Tue May 19 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ અવાજ કે બોલવાની તકલીફ...

2026-05-19 10:13:00
Author: Dr Harsha Chadwa
Article Image

 

ડૉ. હર્ષા છાડવા

અવાજ એ આપણાં જીવનનો એક અભિન્ન ભાગ છે દરેક વ્યક્તિના અવાજ અલગ હોય છે. અવાજના આધાર પર પણ આપણે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. બધાના અવાજની તીવ્રતા જુદી જુદી હોય છે. કોમળ, મધુર, નાનો મોટો કે ઘોઘરો હોય છે. અવાજ આપણાં વ્યક્તિત્વનો હિસ્સો છે. માનવ અવાજનો સ્પેકટ્રોગ્રામ એની સમૃદ્ધ હાર્મોનિક સામગ્રી છે, ગળામાં સ્વર માટેની હાર્મોનિક સામગ્રીની વ્યવસ્થા છે. જેમ હાર્મોનિયમમાં ગોઠવાયેલા તાર છે તેવી લયબદ્ધ રચના ગળામાં છે. જેથી આપણે લયબદ્ધ બોલી શકીએ છીએ. 

અવાજના માધ્યમથી આપણે જાણકારી મેળવી શકીએ, જ્ઞાનનો વિસ્તાર કરીએ છીએ, આપણી આસપાસની પ્રકૃતિ, વાતાવરણને અવાજ દ્વારા ઓળખી શકીએ છીએ. અવાજ આપણાં કાર્યસ્થળના કામકાજનો આધાર છે. અવાજ મૂલ્યવાન છે જે સકારાત્મક બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિને વ્યક્તિ સાથે સંબંધનો એક અભિન્ન અંગ અવાજ છે. કોઈપણ અભિવ્યક્તિ માટે ભાષા એ અવાજ છે. પશુ-પંખી કે અન્ય જીવોની ઓળખ અવાજ દ્વારા પણ થઈ શકે-માનસિક શાંતિ, માનસિકતાને ખુશ્નુમા રાખવા, શારીરિક હલચલની અભિવ્યક્તિ કે નાચ કરવા માટે અવાજ એ માધ્યમ છે.

આધુનિક યુગમાં શારીરિક કામ કરતાં આજે બોલવાનું કામ ઘણુંય એ વધી ગયું છે કારણ શારીરિક કામકાજ માટે મશીન આધારિત થઈ ગયા છે. અવાજમાં બગાડ થવાના કે બંધ થવાના ઘણાંય કારણ છે, પ્રદૂષણવાળી હવા, પ્રદૂષણવાળું પાણી, ભારી મેટલયુક્ત વાસણો, રીફાઈન્ડ ખાદ્ય પદાર્થ, બળતરા કરે તેવા મસાલાવાળા ખાદ્ય-પદાર્થ, મેન્થોલવાળા મુખવાસ સોડિયમનો ફરસાણમાં વધુ ઉપયોગ, સોપારી, આઈસક્રીમ, અતિ ઠંડાપીણા, કેમિકલવાળા શરબતના ગોલા, એસેન્સવાળી કેન્ડી, એસેન્સવાળા પાન-મુખવાસ અને સૌથી મોટું કારણ હાઈડ્રોજનેટ ઘી (નકલી ઘી) તેમ જ પારો (મરક્યુરી) નાખીને બનેલી દવાઓ. ઘણીય આયુર્વેદિક દવાની ટીકડી અને આસવમાં પારાનો ઉપયોગ થાય છે. ગળ્યા પદાર્થો ખાવાના કારણે છાતીમાં કફ ભરાતાં અવાજ પર માઠી અસર પડે છે.

થાઈરોઈડ બીમારીના કારણે સ્વરતંત્ર પર અસર થાય છે થાઈરોઈડના ઓપરેશનના કારણે ઘણાંય લોકોના અવાજ બદલાઈ જાય અથવા ઘણીવાર સંદતર બંધ થઈ જાય છે. બોલતાં બોલતાં ઘણીવાર ઉધરસ આવે છે. ઘણીવાર ગળાને ઢસકો આપવો પડે છે. લકવાને કારણે અવાજ બંધ થઈ જાય છે. અથવા ઘસી ઘસીને બોલવું પડે છે. ન્યૂમોનિયાની બીમારીમાં અવાજમાં થાક જણાય છે. અસ્થમાની બીમારીમાં બોલવું મુશ્કેલ પડે છે, દાંતની બીમારી કે દાંત નીકળી જવાથી પણ.

બોલવાનું અધિક હોવાને કારણે, બૂમો પાડવાને કારણે, શરદીવિકાર, એલર્જી, સોજા, સાઈનસના કારણે, અતિ ભાવુકતાના કારણે, વધુ પડતા ગાવાને કારણે, ગળામાં ગાંઠ કે ટોન્સિલના કારણે અવાજમાં મુશ્કેલી થાય છે. અવાજ સંબંધી વિકાર આપણી બોલવાની ક્ષમતા ને પ્રભાવિત કરે છે. 

વિટામિન બીની ઊણપના કારણે ગળાની મ્યૂકસ ઊખડી જાય કે અલ્સર થાય ત્યારે બોલતી વખતે દુખાવો વધુ થાય છે. કાન અને ગળાને જોડતી યુટેશ્યિન ટ્યૂબમાં સોજાના કારણે અવાજ બંધ થઈ જાય છે. શ્ર્વાસ ચડવાને કારણે પણ બોલવાની રીધમ બદલાઈ જાય છે. વિટામિન-ડીની ઊણપના કારણે હાડકાં નબળા થતાં બોલવાના શબ્દ બરાબર નીકળતાં નથી. મોઢા પર લકવો થાય ત્યારે બોલવાનું બંધ થઈ જાય અથવા તૂટેલા શબ્દ નીકળે છે. નાનાં બાળકો ઓટિઝમને કારણે બોલતા મોડું શીખે છે. બાળકો કાનની તકલીફના કારણે પણ મોડું બોલતા શીખે છે.

બાળકોનો શારીરિક વિકાસ નબળો હોય તો બોલતા મોડું શીખે અથવા તોતડું બોલે. પારાવાળી કફ સિરપના ઉપયોગને કારણે બાળકોમાં બોલવાની તકલીફ જણાય છે. વધુ બિસ્કીટ, ચોકલેટ, કેન્ડી ખાનાર બાળકોને ટોન્સિલ થાય તેના કારણે બોલવામાં તકલીફ થાય છે. વધુ જોરથી રડવાને કારણે સ્વરતંત્ર પર સોજો આવે છે ત્યારે પણ બાળકને બોલવામાં તકલીફો દેખાય છે. સંક્રમણના કારણે બોલવાની રીધમ બદલાઈ જાય છે. કફ વધી જવાના કારણે સ્વરભંગ થાય એટલે કે બોલી ન શકાય. બોલવાનો પ્રયત્ન જબરજસ્તીથી થાય તો કફમાં લોહી પડે ફેફસામાં પાણી ભરાવાના કારણે પણ બોલવાથી થાક લાગે. 

ચહા, કોફી, સાકરના સેવનને કારણે મસલ્સ અક્કડ કે કડક થઈ જાય, ટાઈટનેસના કારણે બોલવામાં અતિ તકલીફ પડે. ઘણીવાર પ્રેશરની દવાને લીધે કે પ્રેશર દબાવી રાખવા કારણે કે પ્રેશર વધી જવાને કારણે સ્વરતંતુ તૂટી જાય (ઈજા થઈ જાય), ગળાના હર્નિયા (મસલ્સની વૃદ્ધિ) કે મોડાઈ જવાથી બોલવાનું મુશ્કેલ થઈ જાય અથવા સંદતર બંધ થઈ જાય.

અવાજની તકલીફો દૂર કરવા માટે કે હંમેશાં સારું રાખવા માટે ખરાબ ખાન-પાનનો ત્યાગ જરૂરી છે. બોલવાની કળા વિકસાવી જરૂરી છે, સ્વર સારો બનાવવા સવારના ચેરીનો જ્યૂસ, એપલ જ્યૂસ, દાડમ જ્યૂસ, નાસપતિ, શેતૂર, તાજા અંજીર લેવા જોઈએ. રોજ અલગ-અલગ જ્યૂસનો ઉપયોગ રાખવો. દૂધી, કોળું, તૂરિયા, કોબી સરગવાના પાન, ચણિયામણિયા બોરના સુપ બનાવી લેવા અથવા જ્યૂસ પી શકાય. 

ભીંડાને પાણીમાં પલાળી હાથથી ચોળીને તેનો રસ પીવો, ચણોઠીના પાન (હરીપતી) નાગરવેલ પાન, કાળી કીસમીસનો જમ્યા પછી ઉપયોગ કરવો. ઘણીય ઔષધી જે કુદરતે આપેલી છે તેનો આપણી પાસે ભંડાર છે.