Wed Sep 09 2026

Logo

અંધશ્રદ્ધાએ હદ વટાવી! સાબરકાંઠામાં ડાકણના વહેમમાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનું મોત

2026-05-28 21:15:34
Author: Vimal Prajapati
અંધશ્રદ્ધાએ હદ વટાવી! સાબરકાંઠામાં ડાકણના વહેમમાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

સાબરકાંઠાઃ 21મી સદીમાં પણ સમાજમાં અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા ઉતરેલા છે તેનો વધુ એક કાળજું કંપાવી દેતો કિસ્સો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. વિજયનગરના ગાડી ગામમાં એક મહિલા ‘ડાકણ’ હોવાના વહેમ રાખીને 12 લોકોના ટોળાએ એક પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન પત્નીને બચાવવા વચ્ચે પડેલા આધેડ પતિને ટોળાએ ખેતરમાં ઢસડી જઈ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, ત્યાર પછી મહિલા અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

12 આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો

આ સનસનાટીભરી ઘટનાને પગલે ચીઠોડા પોલીસે 12 આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે. વિજયનગર વિસ્તારના ગાડી ગામમાં રહેતી એક પરિણીતા ડાકણ હોવાની અંધશ્રદ્ધા રાખીને ગામના જ 12 લોકોનું ટોળું લાકડીઓ અને કુહાડી જેવા ધારદાર હથિયારો સાથે ધસી આવ્યું હતું. 

ટોળાએ મહિલા પર હુમલો કરતા જ અરેરાટી વ્યાપી ગઈ હતી. આ સમયે મહિલાના આધેડ પતિ પોતાની પત્નીને બચાવવા માટે જીવના જોખમે વચ્ચે પડ્યા હતા. જો કે, અંધશ્રદ્ધામાં અંધ બનેલા આ ટોળાએ દયા રાખવાને બદલે આધેડને પકડી લીધા હતા અને તેમને ઢસડીને નજીકના ખેતરમાં લઈને માર માર્યો હતો. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ દમ તોડ્યો

આ દરમિયાન માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં આધેડ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી મહિલા અને અન્ય બે લોકોને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે