ભાવનગરઃ ગુજરાતમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને એક મોટી સફળતા મળી છે. ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બુધેલ ગામ પાસેના ખાર વિસ્તારમાંથી રૂ. ૪,૩૦,૬૦,૦૦૦ની કિંમતનું ૪ કિલો ૩૦૬ ગ્રામ પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ (સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે ચાર શખ્સની અટકાયત કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કરમટા અને તેમની ટીમે ભાવનગર નજીક ના બુધેલ ગામે આવેલ બ્લ્યુ સ્કાય સોસાયટી પાસે રેઇડ કરી હતી. ત્યાંથી ઇમરાન પરમાર, સાજીદખાન પઠાણ, ફૈજાન મધરા અને સબ્બીર સૈયદ નામના ચાર શખ્સોને અલગ-અલગ સાઇઝના સફેદ-ક્રીમ ગોલ્ડન બ્રાઉન રંગના ઘન પદાર્થના ટુકડાઓ સાથે ઝડપી લેવાયા હતા. ફોરેસ્ટ વિભાગ અને એફએસએલ અધિકારીઓ દ્વારા તપાસ કરાતા આ જથ્થો કિંમતી એમ્બરગ્રીસ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે એમ્બરગ્રીસ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૪,૩૧,૬૦,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ભાવનગરના જ અભિષેક રાઠોડ અને ભરત નામના બે શખ્સોએ કમિશનની લાલચ આપીને આ જથ્થો સાચવવા માટે આપ્યો હતો. આ ચારેય શખ્સો જ્યારે ગ્રાહક શોધવાની પેરવીમાં હતા ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ (વન્યજીવ સંરક્ષણ ધારો) મુજબ સ્પર્મ વ્હેલ શેડ્યુઅલ-૧માં આવતી હોવાથી તેને સર્વોચ્ચ કાયદાકીય રક્ષણ છે. એમ્બરગ્રીસનો ઉપયોગ કિંમતી પરફ્યુમ અને સુગંધિત તેલોમાં થતો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં હોય છે. હાલ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વિપુલ હિરાણી