Sat Sep 12 2026

Logo

સ્ટીલ ઉદ્યોગે વૈશ્વિક સ્પર્ધાત્મક રહેવા નવી બજારો ખોળવા અને ડિકાર્બનાઈઝેશન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

2026-07-23 19:49:59
Author: Ramesh Gohil
સ્ટીલ ઉદ્યોગે વૈશ્વિક સ્પર્ધાત્મક રહેવા નવી બજારો ખોળવા અને ડિકાર્બનાઈઝેશન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

નવી દિલ્હીઃ ભારતીય સ્ટીલ ઉદ્યોગે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે વૈવિધ્યકરણ કરવું જોઈએ, નવી નિકાસ બજારો શોધવી જોઈએ અને ડિકાર્બનાઈઝેશન (કાર્બન ઉત્સર્જન ઘટાડવા)ને વેગ આપવો જોઈએ, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 

અત્રે એસોચેમ દ્વારા આયોજિત ઈન્ડિયા સ્ટીલ કોન્ક્લેવ 2026ને સંબોધતા સ્ટીલ મંત્રાલયના આર્થિક સલાહકાર અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ઘણાં દેશો તેમના સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા રક્ષણાત્મક પગલાં લઈ રહ્યા હોવાથી વેપારનો માહોલ બદલાઈ રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારતીય સ્ટીલ ઉદ્યોગે ડિકાર્બનાઈઝેશનને વેગ આપવો જોઈએ, ટૅક્નોલૉજી અને સંશોધન થકી વિકાસને મજબૂત બનાવવો જોઈએ. તેમ જ કાર્બન નિયંત્રણ અને ટેરિફનાં પગલાઓને ધ્યાનમાં નિકાસ બજારોમાં વૈવિધ્યકરણ કરવું જોઈએ. 

અમેરિકા અને યુરોપ બન્નેએ સ્થાનિક ઉદ્યોગને ટેકો આપવા માટે પગલાં લીધા છે. અમેરિકાએ કલમ 232 અમલી કરી છે અને યુરોપિયન યનિયને ઉચ્ચ કાર્બન ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત થયેલા સ્ટીલને ખાળવા માટે કાર્બન બોર્ડર એડ્જસ્ટમેન્ટ મેકેનિઝમ (સીબીએએમ)જેવાં પગલાં રજૂ કર્યા છે. 

સીબીએએમનો અર્થ એ છે કે ઉચ્ચ મૂલ્યવાળા સ્થળોએ બજારની પહોંચ ફક્ત સ્ટીલની ગુણવત્તા અને કિંમત પર જ નહીં, પરંતુ ઉત્પાદન પ્રક્રિયાની કાર્બન તીવ્રતા પર પણ વધુ નિર્ભર રહેશે. આથી ભવિષ્યમાં ભારતીય સ્ટીલની કાર્બન તીવ્રતા વધુ હોવાથી યુરોપિયન યુનિયન ખાતે સ્ટીલની નિકાસ મુશ્કેલ બનશે. જોકે, આ મુદ્દાને હું સકારાત્મક દૃષ્ટિકોણથી જોવા માગુ છું. ભારતના સ્ટીલ ઉદ્યોગને આધુનિક બનાવવા, ટૅક્નોલૉજી અને ઉત્પાદન પ્રક્રિયાઓમાં સુધારો કરવા, કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને લાંબા સમયગાળાની વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનાવવાની આ એક તક છે.

મને વિશ્વાસ છે કે યોગ્ય નીતિ સમર્થન, સતત નવીનતા, ટૅક્નોલૉજીમાં રોકાણ તથા સરકાર અને ઉદ્યોગના સહયોગથી ભારતીય સ્ટીલ ક્ષેત્ર ફક્ત આ પડકારો દૂર જ નહીં કરે, પરંતુ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.