ભુજના સરપટ નાકા પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી: કપાસના કુમળા પાકને ગરમ દરિયાઈ પવન દઝાડી રહ્યો છે
ભુજઃ નૈઋત્યના ચોમાસાના પ્રારંભથી જ સાર્વત્રિક મેઘવૃષ્ટિની કાગડોળે રાહ જોઈ રહેલા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં લોકોની મેઘતૃષ્ણા હજુ સુધી અધૂરી રહી છે, ત્યાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ ચિંતા વધારી દીધી છે. જિલ્લામાં કલાકના 35થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા વેગીલા વાયરાના કારણે સમગ્ર પંથકમાં જાણે 'ધૂળનો વરસાદ' વરસ્યો હોય તેવો ધૂંધળો માહોલ સર્જાયો છે. ભારે પવનના લીધે ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, નખત્રાણા અને મુંદરા સહિતના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઠેકઠેકાણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં વીજતંત્રને દોડધામ થઈ પડી હતી.
દરિયાકાંઠે પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક થવાની આશંકા
હવામાં ઊડતી રજકણોને કારણે વાહનચાલકો, રાહદારીઓ તેમજ ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ચોમાસુ પવનો તીવ્ર ગતિ પકડી રહ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી જિલ્લામાં પવનનું આ આક્રમક જોર યથાવત રહેશે અને પવનની ગતિ 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 60 કિલોમીટર થવાની આશંકા સેવાઈ રહી છે. તીવ્ર પવનના કારણે આકાશમાં બંધાતા વરસાદી વાદળો ઘડીભરમાં વિખેરાઈ જતા હોવાથી મેઘરાજાનું આગમન વધુ વિલંબમાં મુકાશે તેવી ચિંતા પશુપાલકો અને પ્રજાજનોમાં વ્યાપી ગઈ છે.
એક વિશાળ વૃક્ષ મૂળમાંથી રસ્તાની વચ્ચોવચ ધરાશાયી
આ તેજ પવનની વ્યાપક અસર જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેતી પર જોવા મળી રહી છે. જિલ્લા મથક ભુજના સરપટ નાકા પાસે બપોરના સમયે એક વિશાળ વૃક્ષ મૂળમાંથી રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ માર્ગ અવરોધાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ, રાંતડિયા અને રણકાંધીના ગામોમાં ધૂળની ડમરીઓ શાંત થવાનું નામ નથી લઈ રહી.
વરસાદ ના થતા કપાસના છોડનો વિકાસ અટકી ગયો
આ આબોહવાકીય પ્રતિકૂળતાની સૌથી માઠી અસર ખેતી પર પડી રહી છે. માંડવીની કાંઠાળપટ્ટીમાં હજારો હેક્ટરમાં વાવેતર થયેલા કપાસના કુમળા પાકને આ ગરમ દરિયાઈ પવન દઝાડી રહ્યો છે. જમીનમાં ક્ષાર ભભૂકવાના કારણે માત્ર બે-ત્રણ આંગળ જેટલા કપાસના છોડનો વિકાસ અટકી ગયો છે. વડીલો અને ખેતીવાડીના જાણકારોના મતે, સામાન્ય રીતે ચોમાસાને બોલાવતો કામાય સાઈડનો પવન ફૂંકાવાને બદલે દરિયાઈ પક્ષનો આ પવન વરસાદની આશા ધૂંધળી કરી રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે, તો વાવણી લાયક તૈયાર પડેલી જમીન અને ઊભો પાક બંને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)