Sun Jul 12 2026

Logo

ઇરાનનો વળતો પ્રહાર... UAE, કતર, બહેરીન અને જોર્ડન પર મિસાઇલ એટેક; ખામેનેઇની દફનવિધિ બાદ એક્શનમાં ઇરાન

Tehran   2026-07-12 10:20:58
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાન: ઈરાને કતાર, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને જોર્ડન પર હુમલા કર્યા છે. આ હુમલા અમેરિકાના હુમલાના જવાબમાં કરવામાં આવ્યા છે. આ પહેલા અમેરિકાએ ઈરાનના બુશેહર, બંદર અબ્બાસ, સિરિક અને ચાબહારમાં હુમલા કર્યા હતા.

અમેરિકા અને ઈરાન વચ્ચેના હુમલાનો આ તાજો રાઉન્ડ હોર્મુઝ (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ)માં થયેલા હુમલાને લઈને છે. ઈરાનની IRGCએ હોર્મુઝને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે.

ઈરાનનો આ હુમલો સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિ અને દફનવિધિની ધાર્મિક વિધિઓ બાદ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ઈરાનના વર્તમાન સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અમેરિકા પાસેથી લોહીનો બદલો લેશે.

લોકોને કરાઇ રહી છે અપીલ

સંયુક્ત આરબ અમીરાત (UAE)નું કહેવું છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોન હુમલાઓ સામે પૂરી તાકાતથી લડી રહી છે. દેશના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં સંભળાઈ રહેલા વિસ્ફોટોના અવાજો તેની ડિફેન્સ સિસ્ટમ દ્વારા મિસાઈલો અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરવાના કારણે થઈ રહ્યા છે.

બીજી તરફ, કતરના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં સુરક્ષાનું જોખમ ખૂબ જ વધારે છે અને તમામ લોકોને પોતાના ઘરની અંદર અથવા સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. મંત્રાલયે લોકોને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા અને બિનજરૂરી અવરજવર ટાળવા માટે કહ્યું છે.

બહેરીનના ગૃહ મંત્રાલયે એર રેડ સાયરન (હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન) શરૂ કરી દીધા છે. લોકોને કહેવામાં આવ્યું છે કે, "નાગરિકો અને સ્થાનિકોને શાંતિ જાળવવા તેમજ પોતાની સૌથી નજીકના સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ કરવામાં આવે છે."

IRGCએ શું કહ્યું?

IRGCએ પાડોશી દેશો પર હુમલા કરતા પહેલા જ ચેતવણી આપી હતી કે અમેરિકાના હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે. હોર્મુઝમાં જહાજ પર થયેલા હુમલા બાદ IRGCની નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક જહાજ જેણે પોતાની સિસ્ટમ બંધ કરીને દરિયાઈ સુરક્ષાને જોખમમાં મૂકી હતી, તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેને રોકી દેવામાં આવ્યું છે. આ ઘટના પર લેવામાં આવનારા કોઈપણ પ્રતિકાર અથવા બદલાની કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે."