Wed Jun 10 2026

Logo

આરોગ્ય વીમામાં ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ એટલે શું?

2026-05-19 09:28:00
Author: Nisha Sanghvi
Article Image

નિશા સંઘવી 

આરોગ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે લોકોની એવી અપેક્ષા હોય છે કે જરૂર પડ્યે એ સારવારના ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થશે. જોકે એના કવરેજને લગતા અનેક મુદ્દાઓ સંકળાયેલા હોય છે.

વીમા કંપનીઓ આરોગ્ય વીમા પૉલિસીમાં અલગ અલગ પ્રકારના વેઇટિંગ પિરિયડ લાગુ કરે છે, જે નક્કી કરે છે કે તમે કઈ સારવાર માટે ક્યારથી કવરેજનો ઉપયોગ કરી શકશો. પૉલિસી ખરીદ્યા પછી જે પ્રથમ નિયમ લાગુ પડે છે એ હોય છે ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ. આ સમયગાળો તમારા ક્લેમ પર કેવી અસર કરે છે તે સમજવાથી તમે વ્યવસ્થિત આયોજન કરી શકશો, ઇમર્જન્સીમાં ગેરસમજ ટાળી શકશો અને આરોગ્ય સંબંધિત યોગ્ય નિર્ણય લઈ શકશો.

ઇનિશિયલ વેઇટિંગ પિરિયડની વ્યાખ્યા

આરોગ્ય વીમામાં ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ એક પ્રકારનો કૂલિંગ ઑફ સમયગાળો છે જે સામાન્ય રીતે 30 દિવસનો હોય છે. આ સમય દરમિયાન ઇન્શ્યોરન્સ કંપની મોટાભાગની બીમારીઓ માટેના ક્લેમ સ્વીકારતી નથી. આ સમય પૂરો થયા પછી જ ક્લેમ કરી શકાય છે. જોકે અકસ્માતને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે અથવા ઈજા થાય તો તેનો ખર્ચ સામાન્ય રીતે તરત જ કવર કરવામાં આવે છે. વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં આ સમયગાળો અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તે 30 દિવસનો હોય છે. આ નિયમનો મુખ્ય હેતુ ખોટા ક્લેમ અટકાવવાનો છે.

ઇન્શ્યોરન્સવાળા ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ કેમ રાખે છે?

ઇન્શ્યોરન્સ કંપનીઓ અહીં દર્શાવેલાં કારણોસર આરોગ્ય વીમા પ્લાનમાં ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ ફરજિયાત રાખે છે:

અનુચિત ઉપયોગ થતો ટાળવા માટે

વેઇટિંગ  પિરિયડ કંપનીઓને એવાં જોખમોથી બચાવે છે જેમાં લોકોને મોટો મેડિકલ ખર્ચ થવાનો અંદાજ હોય ત્યારે જ ઇન્શ્યોરન્સ લેતા હોય અથવા ઓછું પ્રીમિયમ આવે એ માટે પોતાની બીમારીઓ છુપાવતા હોય. આ સમયગાળો ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકની માહિતી અને જોખમની તપાસ કરવા માટે સમય આપે છે.

ઇનિશિયલ વેઇટિંગ પિરિયડથી લોકો માત્ર તરત સારવારનો લાભ લેવા માટે પૉલિસી ન ખરીદે તે સુનિશ્ચિત થાય છે. તેનાથી ઇન્શ્યોરન્સ કંપનીની જવાબદારી ઓછી થાય છે. તેથી મોટાભાગની કંપનીઓ અકસ્માત સિવાયની મેડિકલ સારવાર માટે 30 દિવસનો વેઇટિંગ પિરિયડ રાખે છે.

ઇનિશિયલ વેઇટિંગ પિરિયડનો સમયગાળો

આ સમયગાળો સામાન્ય રીતે 30થી 90દિવસ સુધીનો હોઈ શકે છે. ક્લેમ યોગ્ય સમયે કરવા માટે તમારી પૉલિસીનો દસ્તાવેજ ધ્યાનથી વાંચવો જરૂરી છે. હાલમાં મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અકસ્માત સંબંધિત કેસ સિવાય બધી મેડિકલ સારવાર માટે 30દિવસનો ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ રાખે છે.

આ સમયગાળા પછી કઈ બીમારીઓ કવર થાય છે?

આવો પિરિયડ પૂરો થયા પછી આ બીમારીઓ માટે ક્લેમ સ્વીકારવામાં આવે છે:

- તાવ, ફ્લૂ અને મોસમી ચેપ
- બેક્ટેરિયલ અને વાઇરસજન્ય ચેપ જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, ડાયેરિયા, ટાઇફૉઇડ વગેરે
- પૉલિસી લીધા બાદ પહેલી વાર થયેલી બીમારીઓ, જેવી કે પેટના રોગો, ગેસ્ટ્રિક તકલીફો, કિડની સ્ટોન, માઇગ્રેન વગેરે
- પૉલિસી લીધા બાદ થયેલી તકલીફો, જેવી કે ઉબકા, ડિહાઇડ્રેશન વગેરેને કારણે ઇમર્જન્સી સારવાર અથવા હૉસ્પિટલાઇઝેશન.

આ બીમારીઓનું કવરેજ પૉલિસીની શરતો મુજબ રહેશે, કારણ કે અલગ-અલગ કંપનીઓમાં વેઇટિંગ  પિરિયડ અને કવરેજ અલગ હોઈ શકે છે. નવી બીમારી માટે ક્લેમ કરતાં પહેલાં પૉલિસીની શરતો જરૂર વાંચવી જોઈએ, જેથી ક્લેમ રિજેક્ટ ન થાય.

 છૂટછાટ

અમુક સ્થિતિમાં પૉલિસી ખરીદ્યા પછી તરત ક્લેમ કરી શકાય છે, કારણ કે ઇનિશિયલ વેઇટિંગ  પિરિયડ લાગુ પડતો નથી:

- અકસ્માતને કારણે થયેલી ઈજા અથવા હોસ્પિટલાઇઝેશન
- રિન્યૂ કરેલી પૉલિસી, કારણ કે ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ માત્ર પ્રથમ વખત પૉલિસી ખરીદતી વખતે લાગુ પડે છે.
- નોકરીદાતા દ્વારા આપવામાં આવતી ગ્રુપ આરોગ્ય વીમા પૉલિસી, જેમાં કર્મચારીઓને તરત કવરેજ મળી શકે છે.
- ખાસ રાઇડર અથવા ઍડ-ઑન પૉલિસી, જેમાં વધારાનું પ્રીમિયમ ચૂકવીને વેઇટિંગ પિરિયડ દૂર કરવામાં આવ્યો હોય.

ક્લેમ પર તેની કેવી અસર પડે છે?

આરોગ્ય વીમામાં ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ તમારા ક્લેમ પર મોટી અસર કરી શકે છે. આ સમય દરમિયાન અકસ્માત સિવાયની બીમારીઓ માટે ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ સ્વીકારતી નથી. સારવાર જરૂરી કે તાત્કાલિક હોય તો પણ આ સમય દરમિયાન કરાયેલા ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. તેથી આ સમયગાળો કેટલો છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.

તમારી પૉલિસીના ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ વિશે ધ્યાનમાં રાખવાના કેટલાક મહત્ત્વના મુદ્દા, જેમ કે ...

- જો તમે વેઇટિંગ પિરિયડ જતો કરવામાં આવે એવો ખાસ રાઇડર પ્લાન ન લીધો હોય તો સામાન્ય મેડિકલ સારવાર માટે તરત કવરેજ મળતું નથી.

- પહેલેથી રહેલી બીમારીઓ, ગંભીર બીમારીઓ અથવા લાંબા ગાળાની તકલીફો માટે ક્લેમ કરવા માટે ઇનિશિયલ વેઇટિંગ પિરિયડ કરતાં વધુ સમય રાહ જોવી પડી શકે છે.

- પૉલિસી દસ્તાવેજ વાંચવાથી વિવિધ બીમારીઓ માટે લાગતા અલગ અલગ વેઇટિંગ પિરિયડ સમજવામાં મદદ મળે છે, જેથી યોગ્ય રીતે ક્લેમ કરી શકાય અને રિજેક્ટ થવાથી બચી શકાય.