(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી, જેમાં ચાલુ સિઝનનો કુલ 9.41 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં બાકરોલમાં 11.20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સરખેજ અને જોધપુરમાં 9.17 ઇંચ, બોપલમાં 9.64 ઇંચ, મુકતાપુરમાં 8.56 ઇંચ, ઉસ્માનપુરામાં 5.84 ઇંચ, ટાગોર કંટ્રોલમાં 5.72 ઇંચ, રાણીપમાં 5.51 ઇંચ, વાસણામાં 7.46 ઇંચ, નવરંગપુરામાં 6.24 ઇંચ, બોડકદેવમાં 8.40 ઇંચ, સાયન્સ સિટીમાં 7.57 ઇંચ, ગોતામાં 6.20 ઇંચ, ચાંદલોડિયામાં 5.61 ઇંચ, થલતેજમાં 7.67 ઇંચ અને મેમનગરમાં 7.30 ઇંચ વરસાદ પડ્યો હતો.
ઉપરવાસમાં અને શહેરમાં થયેલા ભારે વરસાદને પગલે વાસણા બેરેજની સપાટી 123.750 ફૂટ પર પહોંચી ગઈ હતી અને જળસ્તર જાળવી રાખવા માટે વાસણા બેરેજના કુલ 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી 3,636 ક્યુસેક પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પડેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય અને પોશ વિસ્તારોના રસ્તાઓ અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાસણા બેરેજના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા હતા.
વરસાદી પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાનનો કાફલો પણ એસજી હાઇવે પર થલતેજ પેલેડિયમ મોલ પાસે પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામમાં ફસાયો હતો. શહેરના 132 ફૂટ રિંગ રોડ, ગોતા અને શેલા વિસ્તારમાં પણ જળબંબાકાર જોવા મળ્યો હતો. શહેરના એસજી હાઇવે પર પણ ખૂબ જ લાંબો ટ્રાફિક સર્જાયો હતો.
પ્રહલાદનગર ગાર્ડનથી જોધપુર તરફના રસ્તા પર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા હતા. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા એએમટીએસની બસ ફસાઈ ગઈ હતી. જોકે, એએમસીની ત્વરિત કામગીરીને પગલે શાહીબાગ અને નિર્ણયનગર અંડરપાસમાંથી પાણીનો ઝડપી નિકાલ કરીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
અતિભારે વરસાદને કારણે પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય અમિત ઠાકર અને કાર્યકરો ટ્રેક્ટરમા બેસીને નાગરિકો અને સ્કૂલ બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી નિવાસસ્થાને પહોંચાડ્યા હતા. ભારે વરસાદને કારણે વિશાલાથી સરખેજ સુધી ખૂબ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ ચાલી રહેલા બ્રિજના કામને લીધે વાહન વ્યવહારને અસર પહોંચી હતી.
આ આફતના સમયે પોલીસ અને તંત્ર દ્વારા અનેક પ્રશંસનીય રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. શેલામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને જેસીબીમાં બેસાડીને સુરક્ષિત ઘરે પહોંચાડાયા હતા, જ્યારે સરખેજ એલ.જે. કોલેજ પાસે ફસાયેલા વિદ્યાર્થીઓને પોલીસની 'કોડ ટીમ' અને દાણીલીમડા પોલીસ દ્વારા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
શાહીબાગ પોલીસે ઘૂંટણસમા પાણીમાં ફસાયેલી ફ્રૂટની લારીવાળી મહિલાને બચાવી હતી, જ્યારે જમાલપુર પાસે બીમાર પડેલી મહિલાની કારને ટ્રાફિક વચ્ચે પોલીસ પાયલોટિંગ આપીને વી.એસ. હોસ્પિટલ પહોંચાડી હતી. બપોરે ૨ વાગ્યા સુધીમાં એએમસી કંટ્રોલ રૂમમાં પાણી ભરાવાની, ઝાડ પડવાની અને ભયજનક મકાનની અનેક ફરિયાદો નોંધાઈ હતી. પાલડીમાં સંચાર કોલોની પાસે પડેલા બે મોટા વૃક્ષોને ફાયર વિભાગે હટાવીને લો ગાર્ડન તરફનો રસ્તો ખુલ્લો કર્યો હતો.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં હજુ પણ ભારે તથા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલારૂપે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં આજે તેમજ આવતીકાલે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતી.