Thu May 28 2026

Logo

આવી હિટિંગ તો હું પણ નહોતો કરતોઃ વૈભવ પર સેહવાગ આફરીન

2026-05-28 18:22:10
Author: Ajay Motiwala
Article Image

મોહમ્મદ કૈફે કહ્યું, `સૂર્યવંશીએ પોતાની પહેલી જ ફુલ સીઝનમાં ગેઇલનો હાઇએસ્ટ 59 સિક્સરનો રેકૉર્ડ તોડી નાખ્યો'

નવી દિલ્હીઃ રાજસ્થાન રૉયલ્સના 15 વર્ષની ઉંમરના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર્સની ખબર લઈ નાખી અને 29 બૉલમાં બાર છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 97 રન બનાવીને રાજસ્થાનને ક્વૉલિફાયર-ટૂમાં પહોંચાડવામાં સૌથી મોટું યોગદાન આપ્યું એને પગલે તેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે અને એમાં ભારતના સૌથી વિસ્ફોટક બૅટ્સમૅન ગણાતા વીરેન્દર સેહવાગનો પણ સમાવેશ છે. વીરુદાદાએ આકાશ ચોપડાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, `વૈભવની જે બૅટ-લિફ્ટ છે એ તેને બીજાથી અલગ પાડે છે.'

સેહવાગે ભારપૂર્વક કહ્યું, `મારી દૃષ્ટિએ વૈભવ અગે્રસિવ નહીં, પણ ખતરનાક બૅટ્સમૅન છે. આવું તો હું પણ નહોતો રમતો. આ તો મારાથી પણ બે ડગલાં આગળ છે. તેને આઉટ થવાનો ડર નથી. મજાક-મજાકમાં બોલ્યો હતો કે હું બુમરાહના બૉલમાં સિક્સર ફટકારીશ અને તેણે તેના પહેલા જ બૉલમાં છગ્ગો મારી બતાવ્યો. આવું બોલીને કોણ ફટકાબાજી કરે! આવું તો પહેલી જ વખત જોયું. આવું મેં ક્યારેય નહોતું કર્યું.'

વીરુએ બીજી એક મુલાકાતમાં વૈભવની પ્રશંસામાં એવું પણ કહ્યું, `કમાલ કા હૈ યે લડકા. ઐસા નહીં હૈ કિ બચ્ચેં બોલિંગ કર રહે હૈ. બચ્ચા ખેલ રહા હૈ...બોલર તો સબ સિનિયર ઔર ટૉપ ઇન્ટરનૅશનલ બોલર હૈ.'

વૈભવના કોણે-કોણે વખાણ કર્યા?

સચિન તેન્ડુલકરઃ વૈભવ સૂર્યવંશીનું બૅટ સ્વિંગ અસાધારણ છે. વધુ દર્શનીય બાબત એ છે કે તે ખૂબ સહજતાપૂર્વક ફ્રન્ટ ફૂટ પર આવે છે, પોતાના પગની આસપાસ બૉલ ક્યાં પડે છે એ જુએ છે અને પળવારમાં ફટકો મારી દે છે. તે ક્રીઝમાં આ રીતે જે છૂટ લે છે એનાથી તે ઇચ્છે ત્યાં બૉલને મોકલી શકે છે. તેની ઇનિંગ્સ અદ્ભુત હતી.

યુવરાજ સિંહઃ વૈભવની ઇનિંગ્સ અકલ્પનીય હતી. બૉસ બૅબીએ વર્લ્ડ બૉસના રેકૉર્ડ તોડ્યા. આ છોકરાની ગેમ જોઈને મજા પડી જાય છે.

સુરેશ રૈનાઃ આ ટૂર્નામેન્ટમાં વૈભવે જે કર્યું છે એને બિરદાવવા માટે શબ્દકોશમાં પૂરતા શબ્દો જ નથી. વૉટ એ પ્લેયર. આ છોકરો કમાલનું રમે છે. લોકો તેની બૅટિંગ જોવા આતુર હોય છે એ જ બતાવે છે કે ભારતીય ક્રિકેટનું ભાવિ સલામત હાથોમાં છે.

અનિલ કુંબલેઃ વૈભવે આખી આઇપીએલ સીઝનમાં પુરવાર કર્યું છે કે તે કોઈ પણ પ્રકારના માનસિક દબાણમાં આવતો જ નથી. કોઈ પણ પ્રેશરની તેના પર વિપરીત અસર થતી જ નથી.

ઇયાન બિશપઃ વૈભવની આ પહેલી જ પ્લે-ઑફ મૅચ હતી અને એમાં તે ફરી એક વખત સ્પેશ્યલ ઇનિંગ્સ રમ્યો. તે દુર્લભ કહી શકાય એવા શૉટ રમે છે.

મોહમ્મદ કૈફઃ અત્યારે આપણે બધા ચમત્કાર જોઈ રહ્યા છીએ. વૈભવ સૂર્યવંશીના હાથે આપણે ચમત્કારિક પર્ફોર્મન્સ જોઈ રહ્યા છીએ. આ છે ભારતનો ભાવિ સિતારો. કમાલ તો એ છે કે વૈભવે પોતાની પહેલી જ ફુલ આઇપીએલ સીઝનમાં ક્રિસ ગેઇલનો એક સીઝનનો હાઇએસ્ટ 59 સિક્સરનો રેકૉર્ડ તોડી નાખ્યો. તે હજી માંડ 15 વર્ષનો છે હરીફ ખેલાડીઓ, ટીમોના માલિકો, અને સમગ્ર ક્રિકેટ જગત તેની પ્રશંસા કરે છે.

કેવિન પીટરસનઃ સૂર્યવંશી માનવામાં ન આવે એવું રમી રહ્યો છે. અરે, શું સિક્સર ફટકારે છે. પેલા કવર પરથી ફટકારેલા છગ્ગાની તો વાત જ શું કરવી!

માઇકલ વૉનઃ વૈભવ ટી-20 વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે. ભારતે તેને વહેલાસર ટીમમાં સમાવવો જ જોઈએ.

એબી ડિવિલિયર્સઃ માની ગયા...સૂર્યવંશી જે રીતે મગજને શાંત રાખીને અને સ્પષ્ટ વિચારસરણીથી બૅટિંગ કરે છે એ જોવાની મજા પડી જાય છે. તે હજી માંડ 15 વર્ષનો છે અને (પ્લે-ઑફ જેવા) પ્રેશરમાં કમાલનું રમે છે! પૅટ કમિન્સે વિવિધ પ્લાન અજમાવ્યા હતા, સતતપણે ફીલ્ડિંગમાં ફેરફાર કરતો હતો અને વૈભવનું રિધમ બગાડવા બૉલની લેન્ગ્થ બદલતો રહેતો હતો, પણ કોઈ જ ફાયદો ન થયો અને વૈભવ 97 રનની લાંબી ઇનિંગ્સમાં પોતાની જ રીતે રમતો રહ્યો હતો. આટલી નાની ઉંમરના ખેલાડીમાં નૉકઆઉટ મૅચ વિશે જે જાગરૂકતા છે એ કમાલ કહેવાય.

વસીમ અકરમ અને પાકિસ્તાની મીડિયા પણ ફિદા

પાકિસ્તાનનું મીડિયા અને ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ પણ વૈભવ પર આફરીન છે. પાકિસ્તાની ચૅનલના એક ઍન્કરે કહ્યું, `વાહ બબલુ મિયાં...વૈભવ, તમે ખરેખર મિસ્ટર યુનિવર્સ છો. એ 97 રન પછીની સિક્સર જવી જ જોઈતી હતી. તેની સેન્ચુરી પૂરી થવી જોઈતી હતી. દુનિયામાં આવનારા સમયમાં આ ખેલાડી રાજ કરશે. વૈભવે રાજસ્થાન માટે ઇદને યાદગાર બનાવી દીધી અને હૈદરાબાદની ઊંઘ હરામ કરી.'
ભૂતપૂર્વ ઑલરાઉન્ડર વસીમ અકરમે કહ્યું, `વૈભવનો એ કમ્પ્લીટ પર્ફોર્મન્સ હતો. કમાલનું સ્ટાર્ટ કરે છે અને ઇનિંગ્સને આગળ વધારે છે. તે કોઈ પણ પિચ પર આવું રમી શકે.'

એક પાકિસ્તાની ચૅનલ પર મીડિયામૅને કહ્યું, `ખૂબી તો એ વાતની છે કે તે 97 રન પહોંચી ગયો હતો અને સદીથી ત્રણ જ ડગલાં દૂર હતો છતાં તેણે વધુ એક સિક્સર ફટકારવાની કોશિશ કરી. તે 93 રન પર આઉટ થાય છે કે 97 રન પર, એની જરાય ચિંતા નથી કરતો. ઈસ્ટ ઑર વેસ્ટ, સૂર્યવંશી ઇઝ બેસ્ટ.'

એક પાકિસ્તાની ક્રિકેટપ્રેમીએ ટીવી ચૅનલને કહ્યું, `સૂર્યવંશી બહુ જલદી ક્રિસ ગેઇલનો અણનમ 175 રનનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખશે.'

હું ભવિષ્યમાં સેન્ચુરીઓ ફટકારીશઃ મૅચ પછી વૈભવે હર્ષા ભોગલેને આવું કહ્યું

બુધવારે હૈદરાબાદ સામેના રાજસ્થાનના વિજય બાદ ઍન્કર હર્ષા ભોગલેએ પૂછ્યું કે `બાઉન્ડરી તમારા માટે ટૂંકી હતી? 100 રન બનાવવાનો વિચાર કર્યો જ હતો?' વૈભવ જવાબ આપતાં પહેલાં હસી પડ્યો અને બોલ્યો, `નહીં સર, (28 બૉલમાં 97 રન બનાવ્યા પછી 29મા બૉલ વિશે) હું એવું કંઈ વિચારીને નહોતો રમ્યો. હું શૉટ હું ફીલ્ડરને જોઈને રમ્યો હતો એટલે શૉટ મિસ થઈ ગયો. થર્ડ મૅન તરફ જ રમ્યો હોત તો ક્લિયર થઈ જાત, પણ હું સામે મારવા ગયો એટલે મિસ થઈ ગયો. હું બોલર વિશે બહુ વિચારતો જ નથી. મારી ગેમ રમવાનો જ પ્રયત્ન કરું છું.

બોલરનો કેવી રીતે સામનો કરવો એટલું જ વિચારીને બાઉન્ડરી લાઇન કેટલી દૂર છે એ મનમાં યાદ કરી રાખું છું અને ફટકો મારી દઉં છું. હું જ્યારે મારા ઇરાદાની ઝલક બતાવી દઉં ત્યારે બોલર પ્રેશરમાં આવી જાય છે. હું ભવિષ્યમાં સેન્ચુરીઓ ફટકારીશ, પણ ટીમ માટે બને એટલા વધુ રન કેવી રીતે કરી શકું એના પર જ મારું ફૉકસ હશે. હું મારી યોજના વિચારી લેતો હોઉં છું અને એમાં જો કોઈ ખામી લાગે તો સુધારો કરી લઉં છું.'