આજે આટલું જ - શોભિત દેસાઈ
`અરે યાર તમે તો કવિતા ઈ.ની કોલમ લખો છો કે ધારાવાહિક નવલકથા?' `તમને આવી રીતે અમારી ઈન્તઝારીનું પરીક્ષણ કરવાનો હક કોણે આપ્યો.?' `હું એટલે જ ગુજરાતી કોલમો કોઈ દી વાંચતી જ નથ ને! અમથે અમથા મીઠું મરચું ભભરાવે જ રાખે અને આખું અઠવાડિયું આપણું તો બગડે કે આવતા રવિવારે વરી (વળી) સું આવશે ને કીયો બૉંબ ફૂટસે.' આવા ફોન/મેસેજ આવ્યા કે નહીં એ મહત્ત્વનું નથી પણ આપણે એક હળવી ફૂલ, મૂળ તો કવિતા-વિલાસની કોલમ દ્વારા આવું ઐશ્વર્ય ઊભું કરી શક્યા એનો અનહદ આનંદ અને અણુને ઘણુ તરીકે મૂકવાની ક્ષમા.
તુકારાથી શરૂ કરીએ તો શું કરવા બેઠો છે આ ખાન? જે કામ કરવાનું છે સિસ્ટમે પ્રજા માટે એ કામ એ પોતે એકલપંડે એકલે હાથે કરવા બેઠો છે... બેઠો છે સામાન્ય રીતે અને આશ્ચર્યજનક આઘાતના પ્રશ્નાર્થ સાથે એમ બન્ને રીતે વાંચવું. મશીનની કિમ્મત સોળ કરોડ કાવડિયા અને ચેકઅપ રૂપિયા પચાસમાં, બ્લડ ટેસ્ટ રૂા. 7/-, ઈસીજી રૂા. 25/-, એક્સ રે રૂા. 35/- અલ્ટ્રાસાઉન્ડ રૂા. 800!! ડાયાલિસીસ સાવ મફત અને આરોગ્યની ક્રાંતિ રૂા. 200માં કોચિંગની શૈક્ષણિક ક્રાંતિ બાદ... કૈં અંદાજ ખરો શિક્ષણ અને સ્વાસ્થ્યના માફિયાઓને ભોંય ભેગા કરવા ખાનની માને કેટલા શેર સૂંઠ ખાવી પડી હશે?! કેન્સરના દર્દીની ફી પણ રૂા. 50. તમે કહેશો: શું બેવકૂફ જેવી વાત કરે છે? આજે 22મી ફેબ્રુઆરીએ `મરીઝ'ની વર્ષગાંઠે ફરી ગયું છે? અને તમને ના કહીને પટના જઈ આ દરેક વાતનો ખુલાસાવાર સંતોષ મેળવવાનું સૂચન કરતાં મારી છલકાઈ જતી આંખોનું જળ સાચવતા પારાવાર પ્રસન્નતા વ્યાપી રહી છે. ખાનની ખ્વાહીશ એક જ કે કોઈ પણ મા બહેનનું ઘરેણું ક્યારેય ન વેચવું. માંકડ મચ્છરથી ભરેલી સુહાગ રાતની પથારીને આ માણસ સંપૂર્ણ જંતુમુક્ત કરી મશરુની તળાઈ બનાવી રહ્યો છે. સાવ અકિંચન, ગરીબાઈની આખરી હદમાં સબડતા ભારતવાસીઓ માટે આવું ગિલ્ટ વગરનું, આપવાની કળા જાણવામાં પારંગત જીવન જીવતો આવો કોઈ વીરલો જ ટેલિવિઝનના અને અન્ય વેચાઈ ગયેલા પત્રકારો વિષે આવું વિધાન કરી શકે; આ બધા એવા પત્રકારો છે કે જો તમારે આમની જાન લેવી હોય તો તમે ઝેર લઈ નેતાઓના પગને તળિયે લગાડી દો. સવારે ચાટવા આવશે તળિયા અને બચાડા મરી જશે. રક્ષાબંધનના દિવસે ખાનને 15000થી વધુ રાખડી બંધાય છે અને એમાંની એક માગે છે કે મારા બાપાને કેન્સરના ઈલાજમાં મદદ કરો ને મારા ભૈયા! ત્યારે ભાઈ બોલ્યા કે તને તો મદદ કરીશ જ. પણ તું ઠીક નિમિત્ત થઈ. બિહારના દરેક જિલ્લામાં આવનારાં વર્ષોમાં હું જરૂર એક એક કેન્સર હોસ્પિટલ શરૂ કરીશ. ગરીબ, લાચાર હવે કેન્સરથી મરશે નહીં- કેન્સરથી લડશે. અરે હજી તો બહુ મોટી વાત તો હવે આવે છે કે ખાન એવી બાંહેધરી આપે છે કે જ્યાં સુધી કરી શકું ત્યાં સુધી હું એક એવી જડબેસલાક સિસ્ટમ આવતા વધુમાં વધુ ત્રણથી પાંચ વરસમાં મૂકું છું જેમાં દરેક નારીને ધંધાકીય આવડત વિકસાવવાથી માંડીને કોઈ પણ પ્રકારના ભણતરમાં પૂરેપૂરી મદદ મળી રહે જેથી એના મા-બાપને એક પણ રૂપિયાના દહેજની ચિંતા ન કરવી પડે. (ગુજરાતીમાં કશેક એક શબ્દ વાંચ્યો હતો `પુરુષ સમોવડી') આ બધું વાંચતી વખતે જેટલું રસાળ અને પથ્ય લાગે છે, એને અમલમાં મૂકવું એટલું જ જોખમ ભરેલું છે. જાનનું જોખમ પણ. પણ જે, જાનને છાતીની પાછળથી ડિસમેન્ટલ કરીને હાથમાં રાખીને ફરતા હોય એને માટે તો ક્યાં કશું ય અશક્ય છે? નેપોલિયન તો બોલ્યો'તો, ખાને તો કાઢીને બતાવ્યો છે અશક્ય નામનો શબ્દ. જરા ડિક્શનરી ચેક કરશો?!
સીર્ફ હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં
મેરી કોશિશ હૈ કી યે સુરત બદલની ચાહીયે
દુષ્યન્ત કુમાર
પ્રજા ભૂલી જ ગઈ છે સવાલો પૂછવાનું. એટલી અદોદળી થઈ ગઈ છે બેઠાડુ જીવન જીવતી પ્રજા મફત રાશન મેળવીને કે કોશિયાજન કે જે આ આખી વ્યવસ્થાના ખરા માલિક છે એ વાત જ ભૂલી ગયા છે. પોતાની અંગત રસપૂર્તિ માટે રાષ્ટ્ર બાનમાં લઈ લેતા જ્યોર્જ ફર્નાન્ડિઝો, દત્તા સામંતો વગેરેની રેલવે હડતાલ- મિલ હડતાલની તારાજીઓના સાક્ષી રહ્યા છીએ અમે ભર યુવાનીમાં. શિવાજી પાર્કમાં દેવ આનંદના નેતૃત્વમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગાંધી-શુકલ-લાલ ઈત્યાદી દ્વારા રહેંસાઈ જવામાંથી બચવા માટે એક થતાં જોઈ છે અમે. જેપીની હાકલ પર આખા દેશે 32 વર્ષનાં અહંકારી શાસનને લોખંડી હથેળીની થપાટ મારી પદભ્રષ્ટ કર્યું'તું એય અમે જોયું છે. આજે જ્યારે એક પણ કરંડિયો બગડેલી કેરી વગરનો નીકળતો જ નથી ત્યારે કોઈક જે પી કે કોઈક મોદી કે કોઈક મહાત્મા ગાંધીની રાહ ભારતવાસી જોઈ રહ્યો છે જે આવે અને પ્રજાને સવાલો પૂછવાની પ્રેરણા અને દમ આપે. દીવાસળી પૂરતી છે અશુભને બાળવાની આગ પેટાવવા- ખાન જેવા બીજા કોઈ છે? હશે? મળે? જો ખ્યાલમાં હોય તો જરા જણાવજો મને. મારે એને લઈને ખાન પાસે જવું છે અને કહેવું છે: `ખાનસર'! આ ભાઈને તમે સાથે રાખો તો કેવું?!'
સત્તા માટે, ખાસ કરીને બિહારની સત્તા માટે મોટા ઉપદ્રવ બની ગયેલા ખાનને લોકો ખાનસર કહીને બોલાવે છે. આમ તો સાવ છોકરડાપણું માંડ હમણાં પૂરું કર્યું હશે એવો એક માણસ છે ખાનસર. પણ હે મારા પરમપ્રિય વાચક! ધાર કે હું ઈંગ્લેંડની 1900ની આસપાસની સત્તા હોઉં તો હું એને ઈલ્કાબ આપું-
સર ખાનસર
રમે છે ખૂબ નિર્દયતાથી માનવજાતની સાથે
ત્વચાના રંગ તું ગોરા અને કાળા બનાવીને
આજે આટલું જ...