મુંબઈ: આ વર્ષની શરૂઆતથી જ ફિલ્મજગતમાં ધમાકેદાર ફિલ્મોની સાથે જાણીતા કલાકારોની પરસ્પર હરીફાઈ જોવા મળી રહી છે, જેના પરિણામે કેટલીક ફિલ્મોને નુકશાન તો કેટલીકને ફાયદો થતો જોવા મળ્યો છે. જૂન મહિનામાં એક જ દિવસમાં નવ ફિલ્મ રિલીઝ થઈ હતી. છતાં આ ફિલ્મોમાંથી એક પણ ફિલ્મ બોક્સઓફિસ પર નોંધપાત્ર વળતર મેળવી શકી નથી. હવે આ લિસ્ટમાં કરીના કપૂર ખાનની એક ફિલ્મ પણ સામેલ થવા જઈ રહી છે.
તાજેતરમાં જ કરીનાની આગામી ફિલ્મ 'દાયરા'ની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મમાં 'બેબો' પોલીસના અભિનયમાં જોવા મળશે. આ જ દિવસે 'ડિમ્પલ ગર્લ' પ્રીતિ ઝિંટા અને કુણાલ ખેમુની ફિલ્મ 'વાઇબ' પણ બેબોને ટક્કર આપશે.
કરીનાની સાથે આગામી ફિલ્મ 'દાયરા'માં પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે. આ ફિલ્મની દિગ્દર્શક મેઘના ગુલઝાર છે. ઘણા લાંબા સમય બાદ બેબો મોટા પડદે જોવા મળશે. કરીના છેલ્લે 'સિંઘમ અગેન' ફિલ્મમાં જોવા મળી હતી. આગામી ફિલ્મ દ્વારા કરીના, કુણાલ ખેમુની ફિલ્મ 'વાઇબ'ને ટક્કર આપશે. કુણાલ ખેમુ સૈફ અલી ખાનની બહેન સોહાનો પતિ છે. એટલે હવે આ બન્ને ફિલ્મો દ્વારા પરિવાર વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.
કરીનાએ બતાવી ફિલ્મની પહેલી ઝલક
હાલમાં જ કરીના કપૂર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આવનારી ફિલ્મ 'દાયરા'ના શૂટિંગની એક ઝલક નેટિઝન્સને બતાવી હતી. જે એકદમ રો અને અનોખી છે. આ ફિલ્મમાં મેઘના ગુલઝારની જબરદસ્ત સિનેમેટિક દુનિયા જોઈ શકાશે, જે જોવા માટે આખી ફિલ્મ જોવી પડશે. કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે આ યાદગાર રહેશે. 'દાયરા'ના બિહાઇન્ડ ધ સીન્સની એક ઝલક. 'દાયરા' 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી રહી છે.
પ્રીતિ ઝિંટાની 'વાઇબ' કયારે રિલીઝ થશે
બોલીવુડની ડિમ્પલ ગર્લ ઘણા લાંબા સમય બાદ આગમન કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં તે ફિલ્મ 'બટવારા 1947'માં જોવા મળશે. આ ફિલ્મ બાદ પ્રીતિ, કુણાલ ખેમુ સાથે 'વાઇબ' ફિલ્મમાં જોવા મળશે. બંને કો-સ્ટાર્સ પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ડ્રોન્ગો ફિલ્મ્સના બેનર હેઠળ કુણાલ ખેમુ અને ચિરાગ નિહલાની ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ 18 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. બાદમાં આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મ કુણાલ ખેમુ દ્વારા જ ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. પ્રીતિ ઝિંટા સિવાય આ ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ અને ડેબ્યુ કરી રહેલી વંશિકા ધીર મહત્વનો રોલ કરતા જોવા મળશે.