મુંબઈ: હોટેલ્સ-રેસ્ટોરાં સામે અસ્વચ્છતાને મુદ્દે કાર્યવાહી કરનારી મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં આવેલી કૅન્ટીનમાં જ સ્વચ્છતાના બધા નિયમો પાળવામાં ન આવતા હોવાની ફરિયાદો વારંવાર ઊઠી રહી હતી. એવામાં ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશને (એફડીએ) બુધવારે આ કૅન્ટીન પર કાર્યવાહી કરતાં ચકચાર ફેલાઈ ગઈ હતી. ગયા મહિને તાકીદ કરવામાં આવ્યા છતાં 39 ખામીઓમાં સુધારો ન કરાતાં આખરે એફડીએએ કૅન્ટીનનું ફૂડ બિઝનેસ લાઈસન્સ સસ્પેન્ડ કરી નાખ્યું હતું.
એક નિવેદનમાં એફડીએએ ગુરુવારે જણાવ્યું હતું કે 18 જૂને બીએમસી હેડક્વાર્ટરમાંની કૅન્ટીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બીજે દિવસે અમુક સુધારા કરવાની તાકીદ કરવામાં આવી હતી. આ સંદર્ભે કૅન્ટીન ચલાવનારાને નોટિસ આપવામાં આવી હતી.
કૅન્ટીન ઑપરેટર કમલ કૅટરર્સ પ્રાઈવેટ લિમિટેડને આ નોટિસ 24 જૂને મળી હતી. નોટિસ મળ્યા છતાં ઑપરેટર દ્વારા લેખિતમાં ખુલાસો કરાયો નહોતો કે જણાવેલી શરતોનું પાલન કરવા સંબંધે અહેવાલ પણ રજૂ કરાયો નહોતો, એમ એફડીએએ જણાવ્યું હતું.
આખરે બાવીસ જુલાઈએ એફડીએની ટીમ ફરી કૅન્ટીન પહોંચી હતી. નિરીક્ષણમાં જણાયું હતું કે મહિના પહેલાં જણાવાયેલી 39 ખામીઓ ઑપરેટર દુરુસ્ત કરવામાં નિષ્ફળ ગયો હતો. પરિણામે બાવીસ જુલાઈથી કૅન્ટીનનું ફૂડ બિઝનેસ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
.એફડીએએ જણાવ્યું હતું કે કૅન્ટીનમાં અગાઉ નિર્દેશમાં લાવી આપવામાં આવેલી ગંભીર ક્ષતિઓ સુધારવામાં આવી નહોતી, જે આરોગ્યને માટે હાનિકારક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કૅન્ટીન ફૂડ નહીં બનાવી શકે અને તેનું વેચાણ કે વિતરણ પણ નહીં કરી શકે.
એફડીએએ ભાંડુપમાં આવેલા ‘મિત્ર દા ઢાબા’નું લાઈસન્સ પણ સસ્પેન્ડ કર્યું હતું. ઢાબામાં ઉંદર ફરતા હતા અને ફૂડ બનાવવાની જગ્યાએ જંતુ હોવાનું નિરીક્ષણ દરમિયાન ઈન્સ્પેક્ટરના ધ્યાનમાં આવ્યું હતું. એ સિવાય સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને ગટર વ્યવસ્થામાં ગંભીર ઉણપ જોવા મળી હતી. (પીટીઆઈ)