Sun Jul 12 2026

Logo

પ્રિન્સ યાદવને ઇંગ્લૅન્ડમાં જ રહેવાની સૂચના, બિશ્નોઈને ઝિમ્બાબ્વે મોકલવામાં આવશે...જાણો, શું છે કારણ

Birmingham   2026-07-12 17:42:05
Author: Ajay Motiwala
Article Image

બર્મિંગમ (ઇંગ્લૅન્ડ): યુવાન પેસ બોલર હર્ષિત રાણા અને ટી-20ના વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી સાથળની પાછળના ભાગમાં ઈજાને કારણે અચોક્કસ મુદત માટે નહીં રમી શકે જેને કારણે ભારતની આગામી બે સિરીઝ માટેની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

પેસ બોલર પ્રિન્સ યાદવને ઇંગ્લૅન્ડમાં જ રહેવાનું ભારતીય ટીમ મૅનેજમેન્ટે કહ્યું છે, જ્યારે સ્પિનર રવિ બિશ્નોઈને કહેવામાં આવ્યું છે કે તારે ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાનું છે.

મંગળવાર, 14મી જુલાઈએ અહીં બર્મિંગમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે અને રોહિત શર્મા તથા વિરાટ કોહલી સહિતની એ શ્રેણી માટેની ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ હતો. જોકે તે હવે ઈજા થઈ હોવાથી બેંગ્લૂરુની સેન્ટર ઑફ એક્સેલન્સમાં સારવાર અને રિહૅબિલિટેશન માટે થોડા દિવસ રહેશે અને વન-ડે શ્રેણીમાં તેના સ્થાને પ્રિન્સ યાદવ (Prince yadav) રમશે.

આ ટીમના બીજા પેસ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રારનો સમાવેશ છે. હર્ષિત રાણા માર્ચના ટી-20 વર્લ્ડ કપમાં સાથળની પાછળના ભાગની જ ઈજાને કારણે નહોતો રમી શક્યો અને તેના સ્થાને મોહમ્મદ સિરાજને રમવા મળ્યું હતું. આઇપીએલમાં પણ હર્ષિતને આ ઈજા નડી હતી.

આ વન-ડે શ્રેણી બાદ ભારત પોતાની ટી-20 ટીમને હરારે મોકલશે જ્યાં ત્રણ મૅચની ટી-20 સિરીઝ રમાશે અને એ માટેની ભારતીય ટીમમાંથી ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તીની બાદબાકી થતાં રવિ બિશ્નોઈને તેના સ્થાને ટીમમાં સમાવાયો છે. જોકે ચોથી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં બિશ્નોઈ (Bishnoi)નો પર્ફોર્મન્સ જરાય સારો નહોતો. તેને ચાર ઓવરમાં 60 રનમાં એકેય વિકેટ નહોતી મળી. તેણે ત્રણ બૅક-ફૂટ નો બૉલ ફેંક્યા હતા. તેની ચોથી ઓવરમાં 29 રન બન્યા હતા.

ભારતની કઈ ટીમમાં કોણ?

ઇંગ્લૅન્ડ સામેની ભારતની વન-ડે ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર અને પ્રિન્સ યાદવ.

ઝિમ્બાબ્વે સામેની ટી-20 ટીમઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિન્કુ સિંહ, હર્ષ દુબે, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ અને રવિ બિશ્નોઈ.