નવી દિલ્હીઃ જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ વોટ્સએપ પર સેવ કરતા હો અથવા કોઈ સંબંધીની ટિકિટ બુક કરીને વોટ્સએપ પર મોકલી હોય તો તમારા માટે આ સમાચાર મહત્ત્વના છે. ભારતીય રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે રેલ વન એપ્લિકેશનથી બુક કરેલી અનરિઝર્વ્ડ ડિજિટલ ટિકિટની ફક્ત વોટ્સએપ મેસેજ, સ્ક્રીનશોટ, ફોટો અથવા પીડીએફ માન્ય ગણાશે નહીં અને ટિકિટ ચેકિંગ વખતે તમે વોટ્સએપ ટિકિટ બતાવી તો એ માન્ય ગણાશે નહીં અને સંબંધિત પ્રવાસી સામે કાર્યવાહી કરવામાં આવશે.
રેલવે અનરિઝર્વ્ડ ટિકિટને લઈ સૌથી મોટો નિયમ બનાવ્યો છે. નવા નિયમ અનુસાર પ્રવાસીઓ પોતાની ઓનલાઈન ટિકિટ બુકિંગને વોટ્સએપ પર મંગાવી અથવા સ્ક્રીનશોટ લઈને ટ્રાવેલ કરી શકશો નહીં. જોકે, રેલવેના આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે.
જો તમે પણ ટ્રેનના જનરલ ડબ્બામાં સફર કરવા માટે વોટ્સએપ પર મંગાવવામાં આવેલી ટિકિટ કે સ્ક્રીનશોટનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ ચેકિંગ વખતે ફક્ત રેલ વન એપ પર દેખાતી ઓરિજિનલ ડિજિટલ ટિકિટ જ માન્ય થશે. બાકી કોઈ પણ પ્રકારના સ્ક્રીનશોટ, ફોટો, પીડીએફ નકલ કે વૉટ્સએપ પર મોકલવામાં આવેલી ટિકિટ કાયદેસર માનવામાં આવશે નહીં અને આમ કરવાનું પણ દંડ થઈ શકે છે. રેલવેના આ નિયમ અંગે સોશિયલ મીડિયા પર અનેક સવાલ કરતા પૂછ્યું હતું કે ડિજિટલની વાતો કરનારી રેલવે અત્યારે શા માટે પીછેહઠ કરી રહી છે.
રેલવેના નવા નિયમો પ્રમાણે ડિજિટલ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ ટિકિટ ફક્ત બુક થયેલા તે મોબાઈલ પર જ માન્ય ગણાશે. આ સાથે જ પ્રવાસીઓને ટ્રેનના સ્ટેશનથી છૂટ્યા પહેલા જ આ ડિજિટલ ટિકિટ ખરીદવી પડશે. ટ્રેન ચાલ્યા બાદ કરાયેલી કોઈ પણ બુકિંગ અમાન્ય ગણાશે. આ સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું છે, જયારે હાલમાં જ એક પ્રવાસીને મૂળ ડિજિટલ ટિકિટની જગ્યાએ વોટ્સએપ સ્ક્રીનશોટ બતાવવા પર દંડ થયો હતો.
સોશિયલ મીડિયા પર આપી જાણકારી
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ઝોન (South East Central Railway)એ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, 'રેલ વન એપથી બુક કરેલી અનરિઝર્વ્ડ ટિકિટ ફક્ત એ જ રજિસ્ટર્ડ મોબાઈલ પર માન્ય ગણવામાં આવશે, જેના મારફત ટિકિટ બુક કરવામાં આવી હતી. મુસાફરી દરમિયાન તે મોબાઈલ સાથે એક ફોટોની ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત છે. વોટ્સએપ, સ્ક્રીનશોટ અને અન્ય માધ્યમોથી પ્રાપ્ત ટિકિટોને પ્રવાસની મંજૂરી આપવામાં આવશે નહીં.
નવા નિયમ પર લોકો ભડક્યાં
રેલવે વિભાગના આ નવા નિયમથી લોકોમાં રોષ ફેલાયો હતો. જોકે, લોકોનું માનવું છે કે આ નિયમથી સૌથી વધુ મુશ્કેલી વૃદ્ધોને અને મહિલાઓને થશે, જે પોતે એપ્લિકેશન ચલાવવાનું જાણતા નથી અને પોતાના પરિવારના સભ્યો દ્વારા ટિકિટ બુક કરાવે છે.
એક યુઝરે લખ્યું કે, 'નિયમ એવા બનાવો જેનો સૌ કોઈ ઉપયોગ કરી શકે. વૃદ્ધોને રેલ વન કે યૂટીએસ એપ ચલાવતા આવડતું નથી. શું તમે એમના વિષે ક્યારેય વિચાર્યું છે? આ વ્યવસ્થા નથી પણ એક આફત છે. અન્ય એક યુઝરે લખ્યું કે જો ટીટીએ આઈડી પ્રુફ ચેક કરે તો શું ટિકિટ માન્ય ગણાશે?'