Sun Jul 12 2026

Logo

જુલાઈ અડધો વીત્યો છતાં બનાસકાંઠાના ડેમો ખાલીખમ! દાંતીવાડામાં 26 ટકા, તો સીપુમાં માત્ર 5 ટકા જળસંગ્રહ

2026-07-12 19:00:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આ વર્ષની શરૂઆતમાં જ મેઘરાજાની ખેંચ જોવા મળી છે. ગુજરાતમાં હાલ કચ્છ જિલ્લાની હાલત સૌથી વધુ ગંભીર જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના જળાશયોની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે.  બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા અને છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓની સ્થિતિ જોતાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં જળસંગ્રહ સંતોષકારક છે, જ્યારે અમુક જિલ્લાઓ હજુ પણ મેઘરાજાની ભારે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.  

છોટા ઉદેપુરમાં 71.31  ટકા જળસંગ્રહ
સારી સ્થિતિ ધરાવતા જિલ્લાઓમાં મધ્ય ગુજરાતનો છોટા ઉદેપુર જિલ્લો મોખરે છે, જ્યાં સૌથી સારો એટલે કે 71.31  ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ આંકડો ખેડૂતો અને સ્થાનિકો માટે મોટા રાહતના સમાચાર છે. આ ઉપરાંત, પંચમહાલ જિલ્લાના ડેમોમાં 52.07  ટકા, દાહોદ જિલ્લામાં 49.83  ટકા, અરવલ્લીમાં 49.49  ટકા અને મહેસાણામાં 46.89  ટકા જેટલો સંતોષકારક જળસંગ્રહ થયો છે.  

બનાસકાંઠા જિલ્લાના ડેમોમાં  માત્ર 21.40  ટકા પાણી
બીજી તરફ, જો ચિંતાજનક સ્થિતિની વાત કરીએ તો ખેડા જિલ્લાની હાલત અત્યંત કફોડી છે, જ્યાં ડેમોમાં માત્ર 4.56 ટકા જ જળસંગ્રહ નોંધાયો છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના ખેતી આધારિત અને મહત્વના એવા બનાસકાંઠા જિલ્લાના ડેમોમાં પણ અત્યારે માત્ર 21.40  ટકા જ પાણી બચ્યું છે. જો આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં સારો અને વાવણીલાયક વરસાદ નહીં પડે તો ખેતી તેમજ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ છે અને ચિંતાના વાદળો વધુ ઘેરા બની શકે તેમ છે.  

જિલ્લાવાર મુખ્ય જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલ 46.89 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે, બનાસકાંઠાના મુખ્ય ડેમો ખેડૂતોને નિરાશ કરી રહ્યા છે; દાંતીવાડા ડેમમાં 26.17  ટકા અને સીપુ ડેમમાં માત્ર 5.07 ટકા જ પાણી બચ્યું છે, જ્યારે મુક્તેશ્વર ડેમ 44.95 ટકા ભરાયો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના હાથમતી ડેમમાં 49.03  ટકા, વાત્રકમાં 46.92 ટકા, મેશ્વોમાં 58.78 ટકા તથા સાબરકાંઠાના ગુહાઈ ડેમમાં 53.43 ટકા જળસંગ્રહ નોંધાયો છે.  

મધ્ય ગુજરાતના મુખ્ય જળાશયોની વાત કરીએ તો, છોટા ઉદેપુરના સુખી ડેમમાં 72.68 ટકા જેટલું માતબર પાણી ભરાઈ ચૂક્યું છે, જે આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે. પંચમહાલના દેવ ડેમમાં 60.78  ટકા અને મહીસાગરના પાનમ ડેમમાં 55.97 ટકા જળસંગ્રહ છે. પરંતુ ખેડા જિલ્લાના વારંસી ડેમમાં માત્ર 4.72 ટકા જ પાણી છે. એકંદરે, અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના ડેમોમાં કુલ 39.62 ટકા અને મધ્ય ગુજરાતના ડેમોમાં કુલ 49.95 ટકા જળસંગ્રહ થયો છે.