Wed Jun 10 2026

Logo

ગુજરાતમાં આ રોડ પર 120 કિમીથી વધારે સ્પીડે ગાડી ભગાવી તો સીધો 1150નો દંડ, જાણો વિગત

2026-05-19 11:17:00
Author: Devayat Khatana
Article Image

વડોદરા: આપણે ત્યાં નેશનલ હાઇવે પણ બેફામ વાહન ચલાવવાના કારણે અનેક અકસ્માતો સર્જાયક છે. ત્યારે હવે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા-નવસારી સેકશન પર જો નિર્ધારિત કરતાં વધારે સ્પીડથી ગાડી ચલાવશો તો તેની સીધી અસર ખિસ્સા પર થશે. કારણ કે તંત્ર દ્વારા આ હાઇ-સ્પીડ કોરિડોર પર બેદરકારીથી વાહન ચલાવવા પર રોક લગાવવા અને અકસ્માતો ઘટાડવા માટે ઓટોમેટેડ વાહન ગતિ શોધ સિસ્ટમ રજૂ કરી છે. આ નવા નિયમ મુજબ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવનારાઓને, તેમના રજિસ્ટર્ડ મોબાઇલ ફોન પર સીધા 1500 રૂપિયાનું ઇ-ચલણ ફટકારવામાં આવશે. 

આ નિર્ણય પાછળ અકસ્માતોની ઘટનાઓ રહી છે અને આથી જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા સંયુક્ત રીતે આ પહેલનો અમલ કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં એક્સપ્રેસ વેના વડોદરા-નવસારી વિભાગના ઉદઘાટન બાદ વાહનોની ગતિના નિયમોને નેવે મૂકીને માત્ર પાંચ જ મહિનામાં લગભગ 60 અકસ્માતો થયા હતા, જેમાં 10 થી વધુ લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આથી જ હવે તંત્ર દ્વારા આ એક્સપ્રેસ વેના નવસારી-વડોદરા સેકશન પર હવે વાહન ગતિ શોધક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. વાહનની ગતિ પર નજર રાખવા અને ઉલ્લંઘન કરનારાઓને ઓળખવા માટે બંને દિશામાં 10 કિમીના અંતરે કેમેરા મૂકવામાં આવ્યા છે.

કઇ રીતે કામ કરે છે આ સિસ્ટમ?
આ ટેકનોલોજી સેટઅપમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમનો સમાવેશ થાય છે. નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ વાહનોને તાત્કાલિક ઓળખવામાં આવશે, જેના પછી વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ચલણ સૂચના આપમેળે મોકલવામાં આવશે.

અધિકારીઓએ જુદા જુદા વાહનો માટે ગતિ મર્યાદા પણ નક્કી કરી છે. કાર માટે ગતિ મર્યાદા 120 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે, જ્યારે બસો અને ટ્રક 100 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે, જ્યારે ચારથી વધુ એક્સલવાળા વાહનો 80 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત છે. આગળ તેમણે જણાવ્યું હતું કે, આ વખતે દંડનું માળખું પણ મજબૂત બનાવમાં આવ્યું છે,  10 કિમીના અંતરમાં પહેલી વાર ઓવરસ્પીડિંગ ઉલ્લંઘન માટે 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો તે જ વાહન પછીના ચેકપોઇન્ટ પર ફરીથી ઝડપે પકડાય તો દંડ વધીને 2000 રૂપિયા થઈ શકે છે.