વોશિંગ્ટન: અમેરિકામાં ગૂગલના એક ભારતીય મૂળના વરિષ્ઠ મહિલા અધિકારીની તેમના પતિએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં બની છે. મૃતકની ઓળખ ગૂગલના સિનિયર ટેક્નોલોજી એક્ઝિક્યુટિવ શીતલ રેજિયન તરીકે થઈ છે. શીતલ ભારતીય મૂળના હતા. ઘરેલું હિંસાની આ ઘટનામાં તેમના પતિ કિર્ક બી. રેજિયને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં તેમનો પુત્ર પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે. આરોપીની જ્યોર્જિયાના એટલાન્ટા નજીક કોબ કાઉન્ટીમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
આરોપીની ધરપકડ, પુત્રની સારવાર ચાલુ
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આરોપીને હાલમાં કોબ કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં જામીન વગર રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે લગભગ 8 વાગ્યે તેમને જ્યોર્જિયાના સ્મિર્ના (Smyrna) શહેરમાં એક ઘરમાં ગોળીબાર થવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચતા પોલીસને 57 વર્ષીય શીતલ રેજિયન ઘરની અંદર ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. બાદમાં તેમનું મોત નીપજ્યું હતું.
દંપતીનો 23 વર્ષીય પુત્ર જેસન રેજિયન પણ ઘરની બહાર ગોળી વાગવાના કારણે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
પોલીસે આને ઘરેલું હિંસાનો મામલો ગણાવ્યો
પોલીસે આ ઘટનાને ઘરેલું હિંસા (Domestic Violence) નો મામલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સામાન્ય લોકો માટે કોઈ જોખમ નથી. અધિકારીઓએ જોકે ગોળીબાર પાછળના ચોક્કસ કારણનો ખુલાસો કર્યો નથી, તેમજ જેસનની તબિયત અંગે પણ કોઈ નવી માહિતી આપી નથી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
કોણ હતા શીતલ રેજિયન?
શીતલ રેજિયન ગૂગલમાં એક સિનિયર એન્જિનિયરિંગ લીડર હતા. ટેકનોલોજી ક્ષેત્રે તેમની પાસે બે દાયકા કરતાં પણ વધુ સમયનો અનુભવ હતો. ગૂગલ પહેલાં તેમણે HomeDepot.com માં મોબાઇલ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કંપનીના ડિજિટલ હોમ ડેકોર અને ફર્નિશિંગ બિઝનેસના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઇંગ્લેન્ડ, ભારત અને ઘાનામાં ઉછરેલા શીતલ બાદમાં કમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેમણે જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ તેમના પતિ અને બે બાળકો જેસન તથા જેસિકા સાથે એટલાન્ટા, જ્યોર્જિયામાં રહેતા હતા.