Sun Jul 12 2026

Logo

જામનગરના સિક્કામાં "મેં બીજા લગ્ન કરી લીધા છે" કહી પતિએ પોલીસ સ્ટેશન બહાર જ આપ્યા ત્રિપલ તલાક

2026-07-12 17:54:00
Author: Devayat Khatana
Article Image

સિક્કા: જામનગર જિલ્લાના સિક્કા ગામમાં એક મુસ્લિમ મહિલાને તેના પતિ દ્વારા રૂબરૂમાં "ત્રિપલ તલાક" આપવાની ગંભીર ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. 23 વર્ષીય હીનાબેનના લગ્ન ડિસેમ્બર 2020માં ખંભાળિયાના સલાયા ગામના હસન હમીદભાઈ ભાયા સાથે થયા હતા. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના ત્રણ વર્ષ સુધી બંને વચ્ચે સંબંધો સારા રહ્યા હતા, પરંતુ બીજી દીકરીના જન્મ બાદ પતિ હસન અવારનવાર નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. પતિને પડોશમાં રહેતી મુસ્કાન નામની છોકરી સાથે પ્રેમ થઈ જતા તે હીનાબેનને મારઝૂડ પણ કરતો હતો.

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, 25 જાન્યુઆરી 2026ના રોજ હસન તેની પ્રેમિકા મુસ્કાન સાથે ભાગી ગયો હતો અને ત્યારબાદ બંનેએ નિકાહ કરી લીધા હતા. ફરિયાદી મહિલા પોતાની બે નાની દીકરીઓ સાથે પિયર સિક્કા પરત ફર્યા બાદ, ગત 26  ફેબ્રુઆરી 2026ના રોજ અગાઉ કરેલી અરજીના કામે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. તે જ દિવસે તેંઓ પતિ અને પ્રેમિકા પણ સામાવાળા તરીકે પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશનની બહાર દરવાજા પાસે હસને મહિલાને જઈને કહ્યું કે "મેં બીજા લગ્ન કરી લીધા છે અને હું તને તલાક આપું છું, મને તારી જરૂર નથી". આટલું કહીને હસને "તલાક તલાક તલાક" એમ ત્રણ વખત કહીને મુસ્લિમ ધર્મના નિયમ મુજબ તલાક આપી દીધા હતા.

મહિલાએ સામાજિક રીતે સમાધાન થવાની આશાએ ફરિયાદ કરવામાં થોડો સમય લીધો હતો, પરંતુ સાસરિયા પક્ષ કે પતિ તરફથી તેમને કે તેમની દીકરીઓને કોઈ સાચવતું ન હોવાથી અંતે તેમણે પોલીસ મથકે ન્યાય માટે ધા નાખી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ જુદી જુદી કલમો તેમજ ત્રિપલ તલાક અને ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.