સ્થાનિક ચાંદીમાં રૂ. 2980નો ઘટાડો, સોનું રૂ. 678 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે સતત વધી રહેતા ક્રૂડતેલના ભાવવધારાને કારણે ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2980નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 675થી 678નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ શુષ્ક રહી હતી અને વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2980 ઘટીને રૂ. 2,22,480ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ નરમાઈનું વલણ રહેતાં 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 675 ઘટીને રૂ. 1,44,026 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,44,605ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઘટાડા સાથે ગત સાતમી જુલાઈ પછીની નીચી આૈંસદીઠ 4087.90 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.5 ટકા ઘટીને આૈંસદીઠ 4091.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 1.8 ટકા ઘટીને આૈંસદીઠ 58.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી રહ્યા હોવાથી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. જોકે, હાલમાં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી જાળવી રાખવા ઝઝૂમી રહ્યા હોવાનું જેફરિઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોઝ ઝુબોરસે જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ઊંચા ભાવ અને કેન્દ્રવર્તી બૅન્કો લાંબા સમયગાળા સુધી વ્યાજદરની ઊંચી સપાટી જાળવી રાખે તેમ હોવાથી આગામી દિવસોમાં સોનાના ભાવ આૈંસદીઠ 3900 ડૉલર સુધી પહોંચી શકે છે.
જો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર જાળવી રાખે તો પણ મધ્યપૂર્વના ભૂરાજકીય તણાવને જોતા ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે વ્યાજદરમાં વધારાનું જોખમ તો તોળાતુ જ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 73 ટકા શક્યતા જોઈ રહ્યા છે. વધુમાં આજે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે. તેમ છતાં આગામી સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવા માટેનો વિકલ્પ ખુલ્લો રાખશે, એવું બજાર વર્તુળોનું માનવું છે.