Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં કૃષિ વિભાગની તમામ કચેરીઓ, સંસ્થા, યુનિવર્સિટી અને નિગમો સોલાર રૂફટોપથી સજ્જ થશે

2026-05-28 21:42:34
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં કૃષિ વિભાગ હેઠળની રાજ્યની તમામ કચેરી, સંસ્થા, યુનિવર્સિટી અને નિગમો સોલાર રૂફટોપથી સજ્જ થશે. આ પહેલથી પરંપરાગત ઈંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા ઘટશે અને પુનઃ પ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન મળશે તેમ મંત્રી  કૃષિ  જીતુ  વાઘાણીએ જણાવ્યું હતું. 

સોલર રૂફટોપ લગાવવા માટે મહત્વનો આદેશ

પીએમ મોદીએ દેશના નાગરિકો અને સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કરેલી અપીલને ગુજરાત સરકારે ઝીલી  છે. જેના પગલે રાજ્યના કૃષિ મંત્રી  જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલર રૂફટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે. 

કૃષિ મંત્રી  જીતુ વાઘાણીએ આ સંદર્ભે કહ્યું હતું કે, સરકારી કચેરી-સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઊર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના વપરાશને પ્રોત્સાહન મળશે.  

સાત દિવસમાં  દરખાસ્ત તૈયાર કરવા આદેશ 

મંત્રીની સૂચનાને પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાના વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓ જ્યાં હજુ સુધી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે, ત્યાં આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે તમામ સંબંધિત કચેરીઓ આગામી સાત દિવસમાં પોતાની દરખાસ્ત તૈયાર કરી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને મોકલી આપશે.  

કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર રહેશે.