નવી દિલ્હીઃ રાજકીય નેતાઓને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. રાજકીય પક્ષોના પક્ષપલટા વિરુદ્ધની એક અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારે ખાસ કરીને તમિલનાડુમાં ટીવીકે સરકારના વિશ્વાસ મત પ્રાપ્ત કરવા પર સવાલ ઉઠાવ્યો હતો અને ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજીમાં કોઇ નકકર વાત સામે નથી આવી, જેના આધારે તેમાં દખલ કરી શકાય.
અરજી તમિલનાડુના રહેવાસી કે. કે. રમેશે દાખલ કરી હતી. તેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિશ્વાસ મત (વોટ ઓફ કોન્ફિડન્સ) સમયે સમર્થન મેળવવા માટે મુખ્યમંત્રી વિજયના નેતૃત્વવાળી સરકારે બીજી પાર્ટીઓના ધારાસભ્યોને મોટા પ્રમાણમાં રોકડ રકમ વહેંચી હતી. સાથે જ, સરકારી કોન્ટ્રાક્ટ આપવાનું વચન પણ આપ્યું હતું.
અરજદારની માંગ હતી કે કોર્ટ આ મામલાની તપાસ CBIને સોંપે અને જ્યાં સુધી આ તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવે.
ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ વી. મોહનાની બેંચ સમક્ષ અરજીકર્તા વતી વકીલ સી. આર. જયાસુકિને દલીલો કરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આવું થઈ રહ્યું છે. નેતાઓ લાલચ અથવા દબાણમાં આવીને પક્ષ બદલે છે અને સ્પીકર (અધ્યક્ષ) તેમના પક્ષપલટાને માન્યતા આપી દે છે. લોકશાહીના હિતમાં આ પ્રવૃત્તિ રોકાવી જોઈએ.
જયાસુકિને જણાવ્યું કે, 'દેશભરમાં સત્તાધારી પક્ષો ધારાસભ્યોની ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ)માં લાગેલા છે. ધારાસભ્યોને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. આનો ખર્ચ કોણ ઉઠાવી રહ્યું છે?' વકીલે દાવો કર્યો હતો કે તમિલનાડુના ધારાસભ્યોએ મીડિયા સમક્ષ આવીને સમર્થન પત્રો સોંપ્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ લાલચ અથવા દબાણ હેઠળ હતા.
અરજદારના વકીલની દલીલો થોડીવાર સાંભળ્યા પછી ચીફ જસ્ટિસે કહ્યું, 'અમે તમને બોલવાની પૂરેપૂરી તક આપી. તમારી અરજી કોઈ પણ વિશ્વસનીય આધાર કે પુરાવા વગર દાખલ કરવામાં આવી છે. આ માત્ર આરોપો પર આધારિત છે. અમને આ બાબતમાં દખલગીરી કરવાનો કોઈ આધાર દેખાતો નથી.'