પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા વિના કોચ પાસે ટ્રેનિંગ ચાલુ રાખી હતી: કોર્ટ
થાણે: થાણે કોર્ટે 14 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવા અને તેને ગર્ભવતી બનાવવાના કેસમાં ટેનિસ કોચને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે પીડિતાનું ઘટના પછીનું વર્તન અને ફરિયાદ વિના આરોપી પાસે સતત ટ્રેનિંગ ચાલુ રાખવાથી તેના પ્રત્યે નારાજગી કે ગુસ્સો હોય એવું જણાતું નથી.
કથિત ઘટના બાદ પીડિતાના વર્તનથી તેની જુબાનીની વિશ્ર્વસનીયતા પર શંકા ઊભી થાય છે, એમ વિશેષ જજ (પોક્સો એક્ટ કેસ માટેના) પ્રેમલ એસ. વિઠલાણીએ 10 જુલાઇએ આપેલા આદેશમાં જણાવ્યું હતું. જજે નોંધ્યું હતું કે કોઇ પણ ફરિયાદ નોંધાવ્યા વિના કોચ પાસે ટ્રેનિંગ ચાલુ રાખવાના પીડિતાના નિર્ણયથી તેની જુબાનીની વિશ્ર્વસનીયતા ઓછી થઇ ગઇ છે, જેને કારણે ફક્ત તેના નિવેદન પર આરોપીને દોષી ઠેરવવો અયોગ્ય છે.
કોર્ટે નવી મુંબઈના રહેવાસી એવા 40 વર્ષના આરોપીને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રલ ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. કોર્ટે મોટી વિસંગતિઓ અને પુરાવાના અભાવનો ઉલ્લેખ કર્યો હતો.
તપાસકર્તા પક્ષના જણાવ્યા મુજબ નવમા ધોરણની વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ ઑગસ્ટ અને સપ્ટેમ્બર, 2023માં થાણેની હાઉસિંગ સોસાયટીમાં ટેનિસ કોર્ટ નજીક બે વખત બળજબરીથી તેની જાતીય સતામણી કરી હતી.
ઑક્ટોબર, 2023માં આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે પીડિતાએ પેટમાં દુખાવો થઇ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી અને તબીબી તપાસમાં તે સાત સપ્તાહની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે જાતીય સતામણીની જાણ કેવી રીતે કરવી તે અંગે ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કરવા છતાં પીડિતાએ સામાન્ય રીતે વાતચીત કરવાનું અને કોચ પાસે ટ્રેનિંગ લેવાનું ચાલુ રાખ્યું હતું. (પીટીઆઇ)