નવી દિલ્હીઃ તોતાપુરી કેરીના રસની માગને પુનર્જીવિત કરવા માટે પીણાંમાં 22થી 25 ટકા રસની માત્રા ફરજિયાત કરવાની ભલામણ કેન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલી સમિતિએ કરવાની સાથે આ મર્યાદાનું પાલન થયું હોય તેવા ઉત્પાદનને પાંચ ટકા રાહતના જીએસટીના દર સાથે સાંકળી લેવા પણ અનુરોધ કર્યો છે.
સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર (લખનઊ)ના ડિરેક્ટર ટી દામોદરને કૃષિ પ્રધાનની અધ્યક્ષતા હેઠળની બેઠકમાં તેમના તારણો રજૂ કર્યા હતા અને કૃષિ પ્રધાને અધિકારીઓને આંતરપ્રધાનમંડળીય સ્તરે આ ભલામણ અંગે સલાહમસલત કરવાનો નિર્દેશ આપ્યો હતો. નોંધનીય બાબત એ છે કે તોતાપુરી કેરીના મુખ્ય ઉત્પાદક રાજ્યો આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને કર્ણાટકમાં આ વર્ષે ભાવમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાને ધ્યાનમાં લેતા સમિતિને અભ્યાસ હાથ ધરવા જણાવ્યું હતું.
દામોદરને આ ઘટાડા માટે પ્રોસેસિંગ ક્ષમતા અને ખરીદીની સમયરેખા વચ્ચે મેળ ન હોવો, સ્થાનિક સ્તરે વેચાતા પીણાંમાં પલ્પ (રસ)નું પાતળું પ્રમાણ અને વૈશ્વિક અસ્થિરતાને જવાબદાર લેખાવતા યાદીમાં ઉમેર્યું હતું કે ખેડૂતો તરફથી એક સાથે આવકો વધી રહી હોવા છતાં ઘણાં કેન્દ્રોમાં પ્રોસેસિંગ એકમો સમયસર ફળની ખરીદી ન કરી શકતા હોવાથી ભાવમાં ઘટાડો થાય છે અને ખેડૂતોની આવક પર માઠી અસર થાય છે.
વધુમાં સમિતિની કેન્દ્રીય ભલામણમાં ઉદ્યોગનાં કરવેરાના દરને વાસ્તવિક ફળની અથવા તો રસ (પલ્પ)ની માત્રા સાથે જોડવામાં આવી છે. અર્થાત્ નિર્ધારિત મર્યાદાથી નીચે પલ્પનું પ્રમાણ ધરાવતા ઉત્પાદનો પર જીએસટીના દર વધુ રહેશે, જ્યારે સુસંગત ઉત્પાદન પર પાંચ ટકા રાહતના દરને જાળવી રાખવાની ભલામણ કરવામાં આવી છે.
મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે આ પદ્ધતિથી તોતાપુરીના પલ્પના વપરાશમાં વધારો થશે અને ગ્રાહકો માટે ઉપલબ્ધ પીણાંમાં પોષકતત્ત્વોમાં સુધારો થશે. આ બાબતના અમલ માટે કાઉન્સિલ અને નાણાં, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, કૃષિ અને આરોગ્ય મંત્રાલયોની બેઠકમાં ધોરણો અને કરવેરા માળખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તેમ જ વૅલ્યૂ ચેઈનમાં વધુ સ્પષ્ટતા લાવવા માટે સમિતિએ કેન્દ્રીય સંકલન અને પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન કમિટીની ભલામણ કરી છે, જે આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને કર્ણાટકને આવરી લેતી એક સર્વોચ્ચ પદ્ધતિ હશે.
દરેક મોસમ પૂર્વે આ સંસ્થા પાકના અંદાજ, પ્રોસેસિંગ, નિકાસ માગ, ઈનપૂટ ખર્ચ અને બજારની સ્થિતિની આકારણી કરશે જેથી આંબાવાડીથી પ્રાપ્તિભાવ અને રસના પૂર્વાનુમાનીત ભાવ આંકી શકાય જેથી ઉત્પાદકો અને ઉદ્યોગને ભાવનો આગોતરો અંદાજ મળશે.
અહેવાલમાં જણાવ્યાનુસાર આંધ્ર પ્રદેશના ચિત્તુર, તિરુપતિ, અન્નામય્યા અને કડપા જિલ્લામાં તોતાપુરી વાવેતર વિસ્તારનો નોંધપાત્ર હિસ્સો જૂના અથવા તો વૃદ્ધ બગીચા હેઠળ છે જેમાં ઊપજ અને ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. આથી ભલામણ કરવામાં આવી છે કે નીલમ, હાફુસ, હિમાયત અને બેંગનપલ્લી જેવી ઉચ્ચ મૂલ્યની જાતોના ઝાડ સાથે હાલના વૃક્ષોની કલમ બનાવીને બેથી ત્રણ વર્ષમાં રળતરદાયી ઉત્પાદન લાવી શકાય છે. સાથે સાથે ક્લસ્ટર સ્તરીય જીએપી (ગુડ એગ્રિકલ્ચરલ પ્રેક્ટિસ)ની સ્વીકૃતી, ખેડૂતોને તાલીમ અને પ્રદર્શનોનું પણ આયોજન કરવાની ભલામણ કરી છે.
વધુમાં ગુણવત્તા બાબતે સમિતિએ આંધ્ર પ્રદેશના ચાર જિલ્લાઓમાં જંતુઓના નુકસાનને ઘટાડવા અને ફળોના દેખાવમાં સુધારો કરવા અને પ્રીમિયમ બજારો માટે ઉત્પાદનનું સ્થાન નક્કી કરવા પ્રારંભિક તબક્કે 23,333 હેક્ટરમાં ફ્રૂટ કવરિંગનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાયની અન્ય ભલામણોમાં ઝોનલ સ્તરે પ્રાપ્તિ અને પ્રોસેસિંગ યંત્રણાની પૂર્વ તૈયારી, બાગાયતી વિભાગ, પ્રોસેસિંગ એકમો અને એફપીઓ દ્વારા સંયુક્તપણે વાર્ષિક પ્રાપ્તિની યોજના ઘડવાનો સમાવેશ થાય છે.