ભારતના લગભગ દરેક નાના-મોટા શહેરમાં એક સમસ્યા સામાન્ય બની ગઈ છે, અને તે છે અસહ્ય ટ્રાફિક જામ. આ ટ્રાફિકના કારણે સામાન્ય નાગરિકોથી લઈને નોકરીયાત વર્ગના રોજના કેટલાય કલાકો વેડફાઈ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક જામમાં ફસાયેલો એક યુવક ચાલુ બાઈક પર પાછળ બેસીને જ લેપટોપ ખોલીને ઓફિસનું કામ કરતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને લોકો એ વિચારવા મજબૂર થઈ ગયા છે કે, આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં કામનું દબાણ (Work Pressure) કેટલું વધી ગયું છે?
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક વ્યક્તિ બાઈકની પાછળની સીટ પર બેઠો છે અને બાઈક ધીમે-ધીમે ચાલી રહેલા ટ્રાફિકમાં ફસાયેલી છે. પહેલી નજરે તો જોવામાં આ એક સામાન્ય ટ્રાફિક જામ જેવું લાગે છે, પરંતુ થોડી જ સેકન્ડોમાં આ યુવક પોતાની પીઠ પરથી બેગ ઉતારે છે, તેમાંથી લેપટોપ કાઢીને વાહનો આગળ વધવાની રાહ જોયા વગર ચાલુ બાઈકે કામ કરવાનું શરૂ કરી દે છે.
જોકે, તે લેપટોપ પર શું કામ કરી રહ્યો હતો તે સ્પષ્ટ નથી, પરંતુ વીડિયો જોનારા લોકોનું અનુમાન છે કે તે કદાચ કોઈ ઈમેલનો જવાબ આપી રહ્યો હતો, પ્રેઝન્ટેશન તૈયાર કરી રહ્યો હતો અથવા ઓફિસનું બાકી રહી ગયેલું કામ પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ દ્રશ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક અત્યંત ભાવુક કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેણે લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સિગ્નલ પર માત્ર પાંચ મિનિટના ટ્રાફિક જામમાં ફસાયેલા આ માણસે બાઈક પર બેઠા બેઠા લેપટોપ કાઢ્યું અને કામ કરવાનું શરૂ કરી દીધું. આઠ કલાક ઓફિસમાં કામ કર્યા પછી પણ તેને ઘરે જતી વખતે કામ કરવું પડે છે. એનો અર્થ એ જ થયો કે ઘરે પહોંચ્યા પછી પણ તે કામ કરતો રહેશે. ભારતમાં લોકો ધીમે ધીમે માણસમાંથી મશીન બની રહ્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ
આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે: ઘણા લોકોનું માનવું હતું કે આ વીડિયો દર્શાવે છે કે ઓફિસના કલાકો પૂરા થયા પછી પણ કર્મચારીઓ પર કામ પૂરું કરવાનું કેવું ભારે દબાણ હોય છે. આજકાલ લેપટોપ અને સ્માર્ટફોનના કારણે લોકો ૨૪ કલાક કામ સાથે જોડાયેલા રહે છે, જેનાથી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચેની સીમાઓ ભૂંસાઈ ગઈ છે.
કેટલાક યુઝર્સે યુવક પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા લખ્યું હતું કે, કદાચ તે અગત્યનું કામ જલ્દી પૂરું કરી દેવા માંગતો હશે જેથી ઘરે પહોંચીને પરિવાર સાથે થોડો સમય વિતાવી શકે. લોકોનું કહેવું છે કે આ વીડિયોએ એક મોટી સમસ્યા સામે લાવી છે. નોકરી માટે કલાકો સુધી મુસાફરી કરવી અને પછી ઓફિસમાં અતિશય થાકી જવું આ ચક્રને કારણે લોકો પાસે પોતાના આરામ કે પૂરતી ઊંઘ માટે પણ સમય બચતો નથી.