Sun Jul 12 2026

Logo

ચોમાસાનો એક મહિનો વીત્યો છતાં સૌરાષ્ટ્રનો શેત્રુંજી ડેમ એક જ ભરાયો; દ્વારકામાં માત્ર દોઢ ટકા જળસંગ્રહ!

2026-07-12 18:17:19
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાની એક તરફ મોડી પધરામણી થઈ છે તો બીજી તરફ અષાઢ મહિનો આવી ગયો હોવા છતાં ઘણા ભાગો હજુ પણ પૂરતા વરસાદથી વંચિત છે. ચોમાસાની સિઝનનો એક મહિનો વીતી ચૂક્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર રિજનની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાંથી હાલમાં સરેરાશ 39.12  ટકા જળસંગ્રહ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક કે ડેમમાં નવા નીર લાવે તેવો વરસાદ ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે.  

સૌરાષ્ટ્રમાં 39.12  ટકા જેટલો જળસંગ્રહ

સૌરાષ્ટ્રમાં કુલ 141 જેટલા ડેમ આવેલા છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 2588.53 એમસીએમ નોંધાયેલી છે. તાજેતરના આંકડાઓ અનુસાર, સૌરાષ્ટ્રના ડેમોમાં હાલમાં 1012.64  એમસીએમ જેટલો જળસંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 39.12  ટકા જેટલો થવા જાય છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર એ છે કે 4 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચુક્યા છે.  

દેવભૂમિ દ્વારકાની સ્થિતિ અત્યંત ગંભીર

તાજેતરમાં જ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. તેથી આ બંને જિલ્લાના ખેડૂતો અને લોકો માટે મોટા રાહતના સમાચાર છે કારણ કે ભાવનગર જિલ્લાના ડેમોમાં સૌથી વધુ 93.83 ટકા જળસંગ્રહ થયો છે, જ્યારે અમરેલી જિલ્લામાં 64.65  ટકા જળસંગ્રહ નોંધાયો છે. 

તો બીજી તરફ બીજી તરફ, દેવભૂમિ દ્વારકાની સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં ડેમોમાં માત્ર 1.42 ટકા જ પાણી છે. આ ઉપરાંત, જામનગરમાં 10.75  ટકા, જૂનાગઢમાં 24  ટકા, મોરબીમાં 24.89  ટકા, સુરેન્દ્રનગરમાં 27.15  ટકા અને રાજકોટમાં 27.24 ટકા જળસંગ્રહ છે. જો આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં સારો વરસાદ નહીં પડે, તો પીવાના અને સિંચાઈના પાણીની મોટી કટોકટી સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

ભાદરમાં માત્ર 14.52  ટકા જ પાણી

સૌરાષ્ટ્રના મુખ્ય જળાશયો અને નદીઓ પરના બંધની સ્થિતિ પર દ્રષ્ટિ કરીએ તો, સૌરાષ્ટ્રનો મહત્વનો ડેમ પાલિતાણાનો શેત્રુંજી ડેમ  100 ટકા ભરાઈ ચૂક્યો છે અને હાલમાં તેને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. જ્યારે જેતપુર, ગોંડલ અને રાજકોટ શહેર સહિત ખૂબ મોટા વિસ્તારો જેના પર આધાર રાખે છે તેવો ગોંડલ નજીકનો ભાદર- 1 માં માત્ર 14.52  ટકા જ પાણી નોંધાયું છે, જે એક મોટી ચિંતાનો વિષય છે.

રાજકોટ શહેરની જીવાદોરી ગણાતા આજી-1 ડેમમાં 51.23 ટકા જેટલું સંતોષકારક પાણી છે. જ્યારે ન્યારી-1 માં 35.61  ટકા અને ન્યારી-2 માં 25.88 ટકા જળસંગ્રહ થયો છે. મચ્છુ-1 ડેમમાં 21.44  ટકા અને મચ્છુ-2  માં 32.57  ટકા જ પાણી સંગ્રહિત છે. લીંબડી ભોગાવો 1 માં 11.6  ટકા જ્યારે લીંબડી ભોગાવો-2 માં 42.06  ટકા જળસંગ્રહ થયો છે.

કચ્છ વિસ્તારની સ્થિતિ ગંભીર

બીજી તરફ, કચ્છ રિજનની પરિસ્થિતિ સૌરાષ્ટ્રની સરખામણીએ જળસંગ્રહની બાબતમાં પાછળ જણાઈ રહી છે. કચ્છ વિસ્તારમાં કુલ 20 ડેમ આવેલા છે, જેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 325.26  એમસીએમ જેટલી છે. હાલની સ્થિતિએ કચ્છના આ ડેમોમાં માત્ર 80.12  એમસીએમ જ પાણીનો સંગ્રહ થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છના ડેમો અત્યાર સુધીમાં માત્ર 24.63 ટકા જ ભરાયા છે અને તેમાંથી એક પણ ડેમ હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી.  

એકંદરે, ગુજરાતના કુલ 206 ડેમોમાં સરેરાશ 41.17 ટકા જળસંગ્રહ નોંધાયો છે અને કુલ 5 ડેમ સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક પ્રમાણમાં થોડી સારી રહી છે, પરંતુ કચ્છમાં પાણીનો સંગ્રહ હજુ પણ 25 ટકાની અંદર હોવાથી ત્યાંના ખેડૂતો અને સ્થાનિકો આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા સેવી રહ્યા છે.