Wed Sep 02 2026

Logo

નીતિન પટેલે ભાજપની રાષ્ટ્રીય ટીમમાં નિમાયેલા ક્યા નેતાને શુભેચ્છા ના પાઠવી ? શું આપ્યું કારણ ?

2026-08-19 09:17:00
Author: Mumbai Samachar Team
નીતિન પટેલે ભાજપની રાષ્ટ્રીય ટીમમાં નિમાયેલા ક્યા નેતાને શુભેચ્છા ના પાઠવી ? શું આપ્યું કારણ ?

વિવાદોમા રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર વિવાદમા આવ્યા છે. નીતિન પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચકચાર મચાવી છે. હકીકતમાં રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારી આપવામાં આવી છે. નવી જવાબદારી સોંપવાની સાથે જ ત્રણ નેતાઓના ફોટા સાથે નીતિન પટેલે સોશિયલ મીડિયામાં તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ વાત જ્યારે રોહન ગુપ્તાને શુભેચ્છા પાઠવવાની આવી ત્યારે તેમને કેમ શુભેચ્છા પાઠવી નહીં તે અંગે નીતિનભાઇને સવાલ કરવામા આવ્યો ત્યારે તેમણે પોતાના ચીર પરિચિત અંદાજમાં  કહ્યું કે, હું રોહન ગુપ્તાને ઓળખતો નથી.

મહત્વનું છે કે ગત 17 ઓગસ્ટના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ હતી. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ચાર નેતાઓ જેમાં વર્ષા દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ડો. હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવતા સંગઠનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધ્યું છે.

નીતિન ભાઇએ કોને અભિનંદન પાઠવ્યા

મહત્વપૂર્ણ છે કે નેતાઓની પસંદગીને લઈ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે 17 ઓગસ્ટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કડી તાલુકાના વિસતપુરા ગામના વતની અને અમદાવાદના અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલ, સુરેન્દ્રનગરનાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષા દોશી અને વડોદરાના ડો. હેમાંગ જોશીની નિમણૂક થતાં અભિનંદન પાઠવ્યા હતા. જો કે રોહન ગુપ્તાને શુભેચ્છા ન પાઠવતા વિવાદો ઉભા થયા છે. 

કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને!: નીતિન પટેલ

જોકે, રોહન ગુપ્તાને શુભેચ્છા ન પાઠવવા અંગે નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, હું રોહન ગુપ્તાને ઓળખતો નથી અને તેઓ મને ઓળખતા નથી. એટલું નહીં નીતિન પટેલે એક ડગલું આગળ વધીને કહ્યું કે કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને! નીતિન પટેલે કહ્યુ કે હું તેમને (રોહન ગુપ્તાને) કોઈ દિવસ મળ્યો નથી એ પણ મને ક્યારેય મળ્યા નથી. મને તેમનો પરિચય નથી. આ ત્રણેયને ( હેમાંગ જોશી, વર્ષા દોશી અને જગદીશ પટેલ) હું ઓળખું છું એટલે મેં તેમને શુભેચ્છા પાઠવી છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ભાજપે 25 વ્યક્તિની નિમણૂંક કરી છે. હું બધાને તો ન જ ઓળખતો હોઉં ને. ગુજરાતના ચાર લોકોને જવાબદારી મળી છે પણ હું ત્રણને જ ઓળખું છું. હું પણ કાર્યકર્તા છું અને એ પણ કાર્યકર્તા છે. અમે કોઈ દિવસ મળ્યા નથી.

નીતિન પટેલની આ ટિપ્પણીથી એટલી તો ખબર પડે છે કે નીતિનભાઇને કોની સાથે વ્યક્તિગત અને ગાઢ પરીચય છે.