Thu Jul 23 2026

Logo

વલસાડમાં જળપ્રલય! ઉંમરગામમાં 24 કલાકમાં 35 ઇંચ ખાબક્યો; સમગ્ર દક્ષિણ ગુજરાત પાણી પાણી

2026-07-23 19:40:59
Author: Devayat Khatana
Article Image

અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ, જનજીવન પર ભારે અસર

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમા ખાસ કરીને જળબંબાકાર છવાયો છે. ખાસ કરીને વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓને વરસાદે ધમરોળી નાખ્યા છે. સૌથી વધારે વરસાદ વલસાડમાં થયો હતો અને વલસાડના ઉંમરગામમાં રેકોર્ડ તૂટ્યો હતો.

અહીં માત્ર 24 કલાકમાં 35 ઇંચ વરસાદ ખાબકી પડતા ગામ આખું બેટમાં ફેરવાયું હતું. નવસારી, વાપી, સુરતમાં પણ ભારે વરસાદે જનજીવન પર અસર કરી હતી. જ્યારે અમદાવાદમાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી સતત અનરાધાર વરસાદ વરસ્યો હતો. વડોદરા, તાપી, છોડા ઉદેપુર સહિત ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. 

મળતા અહેવાલો અનુસાર ઉંમરગામમાં 28 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો છે. વહાનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને વાપી તથા આસપાસના વિસ્તારોમાં 200થી વધુ કારો પાણીમાં ગરકાવ થઈ હોવાના વીડિયો વાયરલ થયા હતા.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, ગુરુવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી, જેમાં ખાસ કરીને નવસારી અને સુરત જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ 16.85 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારીના જ ખેરગામ તાલુકામાં પણ 16.69 ઇંચ વરસાદ નોંધાયો હતો.  નવસારી બાદ સુરત અને વલસાડ જિલ્લામાં પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડા 15.75 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 14.37 ઇંચ વરસાદ નોંધાયો હતો. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પણ 13.35 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. આ સિવાય ડાંગ જિલ્લાના વઘઈમાં 12.99 ઇંચ અને ખેડાના મહેમદાવાદમાં 12.87 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો.  

આ યાદી મુજબ રાજ્યના કુલ 207 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના 15 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. નવસારીના ગણદેવીમાં 12.68 ઇંચ, પારડીમાં 11.5 ઇંચ, નેત્રંગમાં 10.83 ઇંચ, નાનાપોંઢામાં 10.59 ઇંચ, વલસાડમાં 10.35 ઇંચ, માતરમાં 10.31 ઇંચ અને માંડલમાં 10.2 ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરની વાત કરીએ તો ત્યાં પણ 5.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો. 

રાજ્યમાં સારા વરસાદને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,26,968 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67.94 ટકા જેટલો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ 419.42 ફૂટે પહોંચી છે, જેમાં 15,738 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને નદીમાં 630.38  ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.  બીજી તરફ, રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,40,647  એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 43.14 ટકા જેટલો છે.

રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોની સ્થિતિ જોઈએ તો, સારો વરસાદ થવાથી ૧૦ જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 22 છે, જ્યારે ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે ૨૩ ડેમ અને ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે 49 ડેમ ભરાયેલા છે. જોકે, હજુ પણ 102 ડેમ એવા છે જેમાં પાણીનો સંગ્રહ ૨૫ ટકાથી નીચે છે. જળાશયોમાં જળસ્તર વધતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ચેતવણીઓ પણ જારી કરવામાં આવી છે, જેમાં હાલમાં 15 ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 ડેમો માટે 'એલર્ટ' અને 13 ડેમો માટે 'વોર્નિંગ' આપવામાં આવી છે.

ગુજરાતના રાહત કમિશનર ગૌરવ મકવાણાએ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિમાં તંત્રની સજ્જતા અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. અગમચેતીના ભાગરૂપે સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપતા કહ્યું હતું કે, વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અગમચેતીના પગલારૂપે ગઈકાલથી જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. સુરત, નવસારી અને વલસાડમાં મોટા પ્રમાણમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે. હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલું નથી, માત્ર તાપીમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો અહેવાલ હોવાનું કમિશનરે જણાવ્યું હતું.