નવી દિલ્હીઃ નીટ પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકારે પરીક્ષા પદ્ધતિને વધુ સુરક્ષિત બનાવવા માટે મોટું પગલું ભરી રહી છે. અહેવાલ મુજબ, ભવિષ્યમાં પ્રશ્નપત્રોની સુરક્ષા સેનાને હવાલે કરવામાં આવી શકે છે. પેપર લીક જેવી ઘટનાઓ રોકી શકાય અને પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે સરકાર આ પગલું ભરી શકે છે.
પરીક્ષાના પ્રશ્નોપત્રોની સુરક્ષાની જવાબદારી સેનાને સોંપવાનો પ્રસ્તાવ મળ્યો છે. સરકાર એના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પરીક્ષા જેવા સંવેદનશીલ દસ્તાવેજોને હવે સામાન્ય લોજિસ્ટિક સિસ્ટમના બદલે વધુ સુરક્ષિત અને સરકારી યંત્રણા મારફત સંભાળવામાં આવે. આ કામકાજ માટે સેના અથવા અર્ધલશ્કરી દળોને ભૂમિકા સોંપવાની શક્યતા છે, જેથી પેપર લીક જેવી ઘટનાને રોકી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કહેવાય છે કે પ્રસ્તાવિત યોજના અન્વયે પ્રશ્નોપત્રોના પ્રિન્ટિંગ, પેકિંગ અને વિતરણની પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે એની સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે પણ તેની દેખરેખ-સુરક્ષાની વ્યવસ્થા પણ સોંપી શકાય છે, પરંતુ હજુ સુધી નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આમ છતાં સરકાર એને ગંભીરતાથી વિચારી રહી છે.
મળતી વિગત પ્રમાણે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવાસસ્થાને નીટ પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શી બનાવવા માટે મહત્વની બેઠક થઈ હતી, જેમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સીબીએસઈ અને એનટીએના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોના દાવા મુજબ બેઠકમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ઓછી કરવા, પરીક્ષા પ્રક્રિયા ફૂલપ્રૂફ બનાવવા અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગરબડ રોકવા સહિત અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ દરમિયાન દિલ્હીની કોર્ટે મંગળવારે નીટ પેપર લીક મામલે કોચિંગ સેન્ટરના સંસ્થાપક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની કસ્ટડી લંબાવી હતી. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, અન્ય સહ-આરોપીઓને સામ સામે બેસાડીને, મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરવા તથા આરોપીની ભૂમિકા સ્થાપિત કરવા વધુ પૂછપરછની જરૂર છે.
સીબીઆઈએ પોતાની કસ્ટડી અરજીમાં જણાવ્યું હતું કે, તે NEET-UG પરીક્ષા 2026ના પ્રશ્નપત્રો લીક કરવા અને તેને ફેલાવવામાં સામેલ છે અને અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડીને તેણે પરીક્ષા પહેલા એટલે કે 23 એપ્રિલ, 2026ના રોજ કેમેસ્ટ્રીના પ્રશ્નો અને જવાબો મેળવી લીધા હતા. સીબીઆઈએ આ મામલામાં 11 આરોપીની ધરપકડ કરી છે. મોટેગાવકર ધરપકડ કરાયેલા દસમા વ્યક્તિ હતા.
21 જૂને ફરીથી યોજાશે પરીક્ષા
NTA એ 12 મેના 3 મેના રોજ મેડિકલ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવેલી NEET પેપર લીક થવાના આરોપોને કારણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ પરીક્ષા 21 જૂને આયોજિત કરવામાં આવશે.