ન્યૂ ચંડીગઢઃ ક્રિકેટમાં ભારતનો ઊભરતો સિતારો વૈભવ સૂર્યવંશી આવનારા વર્ષોમાં અનેક વિક્રમો પોતાના નામે કરશે તેમ જ કેટલાક નવા રેકૉર્ડ પણ રચશે એમાં બેમત ન હોઈ શકે એ સંજોગોમાં કેટલાક વિચારતા હશે કે જ્યાં દિગ્ગજોને તેમ જ ફૉર્મમાં ન હોય એવા ખેલાડીઓને એક સીઝન રમવાના કરોડો રૂપિયા મળતા હોય છે એવામાં વૈભવ (Vaibhav) 1.10 કરોડ રૂપિયામાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના હાથમાં કઈ રીતે આવ્યો? આના જવાબમાં પહેલાં તો એટલું જ કહેવાનું કે આઇપીએલમાં વૈભવનો પ્રવેશ ખૂબ રોચક સ્થિતિમાં થયો હતો.
વૈભવ 13 વર્ષનો હતો ત્યારે 2025ની સીઝન પહેલાંની હરાજી (AUCTION)માં રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીએ તેને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ સીઝનમાં 35 બૉલમાં ભારતીયોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ રચવા સહિત તે કેટલીક રોમાંચક ઇનિંગ્સ રમ્યો હતો. એ ઑક્શનમાં તેના પર બોલી લાગી હતી ત્યારે દિલ્હી કૅપિટલ્સની ટીમમાં પણ તે જઈ શકે એમ હતો. બન્ને ટીમ વચ્ચે હરીફાઈ જામી હતી, તેના પરની બોલી વધતી ગઈ હતી અને કુલ 16 બોલી બોલાઈ હતી, પણ દિલ્હીએ તેને ન ખરીદ્યો અને રાજસ્થાન મેદાન મારી ગયું હતું. હરાજીમાં તેને સિલેક્ટ કરનારા રાજસ્થાનની ફ્રેન્ચાઇઝીના મેમ્બર્સમાં હેડ-કોચ કુમાર સંગકારા પણ હતો.
Good morning from this cutu and his team that have made it to Q2 💗 pic.twitter.com/gutXfkewxf
— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2026
2025ની સીઝનમાં આપણને વૈભવની પ્રતિભાની થોડી ઝલક જોવા મળી હતી અને હવે 2026માં તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તેને બૅટિંગ કરતો જોઈને ઘણા વિચારતા હશે કે અગાઉ આવો હાર્ડ-હિટર કદી જોયો નથી. બુધવારે તેણે ન્યૂ ચંડીગઢમાં હૈદરાબાદ સામેની એલિમિનેટરમાં 28 બૉલમાં બાર સિક્સર અને પાંચ ફોરની મદદથી 97 રન કર્યા હતા અને 29મા બૉલ પર આઉટ થઈ ગયો હતો. માત્ર ત્રણ રન માટે તે આઇપીએલમાં 30 બૉલની ક્રિસ ગેઇલની સેન્ચુરીનો વિક્રમ ચૂકી ગયો હતો. જોકે ગેઇલનો એક આઇપીએલ સીઝનમાં સૌથી વધુ 59 સિક્સર ફટકારવાનો વિક્રમ વૈભવ બુધવારે તોડી નાખ્યો હતો. આ વખતની આઇપીએલમાં વૈભવના નામે 65 છગ્ગા છે.
આઇપીએલ-2026ની 15 મૅચમાં 65 છગ્ગા અને પંચાવન ચોગ્ગાની મદદથી 680 રન બનાવનાર વૈભવે હિટિંગ અને રેકૉર્ડની જાણે પરિભાષા જ બદલી નાખી છે. તે કોઈ પણ બોલરને નથી છોડતો. જસપ્રીત બુમરાહ જેવા હાલના સૌથી ડેન્જરસ ફાસ્ટ બોલર સામે તે પહેલી જ વખત રમ્યો ત્યારે તેના પહેલા જ બૉલમાં તેણે સિક્સર ફટકારી દીધી હતી. બુધવારે તેણે પૅટ કમિન્સની બોલિંગની ધુલાઈ કરી નાખી હતી. ટૂંકમાં, તેની સામે ભલભલો મોટો બોલર નાનો લાગે છે. હવે તો ક્રિકેટપ્રેમીઓ વૈભવની મૅચ ક્યારે છે એ તપાસવાનું ચૂકતા નથી.