Sat Sep 05 2026

Logo

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના મંડાણ: ઓમાન તટ પર કોમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીયો હતા સવાર

Oman   2026-07-12 14:27:03
Author: Vimal Prajapati
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના મંડાણ: ઓમાન તટ પર કોમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીયો હતા સવાર

REUTERS/Representational


ઓમાનઃ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના ઉત્તર-પૂર્વીય તટ પાસે એક કોમર્શિયલ જહાજ 'GFS ગેલેક્સી' પર ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ માલવાહક જહાજ પર 11 ભારતીય નાગરિકો પણ સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક શરૂ કરાયેલા રેસ્કયૂ ઓપરેશનમાં 10 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય ક્રૂ મેમ્બર હજુ પણ લાપતા હોવાનું મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

ભારતીય વિદેશ મંત્રાલયનું સત્તાવાર નિવેદન

ભારતના વિદેશ મંત્રાલયે આ આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજ પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને લાપતા ભારતીય નાગરિક માટે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમે ઓમાનના તટ નજીક વ્યાપારી જહાજ GFS ગેલેક્સી પર થયેલા આ ડ્રોન હુમલાને સખત રીતે વખોડીએ છીએ. જહાજ પર સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને બચાવી લેવાયા છે, જ્યારે એક નાગરિકની શોધખોળ હજુ ચાલુ છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સર્ચ ઓપરેશન પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે’

વિદેશ મંત્રાલયે વૈશ્વિક સ્તરે અપીલ કરતા કહ્યું કે, ‘આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલા અત્યંત ચિંતાજનક છે. અમે તમામ પક્ષોને તણાવ ઓછો કરવા અને રાજદ્વારી વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા અપીલ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર દરિયાઈ માર્ગે થતા વેપારમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ."

અમેરિકાએ 140 સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો

અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી સેનાએ જમીન, સમુદ્ર અને આકાશમાંથી ઘાતક લડાયક વિમાનો અને ડ્રોન દ્વારા ઈરાનના અંદાજે 140 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર સચોટ નિશાન સાધીને મોટો હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અમેરિકી કાર્યવાહીના જવાબમાં ઈરાને પણ પલટવાર કર્યો છે. ઈરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવાયું છે.