Tue Sep 15 2026

Logo

`તેઓ ક્રિકેટના ભગવાન છે...', સચિનના ટ્વીટ પર વૈભવ સૂર્યવંશીની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા

2026-05-28 21:10:32
Author: Ajay Motiwala
`તેઓ ક્રિકેટના ભગવાન છે...', સચિનના ટ્વીટ પર વૈભવ સૂર્યવંશીની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા

ન્યૂ ચંડીગઢઃ આઇપીએલમાં બુધવારના એલિમિનેટરમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ્સને લીધે સમગ્ર ક્રિકેટજગત પર છવાઈ ગયેલા વૈભવ સૂર્યવંશીની વિશ્વભરના ખેલાડીઓ અને નિષ્ણાતોએ ભારોભાર પ્રશંસા કરી છે અને એમાં બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકર પણ બાકાત નથી, પરંતુ ખૂબીની વાત એ છે કે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે વૈભવને સચિનની તેના વિશેની પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સચિન (Sachin) વિશે કહ્યું, `તેઓ ક્રિકેટના ભગવાન છે...તેમણે મારા વિશે લખ્યું એ જાણીને મને બહુ સારું લાગ્યું. મૉટિવેશન મળે.'

બુધવારે ન્યૂ ચંડીગઢમાં હૈદરાબાદ સામેના વિજય બાદ રાજસ્થાનની ટીમના જ વિકેટકીપર ધ્રુવ જુરેલે વૈભવ (Vaibhav)નો ઇન્ટરવ્યૂ લીધો હતો જેમાં તેને સચિનના ટ્વીટ વિશે પ્રતિસાદ માગ્યો ત્યારે વૈભવે કહ્યું, `મને તો ખબર જ નહોતી કે તેમણે મારા વિશે લખ્યું છે. બધા જાણે છે...તેઓ ક્રિકેટના ભગવાન છે. મારા વિશે તેમણે લખ્યું તો એ મારા માટે બહુ મોટી વાત છે. કોઈ લેજન્ડ લખે એ મારા માટે ગર્વની ક્ષણ છે.'

સચિન તેન્ડુલકરે `એક્સ' પર લખ્યું છે, `વૈભવ સૂર્યવંશીનું બૅટ સ્વિંગ અસાધારણ છે. વધુ દર્શનીય બાબત એ છે કે તે ખૂબ સહજતાપૂર્વક ફ્રન્ટ ફૂટ પર આવે છે, પોતાના પગની આસપાસ બૉલ ક્યાં પડે છે એ જુએ છે અને પળવારમાં ફટકો મારી દે છે. તે ક્રીઝમાં આ રીતે જે છૂટ લે છે એનાથી તે ઇચ્છે ત્યાં બૉલને મોકલી શકે છે. તેની ઇનિંગ્સ અદ્ભુત હતી.'

દુનિયાભરના અનેક ખેલાડીઓએ પણ વૈભવની બેહદ પ્રશંસા કરી છે અને તેને વહેલાસર ભારતીય ટીમમાં સમાવી લેવાનું સૂચન કર્યું છે.