની રોડ ખાતે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. એક જ ટ્રેક પર બે લોકલ ટ્રેન આવી ગઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે વીડિયો વાયરલ થયા પછી લોકોએ પ્રશાસનની કામગીરી અંગે ગંભીર સવાલ ઊભા કર્યાં હતા.

વાયરલ વીડિયોમાં આ બનાવ સાંજના 5.35 વાગ્યાના સુમારે બન્યો હતો. ચર્ચગેટ જનારી એક લોકલ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે તેની વિરુદ્ધ દિશામાંથી એક ટ્રેન પહોંચી હતી. જોકે એ જ વખતે લોકલ ટ્રેનના મોટરમેને ટ્રેનને રોકી લીધી હતી અને મોટી હોનારત ટાળી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 
 

મોટરમેનની સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો છે, પરંતુ આ મુદ્દે રેલવે પ્રશાસન દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ બનાવ વખતે લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે આ બનાવને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર જોવા મળી હતી. 
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી સિગ્નલ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. જોકે, મોટરમેન દ્વારા સમયસર બ્રેક મારવાથી મોટી હોનારત ટાળી દીધી છે જેને અંગે લોકોએ મોટરમેનની પણ પ્રશંસા કરી હતી.

પ્રાથમિક માહિતી અંગે પશ્ચિમ રેલવેએ નોંધ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સંબંધિત લોકો સામે એક્શન લેવા અંગે પણ ખાતરી આપવામાં આવી હતી. આમ છતાં હાલના તબક્કે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં પણ સીએસએમટી સ્ટેશન ખાતે પણ એક જ પાટા પર બે લોકલ ટ્રેન આવી ગઈ હતી, જેમાં સિગ્નલ નિર્દેશ આપવામાં ભૂલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.