(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુબઈમાં પરિવાર સાથે સ્થાયી થયેલા કાંદિવલીના સિનિયર સિટીઝનના બૅન્ક લૉકરમાંથી અંદાજે 81.80 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરવાના કેસમાં પોલીસે બૅન્કના જ ભૂતપૂર્વ ડેપ્યુટી મૅનેજરની ધરપકડ કરી હતી. આરોપીના બૅન્ક ખાતામાં બે વર્ષમાં થયેલા નવ કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારને પગલે પોલીસને શંકા ગઈ હતી. ઊંડાણપૂર્વની તપાસમાં આરોપીએ સોના સામે લોન લીધી હોવાનું જણાયું હતું.
કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કુલદીપ રામચંદ્ર સહાની (35) તરીકે થઈ હતી. ગોરેગામ પૂર્વના સંતોષનગર વિસ્તારમાં રહેતો સહાની બે વર્ષ અગાઉ ખાનગી બૅન્કની કાંદિવલીની શાખાનો ડેપ્યુટી મૅનેજર હતો. સત્તાનો દુરુપયોગ કરી આરોપીએ અન્ય કોઈ ખાતાધારકના બૅન્ક લૉકરમાંથી તફડંચી કરી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીના આંબાવાડીમાં રહેતા ફરિયાદી પ્રદીપ ભાટિયા (74) છેલ્લાં 52 વર્ષથી પરિવાર સાથે દુબઈમાં સ્થાયી થયા છે. જોકે કાંદિવલીમાં પણ ફ્લૅટ હોવાથી તે સમયાંતરે મુંબઈ આવતા રહે છે.
ફરિયાદ અનુસાર માર્ચ, 2024માં ફરિયાદીએ અંદાજે 81.80 લાખ રૂપિયાના સોનાના દાગીના ખાનગી બૅન્કની કાંદિવલી પશ્ર્ચિમમાં આવેલી શાખાના લૉકરમાં રાખ્યા હતા. તે સમયે આરોપી કુલદીપ સહાની ડેપ્યુટી મૅનેજરે પદે કાર્યરત હતો. દાગીના લૉકરમાં રાખીને ફરિયાદી દુબઈ જતા રહ્યા હતા. બે વર્ષ પછી ફરિયાદી મુંબઈ પાછા ફર્યા ત્યારે દાગીના લેવા બૅન્કમાં ગયા હતા. બૅન્ક લૉકર ખોલતાં તેમાંના દાગીના ગુમ હોવાનું જણાયું હતું. પરિણામે ભાટિયાએ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણ સોનકવડેએ તપાસ માટે પોલીસ સ્ટેશનના સાયબર સેલના એપીઆઈ દીપક કાદબાનેની નિયુક્તિ કરી હતી. ચોરી બે વર્ષ દરમિયાન થઈ હોવાથી સીસીટીવી ફૂટેજ તેમ જ અન્ય ટેક્નિકલ પુરાવા મળવા મુશ્કેલ હતા. પરિણામે પોલીસે બૅન્કના સ્ટાફ અને લૉકર આપવાની પ્રક્રિયાની માહિતી મેળવી હતી. એ સિવાય લૉકર રૂમ સુધી જઈ શકે એવા અધિકારીઓના બૅન્ક ખાતાની વિગતો તપાસવામાં આવી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીને આરોપી સહાનીએ લૉકર ઉપલબ્ધ કરાવી આપ્યું હતું. સહાનીના બૅન્ક ખાતાની વિગતો તપાસતાં છેલ્લાં બે વર્ષમાં નવ કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર થયા હોવાનું જણાયું હતું. આમાંથી મોટા ભાગનાં નાણાંની લેવડદેવડ ગૉલ્ડ લોન આપનારી કંપની સાથે થઈ હતી. પોલીસે એ કંપનીઓમાં પણ સહાનીના રેકૉર્ડ વિશે તપાસ કરી હતી. તપાસ બાદ સહાની પરની પોલીસની શંકા વધુ દૃઢ બની હતી.
તાબામાં લઈ સહાનીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જ લૉકરમાંથી દાગીના કાઢ્યા હોવાનું જણાયું હતું. દાગીના સામે તેણે લોન લીધી હતી, પરંતુ લોનની ચુકવણી તેણે કરી નહોતી. પોલીસે ફરિયાદીનું સોનું જપ્ત કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં આરોપીના કોઈ સાથીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.