Sun Jul 12 2026

Logo

વડોદરાની યસ્તિકા ભાટિયાએ લૉર્ડ્સના મેદાન પર રચ્યો નવો ઇતિહાસ

London   2026-07-12 18:58:18
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ ભારતની વિકેટકીપર-બૅટર યસ્તિકા ભાટિયા (113 રન, 158 બૉલ, 14 ફોર) ઇંગ્લૅન્ડમાં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર નવો ઇતિહાસ રચ્યો છે. તે આ ગ્રાઉન્ડ પર સેન્ચુરી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ટેસ્ટ ખેલાડી બની છે. તેનું નામ લૉર્ડ્સ ઑનર્સ બોર્ડ પર ખ્યાતનામ પુરુષ ટેસ્ટ ક્રિકેટરો સાથે લખાઈ જશે.

113 રનથી ભારતની સ્થિતિ સુધારી

લૉર્ડ્સમાં પહેલી જ વખત મહિલા ટેસ્ટ રમાઈ રહી છે અને યસ્તિકા (Yastika)એ ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દાવમાં આ વિરલ સિદ્ધિ મેળવી છે. તે પોતાના 113 રનના સ્કોર પર કૅચઆઉટ થઈ હતી. તેની આ સેન્ચુરી (Century)ને લીધે જ ભારતનો સ્કોર બીજા દાવમાં (115 રનની લીડ સહિત) 400 રનને પાર થયો હતો.

કરાટેની નિષ્ણાત અને સ્વિમર

યસ્તિકા ભાટિયા વડોદરાની છે. તેનો જન્મ અને ઉછેર આ જ શહેરમાં થયો હતો અને તે ડોમેસ્ટિક ક્રિકેટમાં વડોદરા વતી તેમ જ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલમાં) ગુજરાત જાયન્ટ્સ વતી રમી ચૂકી છે. તે કરાટેનો બ્લૅક બેલ્ટ ધરાવે છે. તે બહુ સારી સ્વિમર છે અને બૅડમિન્ટન પણ ખૂબ સારું રમે છે. તે વર્લ્ડ કપમાં રમી ચૂકી છે તેમ જ ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો એ વખતે પણ તે ટીમમાં હતી. 2020માં લૉકડાઉન દરમ્યાન તેના પિતા હરીશ ભાટિયાએ સોસાયટીના પાર્કિગ સ્લૉટનો એક ભાગ નેટ ફૅસિલિટીમાં ફેરવ્યો હતો અને ત્યાં તેમણે પુત્રી યસ્તિકાને બૅટિંગની પ્રૅક્ટિસ કરાવી હતી.

યસ્તિકા ભાટિયા વર્તમાન ટેસ્ટ પહેલાં જે ત્રણ ટેસ્ટ રમી હતી એમાં તેના રનનો સરવાળો માત્ર 98 હતો, પણ રવિવારે તેણે એક જ ટેસ્ટ-દાવમાં 113 રન બનાવ્યા હતા.