નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શ્વાન પ્રેમીઓ (ડોગ લવર્સ) ને ઝટકો આપતાં તેમની તમામ અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના નવેમ્બર 2205ના એ આદેશમાં ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનો જેવી જાહેર સંસ્થાઓ અને જગ્યાઓ પરથી રખડતા કૂતરાઓને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે કડવી વાસ્તવિકતાઓ સામે આંખો મીંચી ન શકાય.
પોતાના અગાઉના નિર્દેશનો બચાવ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રખડતા કૂતરાઓના હુમલાની ઘટનાઓ જાહેર સુરક્ષા માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.
બેન્ચે નોંધ્યું કે દેશભરમાં સામે આવેલી આવી ઘણી ઘટનાઓમાં નાના બાળકોને કૂતરાઓએ ફાડી ખાધા છે, વૃદ્ધો પર હુમલા થયા છે અને વિદેશી પ્રવાસીઓ પણ આનાથી પ્રભાવિત થયા છે.
અદાલતે જાહેર સ્થળો પરથી કૂતરાઓને હટાવવાની વાત પણ કહી છે. અદાલતે જણાવ્યું છે કે આ સમસ્યા હવે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને ભૂતકાળમાં આપવામાં આવેલા નિર્દેશો છતાં જમીની સ્તરે આના ઉકેલમાં ગંભીર ખામીઓ (બેદરકારી) જોવા મળી રહી છે.
'સરકારોનું એ કર્તવ્ય છે...'
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 'જમીની સ્તરે ડાર્વિનનો સિદ્ધાંત- "સરવાઇવલ ઓફ ધ ફિટેસ્ટ" (જે સક્ષમ છે તે જ જીવશે) કામ કરતો હોય તેવું લાગે છે, જ્યાં અસરકારક સરકારી કામગીરીના અભાવે સમાજના નબળા વર્ગોને પોતાની સુરક્ષા પોતે જ કરવા માટે તેમના હાલ પર છોડી દેવામાં આવે છે.'
કોર્ટે ભારપૂર્વક કહ્યું કે બાળકો અને વૃદ્ધોને આવા જોખમો સામે એકલા લડવા માટે છોડી શકાય નહીં. નાગરિકોના જીવન અને જાહેર સુરક્ષાની રક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારોની ફરજ છે. બેન્ચે જાહેર સ્થળો પરથી રખડતા કૂતરાઓને હટાવીને શેલ્ટર હોમ્સ (આશ્રય સ્થાનો) માં મોકલવાના પોતાના અગાઉના આદેશને પાછો ખેંચવાનો કે તેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્ણી
આજની સુનાવણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે અનુચ્છેદ 21 (Article 21) હેઠળ મળેલા જીવન અને આઝાદીના અધિકારમાં દરેક નાગરિકના એ અધિકારનો પણ સમાવેશ થાય છે કે, તે કોઈ પણ શારીરિક હુમલાના સતત ડર વગર અથવા જાહેર સ્થળો પર કૂતરા કરડવા જેવી જીવલેણ ઘટનાઓના જોખમ વગર મુક્તપણે હરી-ફરી શકે અને જાહેર સ્થળોનો ઉપયોગ કરી શકે.