શ્રીલેખા યાજ્ઞિક
કુદરતે ધરતીને અનેક વિશિષ્ટ ભેટ આપી છે. જેમાં મોસમ પ્રમાણેની માનવીની જરૂરિયાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમ કે ઠંડીમાં શરીરને ગરમાવો મળે તેવી વનસ્પતિ જેમાં તુલસી, ફુદીનો, આદુની સાથે વિવિધ વસાણા તથા સૂકા મેવા ગણાવી શકાય. તો વરસાદની મોસમમાં સ્વાસ્થ્યને જાળવવા વિવિધ કાઢાનો ઉપયોગ થતો હોય છે. તો ગરમીના દિવસોમાં શરીરને ઠંડક મળી રહે તેની કાળજી લેવામાં આવે છે.
શરીરમાં પૂરતાં પ્રમાણમાં પ્રવાહી જળવાઈ રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. જેમાં રસદાર ફળ, રસદાર શાકભાજીનો સમાવેશ થાય છે. જમાનામાં બદલાવની સાથે હવે બારેમાસ બધાં જ ફળ- શાકભાજી મળવા લાગ્યાં છે. તેમ છતાં તેનો યોગ્ય ઉપયોગ મોસમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તે જ યોગ્ય પદ્ધતિ છે. જેમ કે કાળઝાળ ગરમીમાં સૂકા મેવા, વસાણાનો ઉપયોગ શરીરમાં બેચેની ભરી દે છે. તો વરસાદી મોસમમાં લીલોતરી જેમાં વિવિધ ભાજીનો ઉપયોગ સ્વાસ્થ્યને બગાડી શકે છે.
તેથી જ આપણા આયુર્વેદમાં પ્રત્યેક મોસમમાં કેવો આહાર હોવો જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જેનો ઉપયોગ હાલમાં વધી ગયો છે. તેમાં સમજદાર આહાર-સમતોલ આહાર, વિરુદ્ધ આહારનું આખું વિજ્ઞાન સમાયેલું છે. અખબાર દ્વારા આપણે અનેક વખત જાણકારી મેળવીએ છીએ કે વિરુદ્ધ આહાર લેવાને કારણે વ્યક્તિ બેશુદ્ધ બની ગઈ. તેને ઊલટી-દસ્તની તકલીફ થવા લાગી. વિરુદ્ધ આહાર એટલો તો ખતરનાક ગણાય છે જે વ્યક્તિને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. જેમાં ડુંગળી સાથે દૂધ કે ફળોનું સેવન અયોગ્ય ગણાય છે. ખારી વસ્તુ સાથે દૂધનું સેવન કરવું જોઈએ નહીં.
ગરમીમાં તન-મનને ટાઢક પહોંચાડે તેવી વનસ્પતિ એટલે ‘ખસ ઘાસ’ ગણાય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ઘરને ઠંડક પહોંચાડવામાં ઉપયોગી બને છે. એક સમય હતો કે જ્યારે ઘરમાં જ ખસનું શરબત બનાવવામાં આવતું. કાળઝાળ ગરમીમાં તે અત્યંત ટાઢક બક્ષતું. તો ઘરમાં ગરમીથી ઠંડક મળી રહે તે માટે ખસની ખાસ પ્રકારે બનાવવામાં આવેલી ટટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો. જેનો ઉપયોગ ઉનાળાની રજામાં ગમે તેટલાં ભાઈ-બહેન, મામા-માસી કે કાકા-ફોઈને ઘરે ભેગાં થાય પરંતુ બપોરના સમયે ઘરમાં ખસની ટટ્ટીમાં પાણી છાંટીને ઠંડકમાં બેસીને વિવિધ રમત રમાતી જોવા મળતી.
આજે સમયમાં મોટો બદલાવ આવી ગયો છે. બાળકો ઘરમાં બેસીને સતત મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર રમતો રમતાં રહીને શરીરને બેડોળ બનાવી દેતાં હોય છે. અથવા તો માતા-પિતાની સાથે ટેલિવિઝન ઉપર ફિલ્મો જોતાં રહે છે. સતત સ્ક્રીનનો ઉપયોગ બાળકોને ચીડિયા બનાવી દે છે. અનેક વખત જોવા મળે છે કે બાળકો નાની વયમાં માનસિક તાણનો શિકાર બની જતાં હોય છે. રજાઓમાં બાળકોના વિકાસ માટે પુસ્તકોનો આગ્રહ વધારવાની આવશ્યક્તા છે.
ખસનો ભારતમાં ઉપયોગ હજારો વર્ષથી થતો આવ્યો છે. તેનાં સુગંધીત મૂળનો ઉપયોગ ચટ્ટાઈ બનાવવા માટે, ખાસ પ્રકારની ઔષધિ બનાવવા માટે, સૌંદર્ય પ્રસાધનોમાં તેમ જ વિશિષ્ટ પ્રકારનાં અત્તર બનાવવામાં કરવામાં આવે છે. ખસનો મુખ્ય ઉપયોગ ગરમીમાં તન-મનને ઠંડક પહોંચાડવા માટે ખાસ કરવામાં આવતો હોય છે.
ભારતીય સંવિધાનના 8મી અનુસૂચિ મુજબ ભારતની સત્તાવાર ભાષા 22 છે. 2011ની જનગણના બાદ એવું જાણવા મળે છે કે ભારતમાં 121 મુખ્ય ભાષા જોવા મળે છે. તેમાં વિવિધ પ્રાદેશિક ભાષાનો સમાવેશ કરવામાં આવે તો કુલ 19500 માતૃભાષા ભારતના કરોડો લોકો દ્વારા બોલવામાં આવે છે. આપણા દેશની વિવિધ ભાષામાં ‘ખસ ઘાસ’ને અલગ-અલગ નામે ઓળખવા માં આવે છે. હિન્દીમાં ખસની જડ, સંસ્કૃતમાં કુશા, ગુજરાતીમાં ખસ કે વાળો, મરાઠીમાં કશ કશ, બંગાળીમાં ખસ, તેલુગુમાં કસ કસા, તમિળમાં કશ કશ. ખસનું ઘાસ કેમ શ્રેષ્ઠ ગણાય છે તે જાણવા જેવું છે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ‘હું સ્વયં ખસ ઘાસની સુગંધ છું.’
ખસ ઘાસના સ્વાસ્થ્ય તેમ જ પર્યાવરણના રક્ષણવર્ધક ગુણ જાણી લઈએ
ખસ ઘાસનો ઉપયોગ પાચન સુધારવામાં : ખસ ઘાસનો ઉકાળો કે તેનું શરબત બનાવીને પીવાથી પાચન ક્રિયા સુધારવામાં મદદ મળે છે. સૌરાષ્ટ્રમાં આપ જશો તો આજે પણ ઘેર ઘેર ફ્રીઝના પાણીને બદલે માટલાંનું ઠંડું પાણી પીવામાં આવે છે. મહેમાનોને પણ માટલાંનું ઠંડું પાણી અડધો ગ્લાસ પ્રથમ આપીને મહેમાન ગતિ કરવામાં આવે છે. આ અડધા ગ્લાસ પાણીને પીવાથી તમને ગળામાં તથા છાતીમાં અઢળક ઠંડકનો અનુભવ થવા લાગશે. તેનું મુખ્ય કારણ તેઓ પાણીમાં એક સ્વચ્છ કપડાંમાં વીંટીને ખસની જડને માટલાના પાણીમાં તરતી મૂકી દેતા હોય છે. આ પાણી પીવાથી પ્રાકૃતિક રીતે જ વ્યક્તિની પાચન સંબંધિત સમસ્યા ઓછી થવા લાગે છે. વળી અપચો કે ઊલટીની સમસ્યા રહેતી હોય તેમણે શરીરને ઠંડક મળી રહે તે માટે ખસ ઘાસનો ઉપયોગ કરવો જોઈએ. એસિડીટી, ગૅસ, પેટમાં વારંવાર ચૂક આવવી જેવી સમસ્યાને નિયંત્રિત કરવામાં લાભકારક ગણવામાં આવે છે.
માથાના દુખાવામાં લાભકારી : માથાના દુખાવામાં ખસ ઘાસ અત્યંત ઉપયોગમાં આવે છે. કેમ કે આ ઘાસની સુગંધ અત્યંત ઠંડક પ્રદાન કરે તેવી હોય છે. ઍન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે. વળી ખસ ઘાસનું તેલ માથાના દુખાવા વખતે કપાળ ઉપર ઘસવાથી તેમ જ વાળમાં લગાડવાથી ત્વરિત રાહત મળી રહે છે. માથાનો દુખાવો ઘટવાની સાથે મન શાંતિ અનુભવે છે. માથાના દુખાવાને કારણે અનેક વખત ઊલટી થવી કે ગુસ્સો આવી જતો હોય છે. આવા સંજોગોમાં ખસ ઘાસનું શરબત પીવાથી વ્યક્તિને રાહત મળી રહે છે.
શરીરમાં લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થવા લાગે છે : ખસ ઘાસમાં પ્રાકૃતિક ગુણ અનેક જોવા મળે છે. જેમ કે શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદ મળે છે. જેને કારણે શરીરના પ્રત્યેક અંગમાં પૂરતાં પ્રમાણમાં લોહીનો પ્રવાહ સરળતાથી શરીરમાં પ્રસરે છે. જેને કારણે શરીરના પ્રત્યેક અંગમાં ઑક્સિજન પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. પોષણ તત્ત્વો પણ વધુ સરળતાથી શરીરના પ્રત્યેક અંગમાં પ્રસરે છે. વેટિવર તેલની માલિશ કરવાથી રક્તાભિસરણ સુધરે છે. માંસપેશીમાં ખેંચાવ ઘટવા લાગે છે.
ખસ ઘાસના ઉપયોગ દ્વારા માનસિક શાંતિનો લાભ મળે છે : ખસ ઘાસનો ઉપયોગ માનસિક શાંતિ મેળવવામાં અત્યંત પ્રભાવી ગણાય છે. ખસ ઘાસમાં રહેલી પ્રાકૃત્તિક સુગંધ તથા શીતળતાનો અનુભવ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને સરળતાથી મળી રહે છે. જેને કારણે સતત વિચારોમાં રહેતા મગજને આરામ મળે છે. સતત નાની નાની વાતની ચિંતા કરવાની આદત ધરાવતી વ્યક્તિઓ માટે ખસ ઘાસનો ઉપયોગ વિવિધ રીતે કરવો લાભદાયક છે. જેમ કે ખસ ઘાસના તેલનો ઉપયોગ કપાળ ઉપર લગાવ્યા બાદ વ્યક્તિ માનસિક તાણની સમસ્યાથી રાહત મેળવે છે. રાત્રે ગહેરી ઊંઘ ન આવવાની સમસ્યાથી રાહત મળી રહે છે.
ખસનાં મૂળિયાં ધરતી ઉપરની માટીનું રક્ષણ કરે છે : ખસનું ઘાસ ઝડપથી ઊગી નીકળે છે. તેમ જ તે એક ઘાસના છોડની આસપાસ ઝડપથી ફેલાઈ જતું હોય છે. માટીને મજબૂતાઈથી પકડી રાખે છે. જેથી ભારે વરસાદને કારણે જમીન ધોવાણની સમસ્યાને અટકાવવામાં મદદ મળે છે. ખસ ઘાસના મૂળ મુશળધાર વરસાદ બાદ પાણીને મૂળમાં સંગ્રહી રાખે છે. જેને કારણે જમીન સૂકી બની જતી નથી. જમીનમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારવામાં મદદ કરે છે. આમ કૃષિ તથા પર્યાવરણ બંને માટે ખસનું ઘાસ અત્યંત લાભકારક બની રહે છે.
ખસ ઘાસનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. જેમ કે પીવાના પાણીમાં એક સ્વચ્છ કપડાંમાં થોડા ઘાસની પોટલી વાળીને રાખવાથી પાણીમાં એક ગજબ મીઠાશ ભળી જાય છે. સ્નાન કરતી વખતે પાણીમાં ઘાસનો પાઉડર બનાવીને ભેળવી દીધા બાદ થોડા સમય બાદ સ્નાન કરવાથી તાજગી અનુભવાય છે. બારી પાસે થોડું ખસ ઘાસ રાખવાથી ઘરમાં સુગંધ પ્રસરી જતી હોય છે. વળી મચ્છરો કે કીડાથી બચાવે છે. ખસ ઘાસને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ તે પાણીનો ઉપયોગ ડિઓડરન્ટ તરીકે કરવાથી ગરમીમાં અત્યંત તાજગીનો અનુભવ થશે.
ખસનું શરબત
સામગ્રી: 100 ગ્રામ ખસની જડ, 2 કપ ખાંડ, 1 લિટર પાણી, 1 લીંબુનો રસ, લીલો રંગ
બનાવવાની રીત : સૌ પ્રથમ ખસની જડને બરાબર સાફ કરી લેવી. 1 લિટર પાણીમાં તેને એક રાત્રિ પલાળીને રાખવી. તે પાણીને 10-15 મિનિટ ઉકાળી લેવું. પાણીમાંથી ખસ ઘાસને ગાળી લેવું. ત્યાર બાદ એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 કપ ખાંડ લેવી. ખાંડ ડૂબે તેટલું પાણી લેવું. પાણી બરાબર ઊકળી જાય ત્યારબાદ તેમાં લીંબુનો રસ ભેળવવો. જેથી ખાંડનો મેલ ઉપર આવી જશે. તેને બહાર કાઢી લેવો. એક તારની ચાસણી બનાવવી.
ચાસણી ઠંડી થાય ત્યારબાદ ખસનું ઉકાળેલું પાણી ભેળવવું. ખસનું સિરપ તૈયાર. ઇચ્છા હોય તો લીલો રંગ ઉમેરવો. પીરસતી વખતે ગ્લાસમાં 2-3 ચમચી સિરપ રેડવું. તેની ઉપર બરફના ટુકડા રાખવા. જરૂર મુજબ પાણી રેડવું. ફુદીનાનાં પાન ભેળવીને ઠંડું ઠંડું પીરસવું. ખસનું સિરપ દૂધમાં ભેળવીને પણ પી શકાય છે.