Sat Jun 27 2026

Logo

મામલો રફેદફે કરવા લાંચ માગનારા સિનિયર ઈન્સ્પેક્ટર અને સબ-ઈન્સ્પેક્ટરની ધરપકડ

2026-02-19 17:55:52
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
છેતરપિંડી અને જાતીય શોષણની બબ્બે ફરિયાદોને રફેદફે કરી દેવા માટે બે લાખ રૂપિયા લીધા પછી વધુ એક લાખ રૂપિયાની કથિત લાંચ માગવાના કેસમાં એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અને સબ-ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.

એસીબીએ બુધવારે છટકું ગોઠવીને સિનિયર ઈન્સ્પેક્ટર સંજીવ બળીરામ તાવડે અને સબ-ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્ર્વર ગોવિંદરાવ જુન્નેને પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા બન્ને અધિકારીને કોર્ટે 23 ફેબ્રુઆરી સુધીની એસીબી કસ્ટડી ફટકારી હતી.

આ પ્રકરણે 35 વર્ષના વકીલે 18 ફેબ્રુઆરીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી વિરુદ્ધ એક શખસે કુરાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી ત્યારે 22 જાન્યુઆરીએ ફરિયાદીના વ્યંડળ ભાઈએ ફરિયાદી વિરુદ્ધ જાતીય શોષણની ઔપચારિક ફરિયાદ કરી હતી.

ફરિયાદી સંબંધે કાર્યવાહી ન કરવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાંથી બે લાખ રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા. બાકીના એક લાખ રૂપિયા આપે તો બન્ને મામલાની પતાવટ કરવાની તૈયારી આરોપીએ દાખવી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

દરમિયાન ફરિયાદીને વધુ લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબી દ્વારા ફરિયાદની ખાતરી કરવામાં આવ્યા પછી બુધવારે પોલીસ સ્ટેશન ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા સ્વીકારનારા સબ-ઈન્સ્પેક્ટરને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.

તેણે આપેલી માહિતી પરથી વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે એસીબીએ અધિકારીની કૅબિનમાં તપાસ કરતાં છ લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ પ્રકરણે એસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.