Tue May 19 2026

Logo

મોરબીમાં મકાનભાડાના બદલામાં યુવકની પત્નિ-સગીર દીકરીને બનાવી હવસનો શિકાર, નોંધાયો રેપનો કેસ

2026-05-19 11:43:00
Author: Devayat Khatana
Article Image

મોરબી: મોરબીમાં કૌટુંબિક સંબંધોને લઝવતો એક શરમજનક કિસ્સો બહાર આવ્યો હતો. અહીં ભાડાના મકાનમાં રહેતા એક મજૂર પરિવારે ભાડું ન ચૂકવી શકવાના કારણે, પતિએ કથિત રીતે પોતાની પત્ની અને સગીર પુત્રીને મકાન માલિકને હવાલે કરી દીધી હતી. એવો પણ આક્ષેપ છે કે બાકી રહેલા ભાડાના બદલામાં મકાન માલિકે ભાડૂઆત પતિની સંમતિથી પહેલા તેની પત્ની અને ત્યારબાદ સગીર પુત્રી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. હવે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર, લગભગ છ મહિના પહેલા આ મજૂર પરિવાર મજૂરીકામ અર્થે મોરબી આવ્યો હતો. રહેવા માટે ઘર ન હોવાથી તેમણે માસિક 2000 રૂપિયાના ભાડે એક મકાન રાખ્યું હતું. જોકે, આ દરમિયાન કામ બરાબર ન ચાલવાને કારણે તેઓ ભાડું ચૂકવી શકતા ન હતા અને બાકી ભાડું વધતું ગયું. આર્થિક તંગીના કારણે યુવકે સમય માંગ્યો હોવા છતાં, મકાન માલિકે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બાકી ભાડા પેટે યુવકની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી. પૈસા ન હોવાથી પતિ કથિત રીતે આ વાત માટે રાજી થઈ ગયો અને ત્યારબાદ મકાન માલિકે મહિલા સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ત્યારબાદ જેમ-જેમ સમય વીતતો ગયો, તેમ મકાન માલિકની નજર યુવકની સગીર પુત્રી પર પણ પડી. એવો પણ આક્ષેપ છે કે મકાન માલિકે સગીર પુત્રી સાથે પણ શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી માંગી અને પિતાએ તે માટે પણ સંમતિ આપી દીધી. પિતાની સંમતિ મળ્યા બાદ આરોપી મકાન માલિકે સગીર બાળકી સાથે જબરદસ્તીથી અને બહેલાવી-ફોસલાવીને વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. 

આ સમગ્ર ઘટનાની જાણકારી પીડિતાના સસરાને થતાં, તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મોરબી એ-ડિવિઝન પોલીસે મકાન માલિક, પીડિતાના પતિ અને અન્ય એક સહ-આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આરોપી પતિ હાલ જેલમાં છે અને મકાન માલિકને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસ ફરાર આરોપીની સઘન શોધખોળ કરી રહી છે અને આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.