આઈપીએલ ચેરમૅનના નિવેદનોથી ક્રિકેટપ્રેમીઓમાં ખળભળાટ: કુલ 74ને બદલે 94 મૅચ રમાશે
નવી દિલ્હી: ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય અને ખેલાડીઓને દર વર્ષે કરોડો રૂપિયા અપાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને 2027ની સીઝન પછી વિસ્તારવાની સત્તાધીશોની યોજના તો છે જ, પણ આ ટૂર્નામેન્ટનો સમયગાળો બદલાવવાની (સપ્ટેમ્બર-ઓક્ટોબરનો કરવાની) અને શક્ય હોય તો ટૂર્નામેન્ટને વર્ષ દરમ્યાન બે તબક્કામાં વહેંચી દેવાની વિચારણા પણ ચાલી રહી છે, એવું કેટલાક અહેવાલો પરથી જાણવા મળ્યું છે.
મૅચની સંખ્યા કેટલી થશે?
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના નેજા હેઠળની આઈપીએલના ચેરમૅન અરુણ ધુમાલનું કહેવું છે કે એક સીઝનમાં કુલ મૅચની સંખ્યા 74થી વધારીને 94 કરવામાં આવશે કે જેથી 10માંથી દરેક ટીમ એકબીજા સામે પૂરી 18 લીગ મૅચ રમી શકે. દરેક ટીમ (હોમ એન્ડ અવે ફોર્મેટ અનુસાર) આ 18 લીગ મૅચમાંથી 9 મૅચ હોમ ગ્રાઉન્ડ પર અને નવ મૅચ હરીફ ટીમના મેદાન પર રમવાની રહેશે.

બ્રોડકાસ્ટર્સ ખુશ નથી
હાલમાં આઈપીએલની એક સીઝન 60થી 65 દિવસની હોય છે જેમાં પ્રત્યેક ટીમે 7-7 લીગ મૅચ રમવાની હોય છે. એમાં પણ અમુક ટીમો કેટલીક અન્ય ટીમ સામે રમી જ નથી શકતી અથવા તો એની સામે એક જ લીગ મૅચ રમી શકે છે. આ વર્તમાન ફોર્મેટથી બ્રોડકાસ્ટર્સ બહુ ખુશ નથી.
ધુમાલનું માનવું છે કે એક સીઝનની કુલ મૅચની સંખ્યા 74થી વધારીને 94 કરવામાં આવે તો દરેક ટીમ એક એકમેક સામે 9-9 મૅચ રમી શકે, આખી ટૂર્નામેન્ટમાં પૂરી સમતુલા જળવાઈ રહે અને બ્રોડકાસ્ટર્સ પણ વધુ રસ લેતા થાય.
મોટો સમયગાળો રાખવાનું કારણ
આઈપીએલ ચેરમૅનનું એવું પણ કહેવું છે કે મૅચની સંખ્યા 94 સુધી વધારવામાં આવે તો એ માટે વધુ મોટો સમયગાળો (બિગર વિન્ડો) ઉપલબ્ધ હોવો જોઈએ. હાલના બે મહિનાના સમયગાળામાં 94 મૅચને સમાવીએ તો વારંવાર ડબલ હેડર (એક દિવસમાં બે મૅચ) રાખવી પડે અને એ માટે બ્રોડકાસ્ટર્સ બહુ ઉત્સાહિત નથી. અમારે તેમનું અને ખેલાડીઓનું હિત પણ જોવું પડે.'
મોટો ફેરફાર શા માટે થશે?
આઈપીએલ વર્ષોથી (2008થી) માર્ચ-મે વચ્ચેના સમયગાળા (WINDOW)માં રમાતી આવી છે. કેટલાક અહેવાલો મુજબ આ સમયગાળામાં ખૂબ ગરમી પડતી હોવાથી (તેમ જ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી) ખેલાડીઓ ખૂબ થાકી જવાના અને ઈજાગ્રસ્ત થવાના બનાવો વધી ગયા છે. ગરમીને લીધે ખેલાડીઓ ડીહાઇડ્રેશનનો શિકાર થાય અને તેમને સ્નાયુઓ જકડાઈ જવાની સમસ્યા પણ નડે છે. આ બધું જોતાં આઈપીએલને (2027 બાદ દર વર્ષે) સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાખવાની અથવા ટૂર્નામેન્ટને (આંતરરાષ્ટ્રીય સમયપત્રક અને હવામાનને ધ્યાનમાં રાખીને) બે તબક્કામાં વહેંચી દેવાની વિચારણા પર પણ ચર્ચા ચાલી રહી છે. દર વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચેના પિરિયડમાં પણ આખી આઈપીએલ (IPL) રાખવાના સૂચન પર વિચારણા થઈ રહી છે. જાહેરખબરો આપતી કંપનીઓ અને એજન્સીઓ પણ સપ્ટેમ્બર-ઓક્ટોબરના સંભવિત સમયગાળાથી ખુશ હોવાનું જણાય છે, કારણકે તેમના મતે માર્ચ-મેની અસહ્ય ગરમી કરતાં દિવાળી પહેલાંનો સમયગાળો સારો. જોકે માર્ચ-મે દરમ્યાન બાળકોને સ્કૂલ-કૉલેજોમાં વેકેશન હોવાથી તેઓ આઈપીએલની મૅચો જોતા હોય છે એ પણ વિચારવા જેવો મુદ્દો છે.
આઇસીસી સાથે મંત્રણા
આ તમામ મુદ્દે આઇસીસી (ICC) તથા વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ સાથે બીસીસીઆઈની વાટાઘાટ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું.