Thu May 28 2026

Logo

રાજ્યના ત્રણેય નેતાઓ હજુ દિલ્હીમાં... ફડણવીસ, શિંદે, પવારના રોકાણ લંબાવવા પાછળનું કારણ શું?

2026-05-28 17:53:00
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે દિલ્હીમાં ધામા નાખ્યા છે. બુધવારે, તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમણે રાજ્યમાં ડુંગળી અને શેરડીના ખેડૂતોની સમસ્યાઓ અને અન્ય મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ  પ્રધાન, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન પણ હાજર હતા. ફડણવીસ સાથે કેબિનેટના ઘણા પ્રધાનો પણ દિલ્હીમાં છે, પરંતુ આ મુલાકાતમાં વિલંબથી ચર્ચાઓ શરૂ થઈ છે જ્યારે વિધાન પરિષદની ચૂંટણી માટે બેઠકોની ફાળવણીનો મુદ્દાનો હજી સુધી નિવેડો આવ્યો નથી. 

મહારાષ્ટ્ર સરકારનું શિર્ષ નેતૃત્વ બુધવારથી દિલ્હીમાં છે. ફડણવીસ, શિંદે અને પવાર સહિતના પ્રધાનો બુધવારે રાજ્યમાં ડુંગળીના ખેડૂતો અને શેરડીના ખેડૂતોના અસંતોષને દૂર કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ અમિત શાહને મળ્યા હતા. કેન્દ્ર સરકારે ઘણા મુદ્દાઓ પર રાજ્ય સરકારની વાત સાંભળી અને અનુકૂળ વલણ અપનાવવાની ખાતરી આપ્યા બાદ પણ આ નેતાઓ મુંબઈ પાછા ફર્યા નથી. એવું જાણવા મળ્યું છે કે દિલ્હીમાં તેમનું રોકાણ લંબાઈ ગયું છે. બેઠકોની ફાળવણીનો મુદ્દો પણ મુંબઈમાં જ ઉકેલાશે એવી જાહેરાત કરી દેવામાં આવી છે. તેથી આ નેતાઓ દિલ્હીમાં હવે કયા કારણોસર રોકાયા છે તે કારણ બહાર આવ્યું નથી. તેમના રોકાણનું કારણ હજુ પણ ખાનગી જ છે. 

દિલ્હીમાં રોકાણ લંબાવવાનું કારણ અલગ છે. ડુંગળીનો મુદ્દો, બેઠકોની ફાળવણી અન્ય મુદ્દાઓ છે. હું દિલ્હીમાં શું ચર્ચા થઈ તે વિશે વાત કરીશ નહીં, એમ પ્રધાન સંજય શિરસાટે જણાવ્યું હતું. શું દિલ્હીમાં રહેવાને કારણે રાજ્યમાં કશી ઉથલપાથલ જોવા મળશે? એવી અટકળો લગાવવામાં આવી રહી છે. નેતાઓ આ મુદ્દે ખુલ્લેઆમ બોલતા ન હોવાથી સસ્પેન્સ વધ્યું છે.

વિધાન પરિષદમાં 17 બેઠકો છે. દરેક પક્ષને લાગે છે કે તેમને વધુ બેઠકો મળવી જોઈએ. આ વિવાદ બહુ મોટો નથી. આજે સાંજ સુધીમાં આ વિવાદનો ઉકેલ આવી જશે. અમને કઈ બેઠકો મળી છે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રણેય પક્ષોના નેતાઓ જાહેરાત ન કરે ત્યાં સુધી અમને કઈ બેઠકો મળશે તેની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. શિંદે અમને કઈ બેઠકો મળશે તે અંગે વાત કરી રહ્યા છે. તેથી, શિંદે શું વાત કરી રહ્યા છે તે અંગે વાત કરવી આપણા માટે યોગ્ય નથી, એમ પણ શિરસાટે જણાવ્યું હતું. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્થાનિક સંસ્થાઓની વિધાન પરિષદમાં બેઠકોની ફાળવણીનો ફોર્મ્યુલા દિલ્હીમાં જ નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત ત્યાં અથવા મુંબઈમાં આવીને કરવામાં આવશે.

વિધાન પરિષદમાં બેઠકોની વહેંચણી ટૂંક સમયમાં: એકનાથ શિંદે

રાજ્યમાં વિધાન પરિષદની 17 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે અને બેઠકોના વિતરણને લઈને મહાયુતિમાં સર્જાયેલા વિવાદને કારણે આ ચૂંટણી ચર્ચાનો વિષય બની છે. એકનાથ શિંદેએ પણ આ અંગે પોતાનું વલણ વ્યક્ત કર્યું છે. ‘અમે બે દિવસથી દિલ્હીમાં છીએ. મહારાષ્ટ્રને લગતા વિવિધ મુદ્દાઓ પર અમારી બેઠકો થઈ હતી. આમાં રાજકીય મુદ્દાઓ પર કોઈ બેઠક યોજાઈ ન હતી. વિધાન પરિષદમાં બેઠકોની વહેંચણીની ચિંતા કરશો નહીં. ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 
મને નથી લાગતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ) વિધાન પરિષદની બધી જ 17 બેઠકો પર ચૂંટણી લડશે અને તેઓ લડશે તો પણ એકેય બેઠક જીતશે. મહાયુતિ બધી બેઠકો પર ચૂંટણી લડશે અને બધી 17 બેઠકો જીતી જશે,’ એવો વિશ્ર્વાસ એકનાથ શિંદેએ વ્યક્ત કર્યો હતો.

મહાયુતિમાં કઈ બેઠકો પર વિવાદ?

મહાયુતિમાં હજુ પણ નાશિક બેઠક સહિત ત્રણ મતવિસ્તારોમાં ખેંચતાણ છે જેમાં છત્રપતિ સંભાજીનગર અને પુણેનો પણ સમાવેશ થાય છે. મંગળવારે રાત્રે મળેલી મહાયુતિની સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે કોઈ ઉકેલ આવી શક્યો ન હતો. ભાજપે સંખ્યાત્મક તાકાતના આધારે નાશિક બેઠક પર દાવો કર્યો છે અને શિંદેની શિવસેના પણ નાશિક બેઠક પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ઉપરાંત, ભાજપે નાશિક બેઠક છોડવાના બદલામાં છત્રપતિ સંભાજીનગરની માગણી કરી છે. તેથી, આ સંદર્ભમાં શું ઉકેલ આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.