ભુજઃ રણપ્રદેશ કચ્છમાં છૂટાછવાયા ઝાપટાંને બાદ કરતાં છેલ્લા એક પખવાડિયાથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે. મેઘવિરામના આ માહોલ વચ્ચે મહત્તમ તાપમાન ઊંચકાતાં ગરમી અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા સતત હળવા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ તે આગાહીઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આકાશમાં ઘેરાતા વાદળો માત્ર ઝરમર છાંટા વરસીને વિખેરાઈ જાય છે.
વરસાદની ગેરહાજરીના કારણે અંજાર અને ગાંધીધામમાં તાપમાન ૩૪ ડિગ્રી તથા ભુજમાં ૩૩ ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં ભાવનગર બાદ કંડલા બીજું સૌથી ગરમ મથક બન્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાના કારણે ઓગસ્ટ માસના બાકીના દિવસો પણ વરસાદ વિના વિતવાની શક્યતા છે. નોંધનીય છે કે, કચ્છમાં અત્યાર સુધી મોસમનો માત્ર ૨૯ ટકા જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ૫૦ ટકા જેટલી મોટી ઘટ સામે આવી છે.
બીજી તરફ, ભૌગોલિક દૃષ્ટિએ રાજ્યના સૌથી મોટા એવા અબડાસા તાલુકામાં વરસાદના અભાવે પશુપાલન અને ખેતી ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જાઈ છે. માનવ વસ્તી કરતાં પશુધનની સંખ્યા વધારે ધરાવતા આ વિસ્તારમાં ચારા અને પાણીની ભારે અછત ઊભી થઈ છે. અબડાસાના ઘરડા પંથકના વાયોર, અકરી, મોહાડી, બેર મોટી અને વાઘોટ જેવા મુખ્ય પશુપાલક ગામોમાં પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. દરિયાઈ પટ્ટી પર આવેલા આ વિસ્તારોમાં ક્ષાર અને પીવાના પાણીની તંગીના કારણે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પૂર્વમાં કાર્યરત ઘાસડેપો પણ બંધ થઈ જતાં પશુપાલકો માટે પશુધન સાચવવું મુશ્કેલ બન્યું છે.
બજારમાં પશુઆહાર અને ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. ભૂસું (૫૦ કિલો) રૂ. ૧૩૫૦, કપાસિયા ખોળ રૂ. ૨૨૦૦થી ૨૩૦૦, કપાસિયાના ઠાલિયા (૨૦ કિલો) રૂ. ૩૭૦, જુવારનો ચારો રૂ. ૧૦૦૦ પ્રતિ મણ અને ઘાસની ગાંસડી (૨૦ કિલો) રૂ. ૩૫૦ના ભાવે વેચાઈ રહી છે. મોંઘા ભાવનો ચારો ખવડાવવા છતાં પૂરતા પોષણના અભાવે દૂધના ઉત્પાદનમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, સરકારી ઘાસકાર્ડ ધારકોને પશુઓની સંખ્યા સરખામણીએ પૂરતું ઘાસ મળતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
સ્થાનિક ગૌશાળાઓ અને પાંજરાપોળોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. રાતાતળાવ ખાતે ૬૦૦૦થી વધુ પશુઓ ધરાવતી સંસ્થાના સંચાલકોના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ત્યાંથી પણ ચારાની આવક બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પંચાયત પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આંકડાકીય માયાજાળમાંથી બહાર આવી ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે. સમગ્ર અબડાસા તાલુકાને સત્તાવાર રીતે ‘અછતગ્રસ્ત’ જાહેર કરી, ગામે-ગામ ઘાસડેપો તથા ઢોરવાડા શરૂ કરવામાં આવે અને નર્મદાની પાઈપલાઈન મારફતે સ્થાનિક તળાવો ભરવામાં આવે જેથી પશુધનને બચાવી શકાય.
(ઉત્સવ વૈદ્ય)