થાણે: થાણે મહાનગરપાલિકામાં નોકરી મેળવી આપવાને બહાને 49 વર્ષની મહિલા સહિત આઠ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષ દરમિયાન આ છેતરપિંડી આચરાઇ હતી. આરોપીઓએ થાણે પાલિકામાં નોકરી મેળવી આપવાને બહાને આઠ લોકો પાસેથી 15.95 લાખ રૂપિયા લીધા હતા. જોકે તેમને કોઇ નોકરી મેળવી આપવામાં આવી નહોતી અને પૈસા પણ પાછા કરવામાં આવ્યા નહોતા.
છેતરાયેલા લોકોએ આરોપીઓનો સંપર્ક સાધીને પોતાના રૂપિયા પાછા માગ્યા ત્યારે આરોપીઓએ તેમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
દરમિયાન મહિલાએ આ પ્રકરણે થાણે નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે 10 જુલાઇએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરાઇ ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)