Thu May 28 2026

Logo

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતીની બ્લુપ્રિન્ટ તૈયાર, હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાનો માર્ગ મોકળો

Tehran   2026-05-27 19:47:22
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા નાકાબંધી હટાવશે અને ઈરાન જળમાર્ગ ખોલશે; ટ્રમ્પની નવી શરતથી સાઉદી અરેબિયા નારાજ

તેહરાનઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે દરરોજ નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. હવે અમેરિકા ઈરાનના યાર્ડની નાકાબંધી ખતમ કરવા માટે તૈયાર થયો છે. આ સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. અમેરિકા ઈરાને લગાવેલી નાકાબંધીને હટાવી દેશે, એના બદલે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો જળમાર્ગ ખોલી દેશે. આ દાવો ઈરાન સરકારના માધ્યમે કર્યો છે. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં આ અંગે વાત કરવામાં આવી છે. 

બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે

ઈરાન સરકારની ટીવી ચેનલના રિપોર્ટ અનુસાર એમની પાસે અમેરિકા સાથે MoU માટેની એક રૂપરેખા અને વિષયો તૈયાર છે. તેહરાને અમેરિકા સાથેનું યુદ્ધ ખતમ કરવા માટે ખાસ MoUના પ્રારંભિક વિષયો, મુદ્દાઓની બ્લુપ્રિન્ટ મળી ચૂકી છે. આ રૂપરેખા અંતર્ગત ઈરાન એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાંથી કમર્શિયલ જહાજની અવરજવરને મંજૂરી આપી દેશે. જ્યારે અમેરિકા ઈરાનની આસપાસથી પોતાની સૈન્ય ટુકડીઓને દૂર કરી નૌસૈનિક દ્વારા કરાયેલી નાકાબંધીને પણ દૂર કરી દેશે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રાફ્ટમાં યુદ્ધ જહાજોની તૈનાતીમાં કોઈ ફેરફારનો સમાવેશ થતો નથી.આ સિવાય ઈરાન દ્વારા ઓમાન સાથે મળી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજના એન્ટ્રી-એક્ઝિટ ઑપરેશનનો મુદ્દો એવો છે જેના પર હાલમાં કોઈ પણ પ્રકારે સહમતી બની નથી. વગર કોઈ પુષ્ટિએ તેહરાન કોઈ પ્રકારનું અણધાર્યું પગલું નહીં ભરે.

60 દિવસમાં થશે સમજૂતી

જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે એમાં 60 દિવસની અંદર અંતિમ સમજૂતી થશે. એ પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અંતર્ગત એક પ્રસ્તાવ તરીકે મંજૂરી આપી શકે છે. એટલે કે એક સમજૂતીને બન્ને દેશે માનવી પડશે. અમેરિકા અને ઈરાન વચ્ચે આ સમજૂતી કરાર ફેબ્રુઆરી બાદ નક્કી થયેલા છે, જે એક પરોક્ષ વાતચીતનું મોટું પરિણામ છે.

પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી તથા મધ્યસ્થી મુદ્દે પ્રત્યક્ષ વાતચીત માટે વાત કરી હતી. પણ આ મધ્યસ્થી નિષ્ફળ સાબિત થતા વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની ફજેતી થઈ હતી.ઈરાન સામે યુદ્ધવિરામને લઈને બન્ને દેશોએ પોત-પોતાની રીતે મુદ્દાઓ તૈયાર કર્યા છે. આ માહોલ વચ્ચે હવે અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે તિરાડ પડી છે. 

સાઉદી સહમત નથી

ડૉનાલ્ડ ટ્રમ્પની નવી રણનીતિને કારણે સાઉદી અરેબિયા સામે ડખો થયો છે. તારીખ 25 મેના રોજ, ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો.તેમણે કહ્યું કે, ઈરાન સાથેના કોઈપણ શાંતિ કરારનો ભાગ બનવા માટે, મુસ્લિમ રાષ્ટ્રોએ સામૂહિક રીતે અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. 

ખાસ કરીને સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાનનું નામ લેતા, ટ્રમ્પે ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનું આહ્વાન કર્યું.ટ્રમ્પની આ અપીલ સાથે સાઉદી અરેબિયા સહમત નથી. થોડા કલાકો પછી, રિયાધે સંકેત આપ્યો કે સાઉદી અરેબિયાનું લાંબા સમયથી ચાલતું વલણ યથાવત રાખે છે. 

સાઉદી અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના માટે "સ્પષ્ટ માર્ગ" વ્યાખ્યાયિત ન થાય ત્યાં સુધી ઇઝરાયલ સાથે સામાન્ય સંબંધો શક્ય નથી. યુદ્ધ બાદ મિડલ ઈસ્ટની રાજનીતિ પહેલા જેવી રહી નથી.

નારાજગી વ્યક્ત કરી

2020માં જ્યારે અબ્રાહમ અકોર્ડસ થયા હતા એ સમયે અખાતી દેશોએ ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કર્યા હતા પણ પછી સાઉદીએ ઈઝરાયલ સાથે સંબંધો સુધારવા માટે પ્રયાસ કર્યા. પણ પછી ગાઝા-હમાસના હુમલાએ સમગ્ર ગણિત બગાડી દીધું. એ પછી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ થયું.  એ પછી સાઉદી અને ઈઝરાયલ વચ્ચે સારા સંબંધો સ્થાપિત થયા નહીં. 

હાલમાં જે મિડલ ઈસ્ટની સ્થિતિ છે એ ધ્યાને લેતા સાઉદી અરેબિયા અમેરિકાના પ્રેશર થી કે બીજી કોઈ સ્થિતિથી ઈઝરાયલને લઈને કોઈ પગલું લેવા માગતો નથી. આ પહેલા તેમણે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની દખલગીરી મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી હતી.