Fri Sep 11 2026

Logo

કલોલ નજીક ધેંધુ ગામે યુવકની ગળું દબાવી હત્યા: લાશ કોથળામાં પૂરી દંપતી ફરાર, પોલીસે દબોચ્યા

2026-07-12 16:09:40
Author: Devayat Khatana
કલોલ નજીક ધેંધુ ગામે યુવકની ગળું દબાવી હત્યા: લાશ કોથળામાં પૂરી દંપતી ફરાર, પોલીસે દબોચ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

કલોલ
: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધેંધુ ગામે 20 વર્ષીય કોલેજીયન યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપી દંપતી, વિષ્ણુજી ઉર્ફે વાસુભાઈ ઠાકોર અને તેમના પત્ની હંસાબેને, યુવકને પોતાના ઘરે બોલાવી દુપટ્ટા અને તાર વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

મૃતક યુવકની ઓળખ હાર્દિક રમેશજી ઠાકોર તરીકે (20 વર્ષ) કરવામાં આવી છે. યુવકની હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને સફેદ કોથળામાં પેક કરી દંપતી પોતાના ઘરને તાળું મારી ફરાર થઈ ગયું હતું. જોકે, કલોલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી કરતા આ ફરાર આરોપી દંપતીની ધરપકડ કરી લીધી હતી.

મૃતક હાર્દિક માણસાની એસ.ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને શનિવારે સવારે તેણે પિતા રમેશજીને ફોન પર છેલ્લી વાત કરી હતી. ત્યાર પછી તેનો ફોન સ્વિચ ઓફ આવતા અને ઘરે માત્ર તેનું એક્ટિવા જ જોવા મળતા પરિવારે ચિંતાતુર બની શોધખોળ શરૂ કરી હતી. 

બપોરના સમયે ગામના જ એક વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવતા હાર્દિકના પિતા આરોપી વિષ્ણુજીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા બંધ ઘરમાંથી સફેદ કોથળામાં પેક કરેલી હાલતમાં હાર્દિકની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને શાંત ગણાતા ધેંધુ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પોલીસ સૂત્રોની માહિતી મુજબ આ ક્રૂર હત્યા પાછળ બ્લેકમેઈલિંગ કાંડ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે દંપતીએ કાવતરું રચી યુવકને ઘરે બોલાવી ટૂંપો આપ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ  તપાસ હાથ ધરી હતી.