‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનો દબદબાભેર શુભારંભ
મુંબઈ: માયાવી નગરી મુંબઈ બુધવારે કૃષ્ણમય બની ગયું અને આવું બનવા માટે જવાબદાર હતું ‘મુંબઈ સમાચાર’ અને એના દ્વારા આયોજિત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીમાં શરૂ થયેલું માતૃભાષા ભાગવત્ સપ્તાહ.
બોરીવલીની ચીકુવાડીસ્થિત સ્વ. બાળાસાહેબ ઠાકરે ક્રીડાસંકુલ ખાતે ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું હોય અને માહોલના બને તો જ નવાઈ. પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીએ હજારો શ્રદ્ધાળુઓના હૃદયને ભક્તિભાવથી તરબતર કરી નાખ્યું હતું.
બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ સુધી ચાલનારા ‘મુંબઈ સમાચાર’ આયોજિત આ માતૃભાષા ભાગવત્ સપ્તાહનો પ્રારંભ થયો હતો પ્રમોદ મહાજન ગ્રાઉન્ડ (શંકર મંદિરની બાજુમાં)થી વાજતેગાજતે પોથીની શોભાયાત્રાથી. ખરી બપોરે એક કલાક સુધી વૈષ્ણવો પરંપરાગત વસ્ત્રોમાં માથે પોથી લઈને ઢોલ નગારાના તાલે નાચતા નાચતા સ્વ. બાળાસાહેબ ઠાકરે ક્રીડાસંકુલની સનાતન નગરી પહોંચ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોથીને પોંખવામાં આવી હતી. ‘હાથીઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી’ના જયઘોષ સાથે સમગ્ર માહોલ કૃષ્ણમય બની ગયો હતો.
‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ મુખ્ય મનોરથી પરિવાર, સહ મનોરથી પરિવાર, વિશેષ મહેમાનો, પોથી યજમાનો અને બહોળી સંખ્યામાં હાજર રહેલા ભાવિકોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ મુખ્ય મનોરથી સૌરભ મહેતા (સ્કાયલાઈન ઈન્ફ્રા ફોર્જ) અને સહ મનોરથી રમેશભાઈ પારેખ (ગાંધાર ગ્રૂપ ઓફ કંપનીઝ)ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ માતૃભાષા ગુજરાતીમાં હૂંફાળું સ્વાગત કરતાં જય શ્રીકૃષ્ણ કરતાં સનાતન નગરીમાં ઉપસ્થિત ભક્તજનો હૈયે હિલોળે ચઢ્યા હતા. ભાઈશ્રીએ માત્ર મુંબઈ જ નહીં, દેશના અને એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ની અનોખી પહેલને બિરદાવી હતી અને ‘મુંબઈ સમાચાર’એ ગુજરાતી જ નહીં પણ દેશની તમામ ભાષાઓને પોંખવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. આજના ડિજિટલ યુગમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની સાથે સાથે મહત્વ પણ જાળવી રાખ્યું છે. આજની યુવાપેઢીને કદાચ ખ્યાલ નથી પણ આપણામાંથી મોટાભાગના લોકોની સવાર ચ્હા-કોફીની સાથે સાથે અખબાર સાથે થાય છે અને મહત્ત્વની વાત એ છે કે સમાચારની પ્રામાણિકતા માટે સામાન્ય વાચકોને મુંબઈ સમાચાર પર સંપૂર્ણ ભરોસો છે.
નવાં ઘણાં અખબારો અને સામાયિકો પ્રગટ કરવાની પહેલ કરે છે, પરંતુ ટકી શકતાં નથી એવી સ્થિતિમાં ‘મુંબઈ સમાચાર’નો ધ્વજ 200 વર્ષથી વધુ સમય સુધી લહેરાતો રહ્યો છે એ ગર્વની વાત છે. માતૃભાષા ભાગવત સપ્તાહની ભાવનાને મહત્ત્વ આપતા એમણે પ્રથમ મરાઠીમાં, ત્યાર બાદ હિંદીમાં નાનકડું વકતવ્ય આપતાં હાજર રહેલા તમામ ભાવિકોએ એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ એમની અમૃતવાણીમાં કથાનો આરંભ કર્યો હતો. એમના આજના કથા પ્રવાહમાં કેન્દ્રમાં માતૃભાષા હતી અને એમની વાણીમાંથી ભાષાના પ્રભુત્વનું મહત્ત્વ સતત સમજાવ્યું હતું. ભાષા, ભાવ, ભૂષા, ભોજન અને ભૂમિ આ તમામનું રસપાન કરાવ્યું હતું. રાધે ગોવિંદ ભજો રાધેની ધૂન પર ભાવિકો, ભક્તજનો ડોલી ઊઠ્યા હતા અને મન મૂકીને નૃત્ય કર્યું હતું. સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.
માતૃભાષા ભાગવત્ સપ્તાાહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, ભૂતપૂર્વ નગર સેવિકા બીના દોશી, લોકપ્રિય ટીવી સિરિયલના નિર્માતા અસીતકુમાર મોદી, પ્રસિદ્ધ કવિ અને મુશાયરાના મશહૂર સંચાલક શોભિત દેસાઈ, જાણીતા નાટ્યકર્મી વિપુલ વિઠલાણી, લાઈફોગ્રાફીના સર્જક રજની આચાર્ય, ક્રેડાઈ એમસીએચઆઈ થાણેના વાઈસ પ્રેસિડન્ટ જિતેન્દ્રભાઈ મહેતા, ઘાટકોપરના અગ્રણી રાજેશભાઈ ઠક્કર, ટ્રાન્સમીડિયાના જશ્મીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
માતૃભાષાને ટકાવી રાખવા અખબારોને ટકાવી રાખવા પડશે: પૂજ્ય ભાઈશ્રી
200 વર્ષ ટકી રહેવું કંઈ નાનીસૂની વાત નથી. દરેક ભાષાને ટકાવી રાખવા, નવી પેઢી સુધી પહોંચતી કરવા અખબારોએ ટકી રહેવું પડશે. માતૃભાષાના સંવર્ધન માટે એમણે મજબૂતીથી ટકી રહેવું પડશે. ભાષા એ સંસ્કૃતિનું ઘર છે.અંગ્રેજીમાં ગરબાની રચના કરીને રિધમ પર દાંડિયા રમી શકાય પણ એમાં ગુજરાતીપણું તો બિલકુલ નહીં રહે. ગરબો ગુજરાતી વિના તો અધૂરો લાગે.
જે ભાષામાં આપણને સપનું આવે એ આપણી માતૃભાષા. તકલીફના સમયમાં જે મા યાદ આવે, ઈશ્વર યાદ આવે, ઠેસ વાગતા જે ભાષામાં ઉદ્ગાર નીકળે એ આપણી માતૃભાષા, ભાવ, ભોજન, ભાષા જે ધરતી પર તમે જન્મ્યા, એ તમારી માતૃભૂમિ, જે ખોરાક ખાઈને આપણે મોટા થયા હોઈએ એ આપણને નડે નહીં. આપણા શરીર માટે સૌથી હિતકર છે. મા કોઈ દિવસ નડે નહીં અને પિતૃઓ તો ક્યારેય નડે નહી. પિતૃઓ સહિષ્ણુ હોય. એ નડે એ વાત મગજમાંથી કાઢી નાખો.
એસી ડોમની ઠંડી જોઈને સ્વેટર-શાલ લાવવાનો અનુરોધ: પૂજ્ય ભાઈશ્રી
‘મુંબઈ સમાચાર’ના આયોજનની ખોબલે ખોબલે પ્રશંસા કરી તેમણે કહ્યું હતું કે ભાગવત સપ્તાહનું આયોજન એપ્રિલની કાળઝાળ ગરમીમાં પણ કાશ્મીરનો ઠંડીનો અહેસાસ કરાવી રહ્યું છે. એસી ડોમ સહિતની સુવિધાજનક ભાગવત્ સપ્તાહના આયોજન બદલ હું મુંબઈ સમાચાર અને ભાવિકોને અભિનંદન આપું છું અને પ્રણામ કરું છું. આ સાથે જ એમણે ભાવિકોને બીજા દિવસથી સ્વેટર અને શાલ લઈને આવવાનું સૂચન કર્યું હતું.