સુભાષ ઠાકર
‘એય હાથીડા’ એકવાર એક મચ્છર હાથીના કાનમાં ગણગણતા બોલ્યો :
‘સાંભળ, આ તારા સુપડા જેવા કાન હલાવ-હલાવ કરે છે ને અંદર આવડી મોટી જગા રોકીને બેઠો છે તો શરમ નથી આવતી? લિસન, આવતી કાલથી હું તારા કાનમાં રહેવા આવું છું. સમજ્યો? અમારી જાત ભલે નાની અને સૂક્ષ્મ કહેવાતી પણ મચ્છરોની દુનિયામાં હું સૌથી મહાન અને મોટો મચ્છર છું. મચ્છરોની દુનિયાનો હું હાથી છું. મચ્છરોની દુનિયામાં મારું નામ અને માન છે. બધા મચ્છરો મને સંત માને છે. સમાજ સાધુ માનીને પૂજા કરે છે ને હવે એક મચ્છર સંત તારા કાનમાં રહેવા આવે એ તારું સદ્ભાગ્ય છે. સંતસેવા કોઈ ભાગ્યશાળીને જ મળે છે ને તારું ભાગ્ય ખૂલી રહ્યું છે.’
મચ્છરની વાતને હાથીએ જરાય દાદ ન આપી, પણ મચ્છરે હાથીના કાનમાં રહેવા આવતાં પહેલાં તપાસ કરી લીધી કે હાથીના કાનના કોઈ ખૂણામાં કાચબા છાપ અગરબત્તી તો નથી પડીને? ઑલઆઉટ કે ગુડનાઇટની સ્વિચ નથીને? નઇતર ગુડનાઇટ જ એની લાસ્ટ નાઇટ બની જાય.
એને યાદ હતું કે ભૂતકાળમાં એના એક મચ્છર મિત્રએ કીડી સાથે લવમૅરેજ કરેલા, પણ સુહાગરાતે જ કીડીથી ભૂલથી ગુડનાઇટની સ્વિચ દબાઈ ગઈ ને એ જ રાત્રે મચ્છરના રામ રમી ગયા ને કીડી વિધવા થઈ ગઈ. એથી સાવચેત રહેવું સારું.
બીજા દિવસે બધું બરાબર જોઈ બિસ્તરા-પોટલા લઈને હાથીના કાનમાં રહેવા આવી ગયો, પણ થોડા વખતમાં આવડી મોટી હાઇવે જેવી જગામાં એકલતાથી કંટાળી ગયો એટલે વાઇફ મચ્છરીને કીધું ‘પ્રિયે, તું પણ મારી સાથે રહેવા આવી જા વિશાળ જગા છે. હવે બાળકો આપણે હાથીના કાનમાં પેદા કરીશું.’
મચ્છર-મચ્છરીને બાળકો થયાં તોયે હજુ જગા હતી એટલે હાથીને કાનમાં કીધું, ‘વ્હાલા હાથી, અમારું ફૅમિલી વસાવ્યા પછી પણ જગા વધે છે એટલે બહાર ફરતા અમારા સમગ્ર મચ્છર સમાજને અહીં રહેવા બોલાવું છું ને હજી જગા વધશે તો તારા ગુફા જેવા અંધારા કાનમાં આગિયાને બોલાવીશ એટલે કાનમાં અમને અજવાળું ને લાઇટિંગ પણ લાગે.’
પછી તો ધીરે ધીરે સમાજ વધતો ગયો- જગા ભરાતી ગઈ. હાથીના કાનમાં લોકલ ટ્રેન જેવી ભીડ થવા લાગી.
પછી તો જે જગા મોકળાશવાળી લાગતી એ સંકડાશવાળી બનતી ગઈ. બધા મચ્છરોએ ભેગા થઈ નાની જગા માટે ફરિયાદ કરી, ‘પ્રમુખશ્રી, હવે આપણે મોટો હાથી આઈ મીન મોટી જગા શોધવી પડશે, હવે વધારે રોકાવાય નઈ જે કોઈ પૈસાની લેવડદેવડ હોય એ હાથી જોડે પતાવી દો.’
પ્રમુખ મચ્છર હાથીના કાનમાં બોલ્યો: ‘યાર હાથી, સૉરી ટુ સે, તને અમારા વગર સૂનું લાગશે, પણ હવે આ જગા સાંકડી પડે છે હવે અમારે આ જગા છોડીને બીજી જગાએ જવું પડશે. શું થાય? અમારા જેવા સુંદર સમાજનો સાથ તારા નસીબમાં પાંચ વર્ષનો હશે. જોકે એક વાતનું દુ:ખ છે કે પાંચ વર્ષમાં તેં ક્યારેય અમારો આભાર પણ માન્યો નથી. ધિક્કાર છે તારા આવડા મોટા શરીરને ને મગજને.’
જોકે હાથી તો પોતાની મસ્તીમાં મસ્ત રહ્યો અંતે મચ્છરોનો ક્રોધ દુર્વાસા જેવો વધ્યો ગળું ફાડી ફાડીને પ્રચંડ અવાજે મચ્છર ભડક્યો : ‘એય ડોબા હાથીડા, તારા કાનપુરમાં હડતાલ છે? સાંભળતો નથી તો આવડા મોટા કાન હવા ખાવા રાખ્યા છે?’
હાથીને થયું કે ક્યાંકથી આ ઝીણો ઝીણો અવાજ આવી રહ્યો છે એટલે પૂછ્યું : ‘કોણ બોલે છે?’
‘અરે કોણની સગલી, અમે મ..ચ્છ..રો, જોરથી ત્રાડ પાડી ‘તારા વિશાળ કાનના રહેવાસીઓ. અમે કેટલા વખતથી અંદર રહીએ છીએ ને હવે કાન ખાલી કરી બીજે જઈએ છીએ એ ખબર નથી?’
અટ્ટહાસ્ય કરતાં હાથી બોલ્યો : ‘અરે ડફોળો તમે ક્યારે આવ્યા એની જ ખબર નથી તો જાઓ એની ખબર કેમ પડે? મારા આવડા મોટા કાનમાં કેટલાય લોકોની આવનજાન ચાલુ હશે. હું કેટલા લોકોનો ને શું કામ હિસાબ રાખુ?’
‘સાલા હાથીડા, તને આટલો બધું ઘમંડ...’
‘અરે વાહ, ઊલટો ચોર કોટવાળને દંડે’ હાથી બોલ્યો :
‘ઘમંડ તો તમને છે. જુઓ, તમારો પ્રમુખ મચ્છરોની દુનિયામાં મોટો હાથી હશે પણ અમારા હાથીઓની દુનિયામાં હું સૌથી નાનો મચ્છર છું. નાઉ યુ લિસન, જે બીજાને પોતાનાથી નાનો સમજે છે એનાથી નાનો જગતમાં કોઈ નથી. શાંતિથી આવવાનું ને શાંતિથી ચાલ્યા જવાનું. તમે અંત સુધી ‘કોઈ મારી નોંધ લો’ની ગમે તેટલી બૂમાબૂમ કરશો, પોકારો પાડશો, પણ જો મારો શ્વાસ જોરથી લેવાઈ જશે કે ભૂલથી એકાદ છીંક આવી જશે તો તમારો આખો સમાજ રફેદફે થઈ જશે. શોધ્યો નઈ જડે ને એક મચ્છર જીવતો નઈ બચે. સમજો તો સારું નઈતર મરવાની તૈયારી રાખો.’
મિત્રો, અહીં ઈશ્વર એ હાથી છે ને આપણે બધા મચ્છર છીએ, પણ જેની પાછળ ભાગીએ છીએ એ નામની આગળ ક્યારે સ્વર્ગીય લખાઈ જશે, જે કપડા પહેરીએ એ ક્યારે કફનના રૂપમાં પલટાઈ જશે ને તમારો બંગલો મકાન કે ફ્લૅટ ક્યારે સ્મશાનમાં ફેરવાઈ જશે એની ખબર પણ નઈ પડે..... મેં તો કહેવાનું કહી દીધું, બાકી તમારી પાસે પોતાની બુદ્ધિ છે એટલે તમારી મરજી મારી તો માત્ર અરજી....
શું કહો છો?