Thu Mar 12 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ જમાતની સત્તા હોત તો બાંગ્લાદેશ પાકિસ્તાનમાં ભળી ગયું હોત

3 weeks ago
Author: Baharat Bhardwaj
Article Image

ભરત ભારદ્વાજ

બાંગ્લાદેશમાં તારિક અનવરની સરકારની મંગળવારે શપથવિધિ થવાની છે ત્યારે બીજી તરફ તારિકની બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ની મુખ્ય હરીફ જમાત-એ-ઈસ્લામીએ 32 બેઠકો પર ફરી મતગણતરીની માગ કરી છે. આ તમામ બેઠકો પર જમાત જીતી જાય તો પણ કોઈ ફરક પડવાનો નથી પણ જમાત ચૂંટણીમાં ગયેલી આબરૂ બચાવવા માટે આ હવાતિયાં કરી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેની આર્મી, જાસૂસી સંસ્થાઓ અને કટ્ટરવાદીઓના ટેકા છતાં જીતી ના શકેલી જમાત પોતે ચૂંટણીમાં ગરબડના કારણે હારી ગઈ એવું સ્થાપિત કરવા ફાંફાં મારી રહી છે. 

જમાતનાં આ હવાતિયાંથી ભારત સરકાર ખુશ છે ને લોકો પણ ખુશ છે કેમ કે જમાતે ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર છોડી નહોતી. સત્તામાં આવશે તો ભારત વિરોધી વલણ અપનાવવાની જાહેરાત જમાતે કરી હતી. આ કારણે જમાતની હારથી ભારતીયો ખુશ થાય એ સ્વાભાવિક છે પણ જમાતનો ઈતિહાસ મોટા ભાગનાં ભારતીયોને ખબર નથી તેથી જમાત સત્તામાં આવે તો ભારતને કેવું નુકસાન કરી શકે તેનો અંદાજ નથી. આ અંદાજ મેળવવા જમાતનો ઈતિહાસ જાણવો જરૂરી છે.

જમાત-એ-ઇસ્લામીની શરૂઆત એક ઇસ્લામિક ચળવળ તરીકે થઈ હતી. 1941માં બ્રિટિશ ભારતમાં પત્રકાર સૈયદ અબુલ અલા મૌદુદીએ મુસ્લિમ બ્રધરહુડથી પ્રેરિત થઈને જમાતની સ્થાપના કરી હતી. જમાતનો ઉદ્દેશ ભારતીય ઉપખંડમાં ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણેનું શાસન સ્થાપવાનો છે. ભાગલા પછી, મૌદુદી પાકિસ્તાનમાં જતા રહ્યા અને જમાત જમાત-એ-ઇસ્લામી પાકિસ્તાન અને જમાત-એ-ઇસ્લામી હિંદ એમ બે બે અલગ અલગ સંગઠનોમાં વિભાજિત થઈ ગઈ.  

જમાત-એ-ઇસ્લામી હિંદની સ્થાપના એપ્રિલ 1948માં અલ્હાબાદમાં કરાઈ હતી. આઝાદ ભારતમાં અલગ સંગઠન બન્યું હોવાથી તેને સત્તાવાર રીતે જમાત-એ-ઇસ્લામી હિંદ નામ અપાયું. ભારતમાં જમાતની પહેલી બેઠકમાં 240 સભ્યો હાજર હતા અને મૌલાના અબુલ લૈસ નદવી અમીર એટલે કે નેતા ચૂંટાયા હતા. પહેલાં જમાતનું મુખ્ય મથક લખનઊના મલીહાબાદમાં હતું. 1949માં રામપુર ખસેડાયું અને 1960માં નવી દિલ્હી ખસેડવામાં આવ્યું.

જમાત-એ-ઇસ્લામી હિંદ હજુ ભારતમાં સક્રિય છે જ પણ ભારતમાં તેનો કોઈ પ્રભાવ નથી. ભારતમાં મુસ્લિમોની વસતી 20 કરોડની આસપાસ છે પણ જમાતનો તેમાં કોઈ પ્રભાવ નથી. સૈયદ સદતુલ્લાહ હુસૈની જમાતના પ્રમુખ છે. હુસૈની કટ્ટરવાદી નથી ને ટીપિક મુસ્લિમ કટ્ટરવાદી નેતાઓની જેમ બકવાસ નથી કરતા. બલકે મુસ્લિમ મહિલાઓને સમાન અધિકારો સહિતના ઉદાર વિચારો ધરાવે છે પણ મુસ્લિમ સમાજના બહુમતી વર્ગને તેમના વિશે ખબર જ નથી. 

જમાતના સક્રિય સભ્યોની સંખ્યા 12 હજારની આસપાસ છે એ જોતાં ભારતના 0.1 ટકા મુસ્લિમો પણ જમાતને ટેકો નથી આપતા એ સ્પષ્ટ છે. જમાતે 2011માં વેલ્ફેર પાર્ટી ઓફ ઈન્ડિયા બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું પણ સફળતા મળી નથી. હુસૈની હિંદુઓ સાથે સંવાદ અને હળીમળીને રહેવાના તરફદાર હોવાથી ભવિષ્યમાં રાજકીય રીતે એ કદાચ કાઠું કાઢી શકે પણ અત્યારે તો જમાત-એ-ઇસ્લામી હિંદનો કોઈ પ્રભાવ નથી એ સ્વીકારવું પડે.

ભારતના મુસ્લિમો સમજદાર છે તેથી ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા જેવા શેખચલ્લીના વિચારોને પોષતાં જમાત જેવાં સંગઠનો કે મુસ્લિમ લીગ જેવા પક્ષોની વાતોમાં નથી આવી જતાં પણ પાકિસ્તાનમાં અલગ સ્થિતિ છે. પાકિસ્તાન મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચાર સાથે જ સ્થપાયેલું તેથી સ્થાપના વખતથી જ જમાત-એ-ઇસ્લામીનો પ્રભાવ રહ્યો. પાકિસ્તાનમાં કટ્ટરવાદનો પ્રભાવ વધારવામાં જમાતનું યોગદાન મોટું છે.

જમાત આખા ભારતીય ઉપખંડને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનાં સપનાં જોતી તેથી બાંગ્લાદેશની આઝાદીની લડાઈ વખતે જમાત પાકિસ્તાન સરકારને પડખે હતી. બંગાળીઓને પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાના વારસાનું બહુ ગૌરવ છે જ્યારે જમાત તો ઈસ્લામને સર્વોપરિ માને છે તેથી જમાત અને બાંગ્લાભાષીએ પહેલેથી સામસામે હતા. મોટા ભાગના બંગાળીઓ પોતાની સંસ્કૃતિને ધર્મથી પર માનતા હોવાથી કટ્ટરવાદીઓ સાથે તેમના સંઘર્ષનો આરંભ થયો અને શેખ મુજીબુર રહેમાને બંગાળીઓના સંઘર્ષની આગેવાની લીધી ત્યારે જમાતે ખુલ્લેઆમ તેમની સામે મોરચો માંડેલો.

પશ્ચિમ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન)માં પંજાબી અને સિંધીઓની સત્તા હતી તેથી શાસકો બંગાળીઓના વિરોધને લશ્કરી તાકાતની મદદથી કચડવા મથ્યા કરતા હતા ને જમાતે તેમાં સાથ આપ્યો.  ભારત પૂર્વ પાકિસ્તાનના ક્રાન્તિકારીઓને મદદ કરતું હતું તેથી બંગાળી લોકોના આક્રોશને ડામવો પાકિસ્તાનની સરકાર માટે અશક્ય બની ગયો હતો. ભૂરાંટા થયેલા પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને બંગાળીઓની લડતને કચડી નાંખવા અત્યાચારો કરવા માંડ્યા. મુજીબુર રહેમાને પણ લોકોને પૂરી તાકાતથી લડી લેવાનું એલાન કરતાં બંગાળીઓ રસ્તા પર ઉતર્યા ને બાંગ્લાદેશમાં પ્રચંડ આંદોલન ઊભું થયું.

આ આંદોલનને કચડી નાંખવા 25 માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો. યાહ્યા ખાને બાંગ્લા પ્રજાના વિરોધને કચડી નાખવા લશ્કરને જે યોગ્ય લાગે તે કરવાની છૂટ આપી એટલે ટિક્કાખાને રઝાકાર નામે એક બિનસત્તાવાર સશ સંગઠન ઊભું કર્યું. જમાત સહિતનાં કટ્ટરવાદી સંગઠનોના કાર્યકરોની ભરતી કરીને તેમને હથિયાર અપાયાં અને બાંગ્લાભાષીઓ પર તૂટી પડવા છૂટો દોર અપાતાં બાંગ્લા પ્રજા પર બેફામ અત્યાચાર શરૂ થયા.

બાંગ્લાદેશની આઝાદીની ચળવળના સૌથી મોટા નેતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી મુજીબુરના સમર્થકોને ખતમ કરવા ઓપરેશન સર્ચલાઈટ શરૂ કરાયું તેમાં જમાત કેન્દ્રસ્થાને હતી. જમાતને હિંદુઓ સામે ખુન્નસ કાઢવા પાકિસ્તાન આર્મીએ છૂટ આપી તેનો  લાભ લઈને ઓપરેશન સર્ચલાઈટ દરમિયાન 30 લાખ બંગાળીઓની હત્યા કરાઈ હતી અને એક લાખથી વધુ ીઓ પર બળાત્કાર ગુજારાયા હતા એવું કહેવાય છે. તેમાંથી મોટા ભાગનાં હિદુ હતાં. જમાતના મોટા મોટા નેતા આ અત્યાચારોમાં સામેલ હતા.

જમાતે બાંગ્લાદેશની આઝાદીની લડાઈ વખતે પાકિસ્તાન આર્મીને સાથ આપતાં બાંગ્લાદેશના સર્જન પછી જમાત પર પ્રતિબંધ મૂકી દેવાયેલો કે જે 1978માં ઊઠ્યો પછી પહેલી વાર જમાત ચૂંટણી લડી શકી. નવા રાષ્ટ્રના સર્જન સાથે બાંગ્લાદેશમાં નવી જમાત અસ્તિત્વમાં આવી પણ તેનો પાકિસ્તાન પ્રેમ અને હિંદુઓ માટેની નફરત ના ગઈ તેથી બાંગ્લાદેશમાં પણ જમાતે કટ્ટરવાદને પોષવાનું જ કામ કર્યું છે. શેખ હસીના સત્તામાં આવ્યાં પછી 2013માં તેમણે ફરી જમાત પર પ્રતિબંધ મૂકી દીધેલો પણ હસીનાએ ભાગવું પડ્યું પછી આ પ્રતિબંધ 2024માં હટી ગયો તેથી આ વખતે જમાત ચૂંટણી લડી શકી.  

બાંગ્લાદેશમાં જમાતની સરકાર રચાઈ હોત તો બાંગ્લાદેશ ફરી પાકિસ્તાનમાં ભળી ગયું હોત એવું મનાય છે. જમાતનો ઈતિહાસ ભારત વિરોધી હોવાથી ભારત સામે બાંગ્લાદેશ વધારે આક્રમક બન્યું હોત ને ભારત સામે આતંકવાદનો વધુ એક મોરચો બાંગ્લાદેશની ધરતી પરથી ખૂલી ગયો હોત. ભારતમાં બાબરી ધ્વંસ પછી જમાતના નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી રમખાણો ભડકાવીને મોટા પાયે હિંદુઓની હત્યાઓ કરી હતી. જમાત એ પછી પણ સતત હિંદુઓને ટાર્ગેટ કર્યા કરે છે તેથી સત્તામાં આવી હોત તો હિંદુઓ પર સત્તાવાર રીતે જ અત્યાચારો શરૂ થઈ ગયા હોત.

બાંગ્લાદેશની સમજદારી બતાવીને જમાતના કટ્ટરવાદના બદલે તારિક રહેમાનના રાષ્ટ્રવાદને પસંદ કર્યો. રહેમાન ભલે ભારતના તરફદાર નથી પણ જમાતની જેમ હળાહળ ભારતવિરોધી પણ નથી તેથી ભારતને બાંગ્લાદેશની નવી સરકારથી ફાયદો ભલે નહીં થાય પણ રાહત તો થશે જ.