હૈદરાબાદના કોચ કહે છે, ‘વૈભવને અંકુશમાં રાખવા અમારા બોલર્સ પાસે બીજા વિકલ્પો જ નહોતા'
ન્યૂ ચંડીગઢઃ રાજસ્થાનના `રૉયલ' ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બુધવારે અહીં એવી ધમાકેદાર બૅટિંગ કરી કે હરીફ ખેલાડીઓ તેમ જ સ્ટેડિયમમાં બેઠેલા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફી પ્રેક્ષકો પણ તેના પર આફરીન હતા અને હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીની માલિક કાવ્યા મારન (Kavya Maran) પણ એમાં અપવાદ નહોતી. 15 વર્ષના વૈભવે બાર સિક્સર અને પાંચ ફોરની મદદથી 97 રન બનાવ્યા હતા. તેની આ તૂફાની ઇનિંગ્સની મદદથી રાજસ્થાને પાંચ વિકેટે 243 રન કર્યા હતા અને હૈદરાબાદની ટીમ 196 રન બનાવી શકતા 47 રનથી પરાસ્ત થઈ હતી.

મૅચ બાદ ખુદ કાવ્યા મારન પહોંચી ગઈ હતી વૈભવ સૂર્યવંશી પાસે અને તેની સાથે હાથ મિલાવીને તેને શાનદાર ઇનિંગ્સ બદલ અભિનંદન આપ્યા હતા. આ ક્ષણોના વીડિયો અને ફોટા સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.
હૈદરાબાદની ટીમના સહાયક કોચ જેમ્સ ફ્રૅન્કલિન પણ વૈભવ (Vaibhav)ની ફટકાબાજીથી પ્રભાવિત થયા હતા. ફ્રૅન્કલિને મૅચ પછી ઇનામ વિતરણ સમારોહમાં કહ્યું, `મેં આ પહેલાં આવી ટૅલન્ટ કદી નહોતી જોઈ. હું તો શું, કોઈએ પણ આવી ટૅલન્ટ આ પહેલાં નહીં જોઈ હોય. તે જે રીતે રમી રહ્યો છે એ માનવામાં નથી આવતું. વિચારો કે હજી તે પચીસ વર્ષ રમી શકે એમ છે. તે પોતાની કરીઅરની વધુ સારી અને મજબૂત બનાવશે.'

હૈદરાબાદની ટીમના અસિસ્ટન્ટ કોચ ફ્રૅન્કલિને એવું પણ કહ્યું કે `અમારા બોલર્સ પાસે વૈભવને અંકુશમાં રાખવા બીજા વિકલ્પ જ નહોતા. અમારા બોલર્સે તેને જે પ્રકારના બૉલ ફેંક્યા એને તેણે જલદી પારખી લીધા હતા. તેણે અમારું પ્લાનિંગ બહુ જલદી સમજી લીધું અને અમારા બોલર્સ પર માનસિક દબાણ લાવવાની શરૂઆત કરી દીધી હતી. આ તો ગજબનો ટૅલન્ટ ખેલાડી છે.'
Dominant with the bat 🔥
— IndianPremierLeague (@IPL) May 27, 2026
Clinical with the ball 👌@rajasthanroyals will next play for a place in the #Final 🩷
Scorecard ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/ltlBLaZ4Y0
વૈભવે બુધવારે કયા વિક્રમ રચ્યા?
(1) એક સીઝનમાં અનકૅપ્ટ (આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોય એવો) ખેલાડીના સૌથી વધુ રનઃ 680 રન
(2) એક આઇપીએલ સીઝનમાં સૌથી વધુ સિક્સરઃ 65 છગ્ગા (ગેઇલનો 59 સિક્સરનો રેકૉર્ડ તોડ્યો)
(3) આઇપીએલના ઇતિહાસમાં 200-પ્લસના સ્ટ્રાઇક રેટથી 600થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી
(4) આઇપીએલની પ્લે-ઑફ/નૉકઆઉટ મૅચમાં સૌથી વધુ સિક્સરઃ 12 છગ્ગા
(5) સૌથી ઓછા બૉલમાં 10 છગ્ગા ફટકારવાનો રેકૉર્ડઃ 24 બૉલમાં
(6) આઇપીએલ મૅચમાં પાવરપ્લેની પહેલી છ ઓવરમાં સૌથી વધુ સિક્સરઃ આઠ છગ્ગા
(7) પ્લે-ઑફ સુધીની મૅચોમાં કુલ રનમાં સૌથી વધુ છગ્ગા-ચોગ્ગાઃ 680 રનમાંથી 610 રન 65 છગ્ગા અને પંચાવન ચોગ્ગાની મદદથી બનાવ્યા