રાજકોટઃ સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાંથી કલા જગત અને રસિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટનો એકમાત્ર મોટો અને રાજ્ય સરકાર દ્વારા નિર્મિત ‘હેમુ ગઢવી હોલ’ હાલ સુવિધાઓના અભાવે અને તંત્રની ઘોર બેદરકારીના કારણે કલાકારો તેમજ પ્રેક્ષકો માટે આકરી ગરમીમાં આકરા પાણીએ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા ચારથી પાંચ મહિનાથી હોલનો એસી પ્લાન્ટ બગડી ગયો હોવા છતાં હજુ સુધી તેનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી.વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
હોલની બહાર લાગ્યા ‘ક્ષમાપના’ ના પોસ્ટરો
સરગમ ક્લબ સંચાલિત આ નાટ્યગૃહની બહાર હાલ એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે તંત્રની લાચારી અને ઢીલી નીતિ દર્શાવે છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે: ‘હેમુગઢવી હોલમાં એસી પ્લાન્ટ રીપેરિંગનું કામ ચાલે છે, તો તમામ આયોજક અને પ્રેક્ષકગણને જણાવવાનું કે હાલમાં 50 ટકા એસી પ્લાન્ટ ચાલે છે. એટલે હોલમાં થોડી એસીની તકલીફ પડશે તો ક્ષમા કરવા નમ્ર વિનંતી’
આયોજકો અને પ્રેક્ષકો પરેશાન: બેઠક વ્યવસ્થામાં પણ ધાંધિયા
1100થી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતો રાજકોટનો આ એકમાત્ર મોટો હોલ છે જ્યાં મોટા નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય છે. વિચિત્ર સીટિંગ અરેન્જમેન્ટની વાત કરવામાં આવે તો, થોડા વર્ષો પહેલા હોલને સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સુવિધા સુધારવાને બદલે માત્ર સીટો વધારવાની લાલચે ખુરશીઓની ગોઠવણી એવી વિચિત્ર રીતે કરવામાં આવી છે કે પ્રેક્ષકોને આરામથી બેસવામાં પણ તકલીફ પડી રહી છે. સીટોની અગવડતા વચ્ચે છેલ્લા 4-5 મહિનાથી એસી બરાબર ન ચાલતા હોલમાં બફારો અને ગરમી અસહ્ય બની જાય છે.
સરગમ ક્લબના સંચાલકનું શું કહેવું છે?
આ અંગે આયોજકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સરગમ ક્લબના સંચાલક ગુણવંત ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ હોલ રાજ્ય સરકાર હસ્તક હોવાથી જ્યાં સુધી સરકાર સ્તર પરથી કોઈ મજબૂત નિર્ણય કે મંજૂરી ન મળે ત્યાં સુધી હોલને સંપૂર્ણ વ્યવસ્થિત કરવો શક્ય નથી.
રાજકોટના અન્ય હોલની સ્થિતિ પણ દયનીય
રાજકોટ મહાનગરપાલિકા (RMC) સંચાલિત અન્ય હોલની સ્થિતિ પણ કોઈ ખાસ સારી નથી. કાં તો ત્યાં સંચાલનનો અભાવ છે અથવા તો ત્યાં તૈનાત અધિકારીઓની જોહુકમી જોવા મળે છે. વળી, અન્ય હોલમાં બેઠક વ્યવસ્થા ઓછી હોવાને કારણે મોટા કાર્યક્રમો ત્યાં કરવા શક્ય નથી. આવા સંજોગોમાં રાજકોટનું આ ગૌરવ સમાન નાટ્યગૃહ માત્ર સરકારી ઢીલ અને આંતરિક વિવાદોના કારણે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યું છે.