Sun Jul 12 2026

Logo

કચ્છમાં પંચાયત કૌભાંડ ગાજ્યું: આડેસરના પૂર્વ તલાટી-સરપંચોની રૂપિયા 77 લાખની ઉચાપતનો મામલો ગરમાયો

2026-07-12 12:25:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ કચ્છના વાગડ પંથકના રાપર તાલુકાના આડેસર ગામમાં વર્ષ 2016-17થી 2022-23 દરમિયાન ફરજ બજાવી ગયેલા પૂર્વ તલાટીઓ અને તત્કાલીન સરપંચો દ્વારા આચરવામાં આવેલી રૂપિયા 77 લાખથી વધુની નાણાકીય ઉચાપતના પ્રકરણમાં દોષિતો સામે આકરાં પગલાં ભરવા માટે છેક રાજ્યના વિજિલન્સ કમિશનર કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક અરજદાર રમણિક કોટકે વિજિલન્સ કમિશનરને પાઠવેલા એક પત્રમાં ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું છે કે, ઉક્ત સમયગાળા દરમિયાન આડેસર ગ્રામ પંચાયતમાં ફરજ પર રહેલા તલાટી-કમ-મંત્રીઓએ સત્તાનો દુરુપયોગ કરીને તત્સમયના સરપંચો સાથે મિલીભગત રચી હતી અને પંચાયતના ભંડોળમાંથી રૂપિયા 77 લાખથી વધુની રકમની સરકારી ઉચાપત કરી હતી.

કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ

આ કૌભાંડ સામે આવ્યા બાદ તત્કાલીન કચ્છ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે તપાસ કરાવીને સંબંધિત તલાટીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા, તેમજ તેમની સામે તાકીદે શિક્ષાત્મક પગલાં ભરવા માટે જિલ્લા પંચાયતની મહેકમ શાખાને લેખિત સૂચના પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યના વિકાસ કમિશનરે પણ આ નાણાકીય ગેરરીતિને અત્યંત ગંભીર ગણાવીને વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ જારી કર્યો હતો.

અરજદારે પત્રમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ઉચ્ચ અધિકારીઓના સ્પષ્ટ આદેશો હોવા છતાં, વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે પંચાયતના આ ભ્રષ્ટ પૂર્વ તલાટીઓ વિરુદ્ધ હજુ સુધી કોઈ નક્કર કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, સરકારી નાણાંની ઉચાપત કરનારા આવા તત્ત્વો સામે વિલંબ વગર વહેલી તકે કડક શિક્ષાત્મક પગલાં ભરી દાખલો બેસાડવામાં આવે તેવી માંગ અદાલતી સ્તરે કરાઈ છે.

(ઉત્સવ વૈદ્ય)